Home Gujarat Attempt To Digitally Arrest Vadodara Mla

'હું મુંબઈ પોલીસમાંથી બોલું છું' : વડોદરાના MLA ને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ, યોગેશ પટેલે કહ્યું 'તું જે સ્કૂલમાં ભણ્યો, એનો હું પ્રિન્સિપાલ...'

'હું મુંબઈ પોલીસમાંથી બોલું છું'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 29, 2025, 08:15 AM IST

MLA Yogesh Patel : વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપના સિનિયર ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ થયો હોવાની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર જગાવી છે. સાયબર ઠગો ધારાસભ્યને કોલ કરીને કહ્યું કે, 'હું મુંબઈ પોલીસમાંથી બોલું છું' કહી તેમને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યોગેશ પટેલની સમજદારી અને સતર્કતાના કારણે મોટો સાયબર ફ્રોડ થતા અટકી ગયો હતો.

'હું મુંબઈ પોલીસમાંથી બોલું છું'

યોગેશ પટેલે જણાવ્યું મુજબ, ગતરોજ સવારે 11.27 વાગ્યે તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પહેલા તેમનું નામ પુછ્યું અને ત્યારબાદ કહ્યું કે, “હું મુંબઈ પોલીસમાંથી બોલું છું અને તમારી સામે એક નોટિસ આવી છે, જે તમને મોકલવામાં આવી છે.” ખાસ વાત એ હતી કે કોલ કરનાર વ્યક્તિ સંપૂર્ણ રીતે ગુજરાતીમાં વાત કરી રહ્યો હતો. આ બાબતથી જ ધારાસભ્યને શંકા જાગી ગઈ હતી કે કંઈક ગડબડ છે.

'તું જે સ્કૂલમાં ભણ્યો છે, એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું'

શંકા જતા યોગેશ પટેલે તરત જ સામે સવાલ કર્યો અને કહ્યું કે, 'તું જે સ્કૂલમાં ભણ્યો છે, એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું' આ વાત સાંભળતાં જ સામેથી કોઈ જવાબ આપ્યા વગર ફોન કાપી નાખવામાં આવ્યો હતો. આ ઘટનાથી સ્પષ્ટ થઈ ગયું કે ફોન કરનાર કોઈ પોલીસ અધિકારી નહીં પરંતુ સાયબર ઠગ હતો, જે ડિજિટલ એરેસ્ટના નામે ફ્રોડ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ બનાવ બાદ યોગેશ પટેલે તરત જ વડોદરા શહેરના પોલીસ કમિશનરને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. પોલીસ કમિશનરે આ મામલો સાયબર સેલના ACPને સોંપ્યો હતો. ધારાસભ્યને જે નંબર પરથી ફોન આવ્યો હતો તેની તમામ વિગતો સાયબર સેલને આપવામાં આવી છે જેથી વધુ તપાસ થઈ શકે. યોગેશ પટેલે વધુમાં જણાવ્યું કે, કોલ વખતે તેમના મોબાઇલની સ્ક્રીન પર મુંબઈ પોલીસનો લોગો દેખાતો હતો, પરંતુ જ્યારે ગુગલ પર તપાસ કરવામાં આવી ત્યારે આ લોગો ખોટો હોવાનું સામે આવ્યું હતું.

યોગેશ પટેલે સીમકાર્ડ અંગે ચિંતા વ્યક્ત કરી

આ ગંભીર મામલે યોગેશ પટેલે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ ચર્ચા કરી હતી. તેમણે ખાસ કરીને વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં રોડ પર લારીઓમાં ખુલ્લેઆમ વેચાતા સીમકાર્ડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું છે કે આવા સીમકાર્ડનો દુરુપયોગ સાયબર ગુનાઓ માટે થઈ રહ્યો છે. તેમણે માંગ કરી કે, સીમકાર્ડનું વેચાણ માત્ર કંપનીના અધિકૃત (ઓથોરાઈઝ) ડેપો પરથી જ થવું જોઈએ અને જેમ બેંક એકાઉન્ટ ખોલાવવા માટે કડક નિયમો હોય છે તેમ સીમકાર્ડ લેવા માટે પણ કડક નિયમો લાગુ કરવામાં આવવા જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now