ભારતમાં હોળી અને ઈદ નિમિત્તે હવાઈ મુસાફરી થોડી સસ્તી થઈ શકે છે. સરકારી ઓઇલ કંપનીઓએ એરલાઇન્સને રાહત આપતા જેટ ઇંધણના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. એર ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં પ્રતિ કિલોલીટર 222 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એટીએફના ભાવમાં ઘટાડા પછી ડોમેસ્ટિક હવાઈ મુસાફરી સસ્તી થવાની સંભાવના છે.
રાજ્ય સંચાલિત તેલ કંપનીઓએ ઉડ્ડયન ટર્બાઇન ઇંધણના ભાવોની સમીક્ષા કરતી વખતે એટીએફના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. 1 માર્ચ, 2025થી, સ્થાનિક એરલાઇન્સ માટે હવાઈ ઇંધણના ભાવમાં આશરે 1.50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્લીમાં એટીએફની કિંમત 222 રૂપિયા પ્રતિ કિલોલીટર ઘટાડીને 95311.72 રૂપિયા પ્રતિ કિલોલીટર કરવામાં આવી છે, જ્યારે ગત મહિને 95533.72 રૂપિયા પ્રતિ કિલોલીટર હતી. કોલકાતામાં ડોમેસ્ટિક એરલાઈન્સે પોતાની ફ્લાઈટમાં એટીએફ ભરવા માટે પ્રતિ કિલોલીટર 97588 રૂપિયા ચૂકવવા પડશે. મુંબઈમાં એટીએફની નવી કિંમત 85,318.90 રૂપિયાથી ઘટીને 89070 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ચેન્નાઈમાં તેની નવી કિંમત 98,567.90 રૂપિયા છે.
ઉડ્ડયન ઇંધણના ભાવમાં ઘટાડાની અસર તાત્કાલિક જોવા મળશે. જ્યારે તમે હવાઈ ટિકિટ બુક કરો છો ત્યારે સ્થાનિક એરલાઇન્સ તમને ફ્યુઅલ સરચાર્જ વસૂલ કરે છે. એટીએફના ભાવમાં ઘટાડો થયા પછી ઇંધણ સરચાર્જ ઘટાડી શકાય છે. એરલાઇનના કુલ સંચાલન ખર્ચમાં એટીએફનો હિસ્સો લગભગ 40 ટકા છે અને તેના ઘટાડા અથવા વધારાથી એરલાઇનના ખર્ચને પણ અસર થાય છે.
એક તરફ સસ્તા ઉડ્ડયન ઇંધણને કારણે હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે, તો બીજી તરફ દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ટેકઓફ અને લેન્ડિંગ આગામી દિવસોમાં મોંઘુ થઈ શકે છે. જીએમઆર ગ્રૂપની આગેવાની હેઠળની દિલ્લી એરપોર્ટ ઓપરેટર ડાયલએ ઇકોનોમી અને બિઝનેસ ક્લાસના મુસાફરો માટે અને વ્યસ્ત અને બિન-વ્યસ્ત કલાકો માટે અલગ વપરાશકર્તા ફી વસૂલવાનો પ્રસ્તાવ મૂક્યો છે.





