Home Sports Aus Vs Eng One Change In England Squad For Third Ashes Test

AUS vs ENG; ત્રીજી એશિઝ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમમાં એક ફેરફાર : પ્લેઇંગ 11 કરી જાહેર, આ ફાસ્ટ બોલરને ટીમમાં મળ્યું સ્થાન!

AUS vs ENG; ત્રીજી એશિઝ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમમાં એક ફેરફાર
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 07:30 AM IST

AUS vs ENG: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની એશિઝ સીરિઝ 2025-26 ની ત્રીજી મેચ 17 ડિસેમ્બરથી એડિલેડ ઓવલ ખાતે રમાશે. ઓસ્ટ્રેલિયાએ પર્થ અને બ્રિસ્બેન ટેસ્ટમાં 8-8 વિકેટે જીત મેળવી હતી. હવે, ઓસ્ટ્રેલિયા પાસે આ મેચ જીતીને એશિઝ સીરિઝ જીતવાની તક છે.

બ્રેન્ડન મેક્કુલમે ટીમના બેટ્સમેન પર શું કહ્યું?

એડિલેડ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડે પોતાની પ્લેઇંગ ઈલેવનની જાહેરાત કરી. ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમે માત્ર એક જ ચેન્જ કર્યો છે. ફાસ્ટ બોલર ગુસ એટકિન્સનને બહાર કરવામાં આવ્યો છે અને તેના સ્થાને ફાસ્ટ બોલર જોશ ટંગને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. બ્રિસ્બેન ટેસ્ટમાં મોંઘા સાબિત થયેલ બ્રાયડન કાર્સને ટીમમાં રાખવામાં આવ્યો છે. સીરિઝની પહેલી બે ટેસ્ટમાં ફક્ત જો રૂટની બેટિંગ એવરેજ 30 થી ઉપર રહી છે, પરંતુ આ છતાં, મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમે ટોપના સાતમાં કોઈ ફેરફાર કર્યો નથી. બ્રેન્ડન મેક્કુલમે કહ્યું, "અમે જાણીએ છીએ કે, આ સીરિઝમાં અત્યાર સુધી અમારા પૂરતા રન નથી થયા, પરંતુ જીતનો અર્થ એ નથી કે, ભૂતકાળમાં અમારા માટે કામ કરતી બાબતોમાં ફેરફાર કરવો."

જોશ ટંગની આ ખાસિયત

28 વર્ષીય જોશ ટંગ આ સીરિઝમાં પ્રથમ વખત રમશે. તેને અત્યાર સુધીમાં 6 ટેસ્ટ મેચમાં 31 વિકેટ લીધી છે. ટંગ 2023 ની એશિઝ સીરિઝમાં ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો, જ્યાં તેને લોર્ડ્સમાં 5 વિકેટ લીધી હતી. ટંગ નીચલા ક્રમના બેટ્સમેનોને આઉટ કરવામાં નિષ્ણાત છે. આ વર્ષે ઓવલ ખાતે રમાયેલી ભારત સામેની ટેસ્ટમાં તેને એક ઓવરમાં નવ બોલ ફેંક્યા, જેમાં 2 વાઈડનો સમાવેશ થાય છે.

કેપ્ટન અને વાઇસ-કેપ્ટને શું કહ્યું?

ઈંગ્લેન્ડના ઉપ-કપ્તાન હેરી બ્રુકે ઓસ્ટ્રેલિયન બોલરોની પ્રશંસા કરી. તેમણે કહ્યું, "તેઓ તેમની લાઇન અને લેન્થમાં અત્યંત કુશળ અને સચોટ છે. તેઓ ભાગ્યે જ ખરાબ બોલ ફેંકે છે. બેટ્સમેનોએ પોતાની તકો જાતે જ બનાવવી પડે છે. અમે દબાણની પરિસ્થિતિઓમાં સારા રહ્યા નથી. હવે અમારે પરિસ્થિતિને વધુ સારી રીતે વાંચવાની અને વધુ જુસ્સો બતાવવાની જરૂર છે." દરમિયાન, ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટીમને વધુ લડાયક ભાવના બતાવવા વિનંતી કરી છે.

ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), વિલ જેક્સ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર અને જોશ ટંગ.

બંને ટીમોની સ્ક્વાડ

ત્રીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમની સ્ક્વાડ: પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, બ્રેન્ડન ડોગેટ, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, માઈકલ નેસર, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, જેક વેધરલ્ડ અને બ્યુ વેબસ્ટર.

ઇંગ્લેન્ડની સ્ક્વાડ: બેન સ્ટોક્સ (કેપ્ટન), હેરી બ્રુક (ઉપ-કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, શોએબ બશીર, જેકબ બેથેલ, બ્રાયડન કાર્સ, જેક ક્રોલી, બેન ડકેટ, મેથ્યુ ફિશર, વિલ જેક્સ, ઓલી પોપ, મેથ્યુ પોટ્સ, જો રૂટ, જેમી સ્મિથ (વિકેટકીપર) અને જોશ ટંગ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now