આધાર કાર્ડને લઈને દેશના એક રાજ્યમાંથી મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. આસામની ભાજપ સરકારએ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની આગેવાની હેઠળ રાજ્ય કેબિનેટે આ નિર્ણયને મંજૂરી આપી છે. સરકારના આ પગલાએ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા જગાવી છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ ગેરકાયદેસર રીતે રાજ્યમાં પ્રવેશ કરનારા લોકો પર નિયંત્રણ લાવવાનો છે. સરકારનું માનવું છે કે કેટલાક ગેરકાયદેસર પ્રવાસીઓ રાજ્યમાં આવી આધાર કાર્ડ મેળવી લે છે, જેના કારણે તેમની ઓળખ અને કાનૂની સ્થિતિ નક્કી કરવામાં મુશ્કેલી ઊભી થાય છે.
કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?
આસામ સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગેરકાયદેસર ઘૂસણખોરી લાંબા સમયથી એક ગંભીર મુદ્દો રહ્યો છે. ખાસ કરીને પડોશી દેશોમાંથી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા લોકો આધાર કાર્ડ જેવા ઓળખપત્રો મેળવી લેતા હોવાના આક્ષેપો સમયાંતરે થતા રહ્યા છે.
સરકારનું કહેવું છે કે એકવાર કોઈ વ્યક્તિ આધાર કાર્ડ મેળવી લે પછી તેને ગેરકાયદેસર પ્રવાસી તરીકે ઓળખવું વધુ મુશ્કેલ બની જાય છે. આ કારણસર હવે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આધાર કાર્ડ મેળવવાની પ્રક્રિયાને વધુ કડક બનાવવામાં આવી છે. સરકારના મતે આ નિર્ણય રાજ્યની સુરક્ષા અને વસ્તી સંબંધિત રેકોર્ડની વિશ્વસનીયતા જાળવવા માટે લેવામાં આવ્યો છે.
ખાસ પરિસ્થિતિમાં મળશે મંજૂરી
નવા નિયમ મુજબ 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને આધાર કાર્ડ મેળવવું સંપૂર્ણપણે અશક્ય નથી, પરંતુ તેના માટે ખાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. જો કોઈ વ્યક્તિ વિશેષ પરિસ્થિતિમાં આધાર કાર્ડ માટે અરજી કરવા માંગે તો સંબંધિત જિલ્લા કમિશનરે તેની અરજી રાજ્ય સરકારને મોકલવી પડશે. ત્યારબાદ રાજ્ય સરકાર અરજીની ચકાસણી કરીને નક્કી કરશે કે અરજદાર આધાર કાર્ડ મેળવવા માટે પાત્ર છે કે નહીં.
કેટલાક વર્ગોને આપવામાં આવી છે છૂટ
સરકારે આ નિયમમાં કેટલાક ખાસ સમુદાયો માટે રાહત પણ આપી છે. ચા બાગાન વિસ્તારમાં રહેતા લોકો, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને દિવ્યાંગ વ્યક્તિઓને હાલ માટે આધાર કાર્ડ આપવામાં આવતું રહેશે.
સરકારનું કહેવું છે કે આ વર્ગના લોકોને સરકારી યોજનાઓ, કલ્યાણકારી લાભો અને અન્ય જરૂરી સેવાઓ મેળવવા માટે આધાર કાર્ડની જરૂરિયાત વધુ હોય છે. તેથી તેમને તાત્કાલિક અસરથી પ્રતિબંધના દાયરામાં સામેલ કરવામાં આવ્યા નથી. જોકે આ છૂટ પણ કાયમી નથી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ 1 એપ્રિલ 2027 પછી આ કેટેગરીના લોકોને પણ આધાર કાર્ડ આપવાની પ્રક્રિયા પર નિયંત્રણ મૂકવામાં આવી શકે છે.
આ પણ વાંચો: મોંઘવારીના સમયમાં સુરક્ષિત રોકાણ માટે પોસ્ટ ઓફિસની 5 લોકપ્રિય સ્કીમ : જાણો ક્યાં મળે છે વધુ વ્યાજ
18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર નહીં
આસામ સરકારના નિર્ણયમાં એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા યથાવત રહેશે.અર્થાત્ નવજાત શિશુઓ, બાળકો અને કિશોરો માટે આધાર નોંધણી ચાલુ રહેશે. સરકારનું માનવું છે કે બાળપણથી નોંધણી થવાથી તેમની ઓળખ અને દસ્તાવેજી પ્રક્રિયા વધુ પારદર્શક રહેશે.આ નિર્ણયથી રાજ્યમાં જન્મેલા અને ઉછરેલા બાળકોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વધારાના આધાર કાર્ડની પણ થશે તપાસ
સરકારે વધુ એક મહત્વપૂર્ણ સૂચના આપી છે. કેટલાક જિલ્લાઓમાં આધાર નોંધણીની સંખ્યા સ્થાનિક વસ્તી કરતાં વધુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. અધિકારીઓને હવે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે કે ક્યાંક કોઈ વ્યક્તિએ એકથી વધુ આધાર કાર્ડ તો બનાવ્યા નથી ને? અથવા ગેરરીતિથી આધાર કાર્ડ મેળવવાના કિસ્સા તો નથી ને? સરકારનું કહેવું છે કે કેટલાક વિસ્તારોમાં આધાર નોંધણી 100 ટકા કરતાં વધુ થવાની સ્થિતિ સામે આવી છે, જેના કારણે વિગતવાર ચકાસણી જરૂરી બની છે.
આ પણ વાંચો: E30 પેટ્રોલથી બદલાઈ શકે છે કાર ચલાવવાનો અનુભવ : જાણો તમારી ગાડી પર શું પડશે અસર
રાજકીય અને વહીવટી ચર્ચાનો વિષય
આસામ સરકારનો આ નિર્ણય હવે માત્ર વહીવટી મુદ્દો રહ્યો નથી, પરંતુ રાજકીય ચર્ચાનો વિષય પણ બન્યો છે. સમર્થકો આ પગલાને રાજ્યની સુરક્ષા અને ગેરકાયદેસર ઘૂસણખોરી સામેની કાર્યવાહી તરીકે જોઈ રહ્યા છે, જ્યારે વિપક્ષી પક્ષો અને કેટલાક સામાજિક સંગઠનો તરફથી આ નિર્ણય અંગે પ્રશ્નો ઉઠી શકે છે.
આગામી સમયમાં આ નિર્ણયની અમલવારી કેવી રીતે થાય છે અને તેનો સામાન્ય નાગરિકો પર શું પ્રભાવ પડે છે તેના પર સૌની નજર રહેશે. હાલમાં આસામ સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આધાર કાર્ડ જેવી મહત્વપૂર્ણ ઓળખ પ્રક્રિયામાં હવે વધુ કડક ચકાસણી અને નિયંત્રણ જોવા મળશે.






