Pakistan News: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સોમવારે મોડી રાત્રે એક પોલીસ પોસ્ટ પર હુમલો થયો હતો, જેમાં ઓછામાં ઓછા 9 પોલીસકર્મીઓ માર્યા ગયા છે. આ ઘટના બાદ સુરક્ષાકર્મીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે.
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક પોલીસ પોસ્ટ પર મોટા હુમલાના સમાચાર સામે આવ્યા છે. જેમાં ઓછામાં ઓછા 9 પોલીસકર્મીઓના મોત થયા છે. જ્યારે હુમલા બાદ 5 પોલીસકર્મીઓ ગુમ હોવાનું કહેવાય રહ્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તપાસ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
વાસ્તવમાં, આ હુમલો સોમવારે મોડી રાત્રે બલૂચિસ્તાનના ઝિયારત જિલ્લાના માંગી ડેમ વિસ્તારની નજીક થયો હતો. આ ઘટના બાદ સુરક્ષાકર્મીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. આ ઘટના અંગે સ્થાનિક ડેપ્યુટી કમિશનર અબ્દુલ કુદૂસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ઘટનામાં 9 પોલીસકર્મીઓ માર્યા ગયા છે.
પાંચ ગુમ થયેલા પોલીસકર્મીઓની શોધખોળ ચાલુ
પાકિસ્તાની અખબાર 'ડૉન' ના જણાવ્યા અનુસાર, ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે હુમલા બાદ પાંચ પોલીસ અધિકારીઓ હજી પણ ગુમ છે, જેમની શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી તરફ, પરિસ્થિતિને જોતા ત્યાં વધારાનું સુરક્ષા દળ મોકલવામાં આવી રહ્યું છે. આ હુમલા પાછળનું અસલી કારણ શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
પાકિસ્તાની ટીવી ચેનલો પર પ્રસારિત થઈ રહેલા સમાચારો અનુસાર, પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે આ હુમલાની સખત નિંદા કરી છે. આ સાથે જ તેમણે પોલીસકર્મીઓના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. આ સિવાય બલૂચિસ્તાનના સીએમના સહયોગી શાહિદ રિંદે જણાવ્યું કે હુમલામાં માર્યા ગયેલા લોકોમાં માંગી અને કવાસ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ સામેલ હતા.





