ATM Cash Crunch: ATMમાંથી રોકડા (કેશ) ઉપાડવાનું પસંદ કરતા ગ્રાહકોને આ સમાચાર આંચકો આપી શકે છે, કારણ કે આગામી સમયમાં દેશની ATM સેવાઓ ખોરવાઈ શકે છે. એટલે કે, ATMમાંથી જોઈએ તેટલી કેશ નહીં મળે! જાણો કેમ ઊભી થઈ આ સમસ્યા?
રોકડ સંકટનો સામનો કરી રહ્યા છે ATM
બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલમાં થયેલા ખુલાસા મુજબ, દેશના ATM રોકડ સંકટનો સામનો કરી રહ્યા છે. ATM ઓપરેટર્સની સંસ્થા CATMiના રિપોર્ટ અનુસાર, માર્ચ અને એપ્રિલ મહિનામાં બેંકો અને કરન્સી ચેસ્ટમાંથી ATMમાં નાખવા માટે પૂરતી કેશ મળી શકી નથી. દેશભરના ATMમાં કેશની અછતની સમસ્યા અંગે ATM ઓપરેટર્સની સંસ્થા CATMiએ ઈન્ડિયન બેંક એસોસિએશન (IBA)ને જાણ કરી છે.
ટ્રાન્ઝેક્શન ચાર્જ વધતાં ATM ટ્રાન્ઝેક્શન ઘટ્યા
જ્યારથી બેંકોએ ફ્રી લિમિટ પૂરી થયા પછી ગ્રાહકો માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારીને 23 રૂપિયા કર્યો છે, ત્યારથી લોકો ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. આના કારણે ATM ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં પણ અંદાજે 10.40% નો ઘટાડો નોંધાયો છે. આ સંકટને ટાળવા અને ATM સેવાઓને સંપૂર્ણપણે બંધ થતી અટકાવવા માટે, CATMiએ બેંકો અને ભારતીય રિઝર્વ બેંક (RBI)ના કરન્સી મેનેજમેન્ટ વિભાગને આ બાબતમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને કેશ ફ્લો (રોકડ પ્રવાહ) વધારવા વિનંતી કરી છે.
CATMiએ શું માહિતી આપી?
એવું કહેવામાં આવી રહ્યું છે કે કેશની અછતને કારણે દેશના ઘણા રાજ્યોમાં ATM સેવાઓ પર અસર પડી શકે છે. CATMiએ આ અંગે IBA (ઈન્ડિયન બેંક્સ એસોસિએશન)ને પત્ર લખીને જણાવ્યું છે કે ઘણા રાજ્યોમાં ATMમાં ફરીથી કેશ ભરવા માટે પૂરતી રોકડ નથી મળી રહી. આની અસર ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોના લોકો પર પડી શકે છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો કેશ ટ્રાન્ઝેક્શન પર નિર્ભર છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ને પણ આ અંગે માહિતગાર કરવામાં આવી છે.
માર્ચ-એપ્રિલમાં રોકડની અછત જોવા મળી
આ વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં દેશભરના ATMsમાં કેશની તંગી જોવા મળી હતી. કદાચ આ જ કારણ હશે કે ATM ટ્રાન્ઝેક્શનમાં પણ ઘટાડો થયો છે. માર્ચમાં ATM માટે 94,000 કરોડની કેશની જરૂર હતી, પરંતુ મળી માત્ર 61,000 કરોડ એટલે કે 64%. આવી જ રીતે એપ્રિલમાં પણ જરૂરિયાત મુજબ માત્ર 54,000 કરોડ રૂપિયા જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે દેશભરના ATM કેશની અછતનો સામનો કરી રહ્યા છે.
આ પરિસ્થિતિનું કારણ શું છે?
ATM ઓપરેટરોનું કહેવું છે કે વર્તમાન ઇન્ટરચેન્જ ફી તેમનો ખર્ચ પૂરો કરવા માટે પૂરતી નથી. ઇન્ટરચેન્જ ફી એ રકમ છે જે એક બેંક બીજી બેંકના ATMનો ઉપયોગ કરવા બદલ ચૂકવે છે. હાલમાં આ ફી 19 રૂપિયા છે. ATMમાં કેશ લોડ કરવાનો ખર્ચ વધ્યો છે, ઈંધણના ભાવ વધી રહ્યા છે, ગાર્ડ્સના પગારમાં વધારો કરવામાં આવ્યો છે અને કેશ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ સતત વધી રહ્યો છે. આવા સંજોગોમાં ATM ચલાવવું વધુ મોંઘું બન્યું છે.
જાન્યુઆરીથી માર્ચ સુધી ભારતની GDPએ ભરી હરણફાળ : 7.8% વૃદ્ધિ સાથે નોંધાવી મજબૂત ગતિ





