Home Gujarat Astronomer Divya Darshan Purohits Shocking Prediction

કઈ તારીખથી ઉનાળાની શરૂઆત થશે? પૂર લાવનારા વરસાદના સંકેત! : ખગોળશાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિતની ચોંકવનારી આગાહી

કઈ તારીખથી ઉનાળાની શરૂઆત થશે? પૂર લાવનારા વરસાદના સંકેત!
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 06:22 AM IST

ઉત્તર ભારત તરફથી સતત આવતાં ઠંડા પવનોના કારણે સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. વહેલી સવારથી ધુમ્મસ છવાતાં દૃશ્યતા ઘટી રહી છે અને લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આ બદલાતા હવામાન અંગે ખગોળશાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિતે મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે આગામી ઋતુચક્રને લઈને ચિંતાજનક આગાહી કરી છે.

ખગોળશાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિતની આગાહી

ખગોળશાસ્ત્રીના જણાવ્યા મુજબ, હાલ અફઘાનિસ્તાન અને ભૂમધ્ય સાગર તરફથી પવન અને વાદળો આવી રહ્યા છે, જે શિયાળુ પાક માટે ખૂબ જ ઉપયોગી છે. આ પવનોના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, પરંતુ સાથે સાથે ઠંડા પવનોનો ભાર વધતાં વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધી ગયું છે. ધુમ્મસ અને હવામાં રહેલું પ્રદૂષણ ઉપર તરફ ઉડી શકતું નથી અને સપાટી પર જ અટવાઈ રહે છે, જેના કારણે હવા વધુ પ્રદૂષિત બની રહી છે.

'15 ફેબ્રુઆરીથી જ ગરમીનો પ્રભાવ જોવા મળી શકે'

ક્લાઈમેટ ચેન્જ અંગે વાત કરતા દિવ્ય દર્શન પુરોહિતે જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે પ્રકૃતિનું સંતુલન ગંભીર રીતે ખોરવાઈ ગયું છે. ભલે આજે પ્રદૂષણ પર નિયંત્રણ લાવવામાં આવે, તો પણ કુદરતી સંતુલન પાછું મેળવવામાં અંદાજે 100 વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ સ્થિતિ માનવજીવન, ખેતી અને પર્યાવરણ માટે મોટો ખતરો બની શકે છે. આગામી ઉનાળાની આગાહી કરતા તેમણે જણાવ્યું કે, આ વર્ષે ઉનાળો સામાન્ય કરતાં વહેલો શરૂ થવાની શક્યતા છે. 15 ફેબ્રુઆરીથી જ ગરમીનો પ્રભાવ જોવા મળી શકે છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે, આ વર્ષે ઉનાળો અંદાજે 8 થી 9 મહિના સુધી ચાલે તેવી સંભાવના છે, જેમાં અતિશય ગરમી પડી શકે છે. લાંબા સમય સુધી ચાલતી ગરમીના કારણે પાણીની અછત, આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અને ખેતી પર ગંભીર અસર થવાની ભીતિ છે.

ચોમાસા અંગે પણ તેમણે ચેતવણી આપતાં કહ્યું કે, આ વર્ષે વરસાદ પૂર લાવે તેવી સંભાવના છે. ભારે અને અણધાર્યા વરસાદના કારણે પૂર, જમીન ધોવાણ અને નુકસાનની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. બદલાતા હવામાનના આ સંકેતોને ધ્યાનમાં રાખી આગામી સમયમાં લોકોએ કાળઝાળ ગરમી અને ભારે વરસાદ જેવી કુદરતી આફતોનો સામનો કરવા માટે અગાઉથી તૈયારી રાખવી અનિવાર્ય બની ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now