વડોદરાની એક વ્યક્તિને વિચિત્ર કહી શકાય એવો રોગ થયો હતો. ગમે એટલા પ્રયત્ન કરે તો પણ આંખની પાપણ ઊંચી થાય જ નહી. આંખ ખુલ્લી રાખવા માટે પાપણને આંગળીથી પકડી રાખવી પડે અને તો જ જોઇ શકાય. આ રોગથી મુક્તિ મેળવવા માટે તેમણે 150થી વધુ તબીબો પાસે સારવાર કરાવી હતી. તેમજ દવાખાનામાં દાખલ થયા છતાં પણ કોઈ પણ પ્રકારનો ફર્ક ન પડ્યો. તેમને માયસ્થેનિયા ગ્રેવીસની બિમારીનું નિદાન થયું. થાકી હારી તેઓ પહોંચ્યા વડોદરાના એક સરકારી આયુર્વેદિક દવાખાને થોડા દિવસોની સારવાર બાદ આ રોગથી તેમને મુક્તિ મળી.
પ્રથમ દ્રષ્ટિએ આ વાત માનવામાં ના આવે પણ સત્ય છે. વડોદરા શહેરના વાડી તરસાલી વિસ્તારમાં આવેલા સરકારી આયુર્વેદિક દવાખાનામાં એવી સારવાર થઇ રહી છે કે, ત્યાં સારવાર કરાવવા માટે દર્દીઓ વહેલી સવારથી લાઇન લગાવે છે. ત્યાં માત્ર વડોદરા કે ગુજરાતના અન્ય જિલ્લામાંથી જ નહીં પરંતુ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્રથી પણ અહીં દર્દીઓ આવે છે. તેનું કારણ છે ત્યાં કાર્યરત વેદ્ય સારિકા જૈન.
સારવાર કરાવવા માટે વહેલી સવારથી લાગે છે લાઇન
તેમની કર્તવ્યનિષ્ઠા અને સમર્પણને કારણે દર્દીઓમાં ભિષગવશતામાં વૃદ્ધિ થઇ છે. એલોપથીમાં અસાધ્ય ગણાતા, મનાતા અનેક પ્રકારની રોગની તેઓ સચોટ સારવાર કરે છે કે પછી સાજા થયેલા દર્દીઓને જોઇ અન્ય દર્દીઓ પણ આ સરકારી દવાખાનમાં સારવાર માટે દોડી આવે છે. વડોદરા શહેર જિલ્લામાં ભીલાપૂર ખાતે સરકારી આયુર્વેદિક દવાખાને ફરજ બજાવતા ત્યારે તો ટોકન વ્યવસ્થા રાખવી પડતી હતી. ટોકન મેળવવા માટે દર્દીઓના સંબંધીઓ આખી રાત ભીલાપૂરમાં રહે ત્યારે ટોકન મળવે છે.
છેલ્લા 20 વર્ષથી આયુર્વેદની પ્રેક્ટિસ કરતા સારિકા જૈન 2009થી રાજ્ય સરકારમાં આયુર્વેદિક મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમણે જ્યાં જ્યાં ફરજ બજાવી ત્યાં ત્યાં દવાખાનામાં દર્દીઓની સંખ્યા વધી ગઇ. અત્યાર સુધીમાં તેમણે અંદાજે ત્રણ લાખથી વધુ દર્દીઓની સારવાર કરી છે. ભીલાપૂર ખાતે પ્રતિ દિન સરેરાશ 100 દર્દીઓ અને વડોદરામાં તરસાલી ખાતે સવારમાં 40 અને બપોર બાદ 20 એમ બન્ને પાળી ઉપરાંત દવા આપવાના દર્દીઓ મળી 80થી 85 દર્દીઓને સેવા આપવામાં આવે છે. મજાની વાત તો એ છે કે, બાજુમાં આવેલા અર્બન પીએચસીમાં આ દવાખાના કરતા ઓછી ઓપીડી હોય છે!
આકૃતિ કથયતે ગુણાનામ એ નાતે આમ તો સારિકાબેન દર્દીઓને જોઇને જ કહી શકે કે દર્દીને ક્યો રોગ છે? ઉદાહરણ તરીકે એમના એક સાથી તબીબ પોતાના પરિજનને પેટમાં વાયુની ફરિયાદ સાથે સારવાર માટે આવ્યા હતા. જેને જોઈને સારિકાબેને કહ્યું કે, દર્દીને પથરી છે. પહેલા તો તબીબ માન્યા નહીં પણ સોનોગ્રાફી કરાવતા પથરીનું નિદાન થયું. ત્યારે પેલા તબીબ માન્યા!
