અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામા વચ્ચે છૂટાછેડાના સમાચારે જોરદાર હવા પકડી છે. પરંતુ હવે મિશેલ ઓબામાએ આ અફવાઓ પર ખુલીને જવાબ આપ્યો છે. મિશેલે આ તમામ બાબતોને સંપૂર્ણપણે ખોટી અને પાયાવિહોણી ગણાવી છે. અભિનેત્રી સોફિયા બુશના પોડકાસ્ટ 'વર્ક ઈન પ્રોગ્રેસ' પર વાત કરતી વખતે મિશેલે સ્પષ્ટપણે કહ્યું કે તે હવે પોતાના જીવનના નિર્ણયો જાતે લઈ રહી છે અને પોતાની માનસિક અને શારીરિક હેપીનેસને પ્રાથમિકતા આપી રહી છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહ અને જિમી કાર્ટરના અંતિમ સંસ્કાર સહિત અનેક મોટા જાહેર કાર્યક્રમોમાં મિશેલ ઓબામા બરાક ઓબામા સાથે જોવા મળ્યા ન હતા ત્યારે છૂટાછેડાની અફવાઓ વધુ વધી હતી. આ બાબતોના આધારે લોકો અનુમાન લગાવવા લાગ્યા. પરંતુ મિશેલના તાજેતરના નિવેદને આ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
મિશેલ ઓબામાએ આ વાત કહી
આ અફવાઓ પર પ્રતિક્રિયા આપતા મિશેલ ઓબામાએ કહ્યું, "લોકો સમજી શક્યા નથી કે હું એક બુદ્ધિશાળી અને આત્મનિર્ભર મહિલા છું, જે પોતાના નિર્ણય જાતે લઈ શકે છે. તેમને લાગ્યું કે જો હું કંઈક અલગ કરી રહી છું તો અમારા સંબંધોમાં ચોક્કસપણે કોઈ સમસ્યા છે." તેમણે વધુમાં કહ્યું કે, "મેં તે કર્યું જે મારા માટે યોગ્ય હતું અને લોકો કે સમાજ મારી પાસેથી જે અપેક્ષા રાખે છે તે નહીં."
મિશેલે એ પણ સમજાવ્યું કે તેમણે આવું પગલું કેમ અગાઉ ન ભર્યું. કહ્યું કે પહેલા તે બીજાના વિચારો, જવાબદારીઓ અને સમાજની અપેક્ષાઓને વધુ મહત્વ આપતી હતી, પરંતુ હવે તે તેની સુખાકારી અને સુખને પ્રાથમિકતા આપી રહી છે.
'મારા માટે જીવવાની સ્વતંત્રતા મળી છે'
મિશેલ ઓબામાએ કહ્યું, "પહેલાં હું મારા માટે નિર્ણયો લેતી ન હતી કારણ કે હું મારી પુત્રીઓ પ્રત્યેની જવાબદારીનું બહાનું બનાવતી હતી, પરંતુ હવે મારી પુત્રીઓ મોટી થઈ ગઈ છે, મને મારા જીવનની પ્રાથમિકતાઓ નક્કી કરવાની સ્વતંત્રતા મળી છે."





