2025ના નવા વર્ષના આગમન માટે સમગ્ર વિશ્વમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે, પરંતુ ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં તો વાતાવરણ કંઈક અલગ જ જોવા મળી રહ્યોં છે. મળતી માહિતી અનુસાર આજે એટલે કે, 31મી ડિસેમ્બરે બાંગ્લાદેશમાં શેખ મુજીબર રહેમાનના સમયમાં 1972માં બનેલા બંધારણને ખતમ કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે. આ સિવાય રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ જેવા પદો પણ ખતમ થઈ શકે છે. તે જ સમયે, જુલાઈમાં શેખ હસીના વિરુદ્ધ થયેલા આંદોલનને ક્રાંતિનો દરજ્જો આપી શકાય છે. આ એક ઈરાની ક્રાંતિ જેવું હતું જે બાદ શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને ભારત આવી ગયા હતા. એવા સમાચાર છે કે, શેખ હસીના સરકાર વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા વિદ્યાર્થી સંગઠન દ્વારા નવા ગણતંત્રની પણ જાહેરાત કરવામાં આવી શકે છે.
સ્ટુડેન્ટ્સ અગેઈન્સ્ટ ડિસ્ક્રીમીનેશન પાર્ટી નવા ગણતંત્ર દિવસની પણ જાહેરાત કરવાની તૈયારી કરી રહ્યા છે. જો કે બાંગ્લાદેશને ઈસ્લામિક દેશ જાહેર કરવામાં આવશે કે તેને બિનસાંપ્રદાયિક પ્રજાસત્તાક બનાવવામાં આવશે તેવી અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. હાલ બાંગ્લાદેશમાં અસ્થિરતા છે અને રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ જેવા પદોને નાબૂદ કરવાથી બાંગ્લાદેશની વિકટ પરિસ્થિતીમાં વધારો થઈ શકે છે. આનાથી ભારત જેવા પાડોશી દેશોની ચિંતા પણ વધી શકે છે. ભારત માટે પડકાર એ છે કે જો તે બાંગ્લાદેશમાં કોઈની સાથે વાત કરે તો તે કોણ હશે? હાલમાં ત્યાં કોઈ ચૂંટાયેલી સરકાર નથી અને વચગાળાની સરકારના વડા નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસ છે. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે કટ્ટરપંથીઓને ખૂબ સમર્થન આપ્યું છે, જેના કારણે ભારત સહિત ઘણા દેશો ચિંતિત છે. આ મામલે અમેરિકાએ પણ ચિંતા વ્યક્ત કરી છે.
વિદ્યાર્થી નેતા હસનત અબ્દુલ્લાએ બાંગ્લાદેશના વર્તમાન બંધારણ વિશે કહ્યું કે તે મુજીબિસ્ટ કાયદો છે. અમે તેને સમાપ્ત કરીશું અને તેને દફનાવી દઈશું. આટલું જ નહીં, અબ્દુલ્લાએ ભારત વિરુદ્ધ પોતાની નફરતને પણ ઉજાગર કરી હતી. હસનાતે કહ્યું કે, 1972ના બંધારણના કારણે ભારતને બાંગ્લાદેશમાં દખલ કરવાની તક મળી. અબ્દુલ્લાએ કહ્યું કે અમે 31 ડિસેમ્બરે બપોરે ઢાકાના સેન્ટ્રલ શહીદ મિનાર પર જાહેરાત કરીશું અને જણાવીશું કે ભવિષ્યનું બાંગ્લાદેશ કેવું હશે. એવું માનવામાં આવે છે કે બાંગ્લાદેશમાં કટ્ટરવાદી વિચારધારાના વિસ્તરણ પાછળ પાકિસ્તાનનો હાથ છે. આટલું જ નહીં, જે નેતાઓએ વિદ્યાર્થી આંદોલનના નામે તખ્તાપલટને અંજામ આપ્યો છે તેઓ સતત પાકિસ્તાન દૂતાવાસના સંપર્કમાં છે.
તાજેતરમાં જ મોહમ્મદ યુનુસ અને શાહબાઝ શરીફ ઈસ્લામિક દેશોના સંગઠન ડી-8ની બેઠકમાં મળ્યા હતા. આ મીટિંગમાં બંને વચ્ચેના સંબંધોને લઈને ચર્ચા થઈ હતી. આ સિવાય બાંગ્લાદેશે પણ પાકિસ્તાન સાથે વેપાર વધાર્યો છે. હવે પાકિસ્તાનનો સામાન સીધો બાંગ્લાદેશના ચટગાંવ બંદરે પહોંચી રહ્યો છે અને તેના ફિઝિકલ ચેકિંગનો નિયમ પણ ખતમ કરી દેવામાં આવ્યો છે.

_2c88947a-966f-4e6d-ae35-043e98687299.jpg)