ત્રણ લાખથી વધુ દર્દીઓની કરી સારવાર
તેઓ આધુનિક વિજ્ઞાન સાથે તાલ મેળવી દર્દીઓને જરૂરી તમામ રિપોર્ટ કરાવવાનો આગ્રહ રાખે છે. એ રિપોર્ટના આધારે જ દર્દીની સારવાર કરવામાં આવે છે. તેઓ સિદ્ધાંતોના ચુસ્ત આગ્રહી છે, ક્રમાનુસાર જ દર્દીઓનું નિદાન કરે. દર્દીઓ પાસે આહાર, વિહાર, વિચારની શુદ્ધિ, નિયમિતતાના કડક આગ્રહી છે.
એક સરકારી આયુર્વેદિક દવાખાનામાં આટલી મોટી સંખ્યામાં ઓપીડી રહે એ પહેલા આશ્ચર્યજનક વાત હતી. સરકારના વિવિધ અધિકારીઓ દ્વારા વખતો વખત મુલાકાત લેવામાં આવી ત્યારે ખબર પડી કે સારિકાબેનની નામના બહુ જ છે. એટલે ઓપીડી વધુ રહે છે. સામાન્ય રીતે એક સરકારી આયુર્વેદિક દવાખાનામાં વર્ષાંતે એકબે લાખની દવાઓની જરૂર પડે છે. પણ અહીં સાત-આઠ લાખ રૂપિયાની આયુર્વેદિક દવાની જરૂરત પડે છે. રાજ્ય સરકાર દ્વારા આ દવા સાવ વિનામૂલ્યે આપવામાં આવે છે. તરસાલીનું આ દવાખાનું રાજ્યમાં સૌથી વ્યસ્ત આયુષ કેન્દ્ર છે.
એલોપેથી તબીબો પણ આવે છે સારવાર માટે
સામાન્ય રીતે આટલી મોટી નામના મેળવ્યા બાદ તબીબો સરકારી સેવામાંથી મુક્ત થઇ જતાં હોય છે. પરંતુ તેઓ સરકારના માધ્યમથી જન સેવા છોડવાના નથી. તેઓ કહે છે કે, તબીબીકર્મમાં અર્થોપાર્જનનો હેતું આવે ત્યારે સારવાર યોગ્ય રીતે થઇ શકતી નથી. સરકારી ફરજમાં હું દર્દીઓ સાથે ભાવથી જોડાઉ છું અને તેના કારણે દર્દીઓનો મારામાં વિશ્વાસ વધે છે. મારી પાસે અઢળક કિસ્સાઓ છે કે, જે દૂર-દૂરથી અહીં રડતા રડતા આવે અને સારા થઇને જાય છે. મારા કર્મથી મને સંતૃષ્ઠિ મળે એથી વિશેષ બીજું શું હોઇ શકે?
રસપ્રદ વાત તો એ છે કે, આઇએએસ, જીએએસ અધિકારીઓ પણ તેમની સારવાર કરાવી ચૂક્યા છે. ચાલો આ તો સમજ્યા! પણ ઘણા એલોપથી તબીબો પણ તેમની પાસે સારવાર કરાવવા માટે આવે છે. જીવનશૈલીની અનિયમિતતા અને અશુદ્ધિના કારણે થતાં રોગો જેવા કે, ડાયાબિટીસ, થાઇરોડ, હાઇ બ્લડપ્રેશર, હાઇ કોલેસ્ટ્રોલ, સ્કિન ડિસીઝ સહિતના રોગોના દર્દીઓ સૌથી વધુ આવે છે.
તેઓ કહે કે, સોશિયલ મીડિયામાં આવતી આયુર્વેદિક દવાઓની ટીપ્સના આધારે શરીર ઉપર અખતરા કરવા જોઇએ નહીં. તજજ્ઞ તબીબોની સલાહ મુજબ જ દવાઓનો ઉપયોગ કરવો જોઇએ.
બાય ધી વે! આંખની પાપણ ઢળી જવાના ઉક્ત કિસ્સામાં આયુર્વેદમાં આવા રોગને વાતહતવર્ધમા તરીકે ઓળખવામાં આવે છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ


_0413eff9-51e2-4bca-9cde-8d7b6020dfcc.jpg)



