રામ નવમીના પવિત્ર અવસર પર અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ મંદિર દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. જો તમે પણ આ સમયે અયોધ્યા જવાનું આયોજન કરી રહ્યા હોવ, તો તમારી યાત્રાને સુખદ અને યાદગાર બનાવવા માટે કેટલીક પૂર્વ તૈયારીઓ કરવી ખૂબ જ જરૂરી છે. આ સમયગાળા દરમિયાન મંદિરોમાં વિશેષ પૂજા અને ધાર્મિક ઉત્સવોનું આયોજન થતું હોવાથી ભક્તોની ભારે ભીડ, ટ્રાફિક જામ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત જોવા મળે છે. દરેક યાત્રીએ આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જ પોતાનો પ્રવાસ ખેડવો જોઈએ.
રામ મંદિરના દર્શન માટે કયો સમય છે શ્રેષ્ઠ?
જો તમે ભારે ભીડથી બચવા માંગતા હોવ, તો દર્શન માટે વહેલી સવારનો અથવા સાંજના શરૂઆતના કલાકોનો સમય પસંદ કરવો હિતાવહ છે. જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ભક્તોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે, તેથી વહેલી સવારે રામ લલ્લાના દર્શન કરવા એ સૌથી ઉત્તમ વિકલ્પ છે. આનાથી તમે લાંબી કતારોમાં ઉભા રહેવાથી બચી શકશો અને શાંતિથી દર્શન કરી શકશો.
હોટલ અને આવાસનું એડવાન્સ બુકિંગ જરૂરી
રામ નવમીના ઉત્સવ દરમિયાન અયોધ્યામાં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટતી હોવાથી રહેવા માટેની જગ્યા શોધવી મુશ્કેલ બની શકે છે. આથી, અયોધ્યા પહોંચતા પહેલા જ ઓનલાઈન પ્લેટફોર્મ અથવા સ્થાનિક ધર્મશાળાઓમાં એડવાન્સ બુકિંગ કરાવી લેવું જોઈએ. છેલ્લી ઘડીએ આવાસની શોધખોળ કરવાથી કાં તો સારી જગ્યા નહીં મળે અથવા ઉપલબ્ધ વિકલ્પો માટે ખૂબ જ ઊંચી કિંમત ચૂકવવી પડી શકે છે.
બાળકો અને વડીલોની સુરક્ષા માટે વિશેષ કાળજી
હજારોની મેદનીમાં પરિવારના બાળકો અને વૃદ્ધ સભ્યોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ભીડભાડવાળી જગ્યાએ બાળકોનો હાથ મજબૂતીથી પકડી રાખવો અને વડીલો માટે આરામદાયક વ્યવસ્થા કરવી જરૂરી છે. સુરક્ષાના ભાગરૂપે નાના બાળકોના ખિસ્સામાં એક કાગળ પર તેમનું નામ, માતા-પિતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખીને રાખવો જોઈએ, જેથી કોઈ અનિચ્છનીય ઘટનામાં તેમનો સંપર્ક કરી શકાય.
વહીવટી નિયમો અને સુરક્ષા સૂચનાઓનું પાલન
અયોધ્યામાં રોકાણ દરમિયાન પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે. સુરક્ષાના કારણોસર કોઈપણ બિનવારસી વસ્તુને અડકવું નહીં અથવા પ્રતિબંધિત વિસ્તારોમાં જવું નહીં. મુસાફરી દરમિયાન જરૂરી દસ્તાવેજો, મોબાઈલ ફોન અને પૂરતી રોકડ હંમેશા તમારી સાથે રાખવી. જો તમે રામ નવમીના સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરવા માંગતા હોવ, તો અયોધ્યાની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ, પરંતુ તેના માટે યોગ્ય પ્લાનિંગ અને સાવચેતી રાખવી તેટલી જ જરૂરી છે.





