Home Gujarat Attempt To Delete Names Of More Than 500 Voters In Chandroda Village Of Becharaji

બેચરાજીના ચંદ્રોડા ગામમાં 500થી વધુ મતદારોના નામ કમીનો પ્રયાસ : ગ્રામલોકોને 'SIRનો દુખાવો'! કર્યા ગંભીર આક્ષેપ, રજૂઆતમાં ઠાલવી વ્યથા

બેચરાજીના ચંદ્રોડા ગામમાં 500થી વધુ મતદારોના નામ કમીનો પ્રયાસ
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 11:36 AM IST

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ચંદ્રોડા ગામમાં ચાલી રહેલો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાલમાં શંકાના ઘેરામાં આવી ગયો છે. ગામના સરપંચ તેમજ સ્થાનિક લઘુમતી સમાજના લોકોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે વર્ષોથી ગામમાં રહેતા અને જીવંત એવા 500થી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ મામલાને લઈ ચંદ્રોડા ગામમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.

ચંદ્રોડા ગામના સરપંચ અને ગ્રામજનોનો આક્ષેપ

ગામના સરપંચ પ્રહલાદભાઈ પરમાર અને અન્ય સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ ચંદ્રોડા ગામના કુલ 561 જેટલા મતદારો સામે અચાનક વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી છે. આશ્ચર્યજનક વાત એ છે કે જેમના નામ સામે વાંધા ઉઠાવવામાં આવ્યા છે, તે તમામ મતદારો જીવંત છે અને વર્ષોથી ગામમાં જ સ્થાયી રીતે વસવાટ કરી રહ્યા છે. ગામના અગ્રણી નાગોરી મનુભાઈ અને હમીરભાઈએ જણાવ્યું હતું કે, તેઓ લઘુમતી સમાજમાંથી આવે છે અને તેમના બાપ-દાદાઓના સમયથી ચંદ્રોડા ગામમાં ખેતી કરીને જીવન નિર્વાહ કરે છે. તેમ છતાં, આજુબાજુના ગામના કેટલાક લોકો દ્વારા તેઓ ગામ છોડીને ગયા હોવાનું અથવા મૃત્યુ પામ્યા હોવાનું ખોટું દર્શાવી વાંધા અરજીઓ કરવામાં આવી છે. ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે લઘુમતી સમાજના મતદારોના મતો ઘટાડવા માટે જાણબૂઝીને રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું છે.

જીવંત હોવાનો તેમજ ગામમાં જ રહેતા હોવાના પુરાવા રજૂ કર્યા

આ સમગ્ર મુદ્દે ગ્રામજનોએ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) અને મામલતદાર સમક્ષ રૂબરૂ રજૂઆત કરી છે. તેમણે પોતે જીવંત હોવાનો તેમજ ગામમાં જ રહેતા હોવાના પુરાવા રજૂ કર્યા છે. ગ્રામજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે પૂરતી તપાસ અને ખરાઈ કર્યા વગર કોઈ પણ મતદારનું નામ મતદાર યાદીમાંથી કમી ન કરવામાં આવે અને ખોટી તથા ભ્રામક વાંધા અરજીઓ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હાલ આ સમગ્ર મામલે તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહ્યું છે, પરંતુ ચંદ્રોડા ગામમાં મતદાર યાદીને લઈને ઊભો થયેલો વિવાદ હવે તાલુકા સાથે સાથે જિલ્લા સ્તરે પણ ચર્ચાનો વિષય બની ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now