Uttar Pradesh News: અયોધ્યાના શ્રીરામ મંદિર સાથે જોડાયેલા કથિત દાનચોરી કેસ વચ્ચે જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રવિવારે અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપતાં રાજકીય અને ધાર્મિક વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે. તેમણે દાવો કર્યો કે હાલનું રામ મંદિર "ખરેખર રામ મંદિર નહીં, પરંતુ RSS અને BJPની ઓફિસ સમાન છે." તેમણે ઉમેર્યું કે જ્યારે મંદિર સંપૂર્ણપણે ધાર્મિક પરંપરા મુજબનું રામ મંદિર બનશે, ત્યારે જ તેઓ ત્યાં દર્શન કરવા જશે. શંકરાચાર્ય હાલમાં ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે 81 દિવસીય યાત્રા પર છે. આ યાત્રા દરમિયાન તેઓ ઉત્તર પ્રદેશના રાયબરેલી પહોંચ્યા હતા, જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે રામ મંદિર ટ્રસ્ટ, સરકાર અને SITની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા.
દાનચોરી કેસની SIT પર ઉઠાવ્યા પ્રશ્નો, 'એ જ ચોર અને એ જ પોલીસ' કહી કરી ટીકા
શંકરાચાર્યએ કહ્યું કે રામ મંદિર ટ્રસ્ટની રચના સરકારે કરી છે અને હવે દાનચોરીના આરોપોની તપાસ માટે SIT પણ સરકારે જ બનાવી છે. તેમના શબ્દોમાં, "જે લોકો પર સવાલ છે, એ જ તંત્ર તપાસ કરશે તો નિષ્પક્ષ પરિણામ કેવી રીતે આવશે?" તેમણે "એ જ ચોર અને એ જ પોલીસ" જેવી ટિપ્પણી કરીને તપાસની વિશ્વસનીયતા અંગે શંકા વ્યક્ત કરી. તેમના આ નિવેદન બાદ રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે. એક તરફ વિરોધ પક્ષ સરકાર અને ટ્રસ્ટ પર સવાલો ઉઠાવી રહ્યો છે, તો બીજી તરફ મંદિર ટ્રસ્ટ અને સત્તાધારી પક્ષના સમર્થકો આ પ્રકારના નિવેદનોને બિનઆધારભૂત ગણાવી રહ્યા છે.
દાનચોરી કેસમાં આરોપીઓના રિમાન્ડની તૈયારી, તપાસમાં નવા ખુલાસા
આ દરમિયાન રામ મંદિર દાનચોરી કેસમાં પોલીસ કાર્યવાહી પણ ઝડપથી આગળ વધી રહી છે. આરોપી રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ અને સુભાષ શ્રીવાસ્તવને સોમવારે ફૈઝાબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ બંનેના સાત દિવસના રિમાન્ડની માંગ કરી શકે છે જેથી સમગ્ર કૌભાંડ અંગે વધુ માહિતી મેળવી શકાય. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મંદિરમાં રાખવામાં આવેલા કુલ 54 દાનપાત્રોમાંથી દરેકની એક ચાવી આરોપી ટિન્નુ યાદવ પાસે રહેતી હતી. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે દાનપેટીઓમાંથી નાણાં કેવી રીતે બહાર કાઢવામાં આવતા હતા અને તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં.
ગોરખપુરમાં પોસ્ટરબાજી બાદ સપા નેતા સહિત ત્રણની ધરપકડ
રામ મંદિર દાનચોરી મામલે રાજકીય પ્રતિક્રિયાઓ વચ્ચે ગોરખપુરમાં પોસ્ટર લગાવવાના કેસમાં સમાજવાદી પાર્ટીના નેતા અરવિંદ શુક્લા સહિત ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી છે. આરોપ છે કે તેમણે શહેરમાં એવા પોસ્ટરો લગાવ્યા હતા જેમાં મંદિરના દાન અંગે કટાક્ષ કરવામાં આવ્યો હતો. પોસ્ટરોમાં લખાયેલા સૂત્રો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર જાહેર શાંતિ ભંગ થવાની શક્યતા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાર્યવાહી કરવામાં આવી છે.
કોંગ્રેસ અને સપાનું સરકાર પર નિશાન, સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસની માંગ
કોંગ્રેસ નેતા શોભા ઓઝાએ દાનચોરી કેસની સ્વતંત્ર તપાસની માંગ કરતાં કહ્યું કે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસવામાં આવવો જોઈએ. તેમણે રામ મંદિર ટ્રસ્ટને RTI હેઠળ લાવવાની તેમજ જવાબદારી નક્કી કરવાની માંગ પણ કરી હતી. બીજી તરફ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટા પર જ પ્રહાર કરતાં બાબરી મસ્જિદ માટે એકત્ર થયેલા ભંડોળનો હિસાબ માંગ્યો હતો. રાજકીય આરોપ-પ્રત્યારોપ વચ્ચે આ મુદ્દો હવે વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
આ પણ વાંચો: આંધ્ર પ્રદેશમાં ફરી કોરોનાની દસ્તક! : 2 દર્દીઓના મોત બાદ આરોગ્ય તંત્ર એલર્ટ, કડપામાં 8 સક્રિય કેસ નોંધાયા
મહંતોનો બચાવ, ચંપત રાય પર વિશ્વાસ વ્યક્ત; મંદિર વ્યવસ્થાને લઈને પણ બેઠક
અયોધ્યાના મહંત કમલ નયન દાસે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનો બચાવ કરતાં જણાવ્યું કે તેમણે કોઈ ગેરરીતિ કરી નથી અને તેમની લાંબી સેવાઓને નજરઅંદાજ ન કરવી જોઈએ. મહામંડલેશ્વર વિષ્ણુ દાસ સહિત કેટલાક સંતોએ પણ મંદિર ટ્રસ્ટના સમર્થનમાં નિવેદનો આપ્યા છે. આ સાથે મંદિરની વ્યવસ્થા મજબૂત બનાવવા માટે નવા પૂજારીઓની ભરતી અંગે પણ પ્રક્રિયા ચાલી રહી છે. 22 જુલાઈએ યોજાનારી બેઠકમાં 100 પૂજારીઓની ભરતીના લક્ષ્ય અંગે ચર્ચા થવાની છે, કારણ કે હાલમાં માત્ર 20 પૂજારીઓ સેવા આપી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.






