Home Sports Asia Cup 2027 Bangladesh Host Dates Venues

એશિયા કપ 2027ને લઈને આવ્યું સૌથી મોટું અપડેટ! : આ વખતે યજમાન દેશ જ નહીં, પણ બદલાઈ રહ્યું છે ટૂર્નામેન્ટનું ફોર્મેટ

Asia Cup 2027
Image Credit: X
Published by: Aryan Shah
Last Updated: Jul 08, 2026, 06:21 AM IST

Asia Cup 2027 : એશિયાની સૌથી પ્રતિષ્ઠિત ક્રિકેટ ટૂર્નામેન્ટ પૈકીની એક એવી એશિયા કપ 2027ને લઈને મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર, ODI એશિયા કપનું આયોજન બાંગ્લાદેશમાં કરવાની તૈયારી ચાલી રહી છે. જોકે, યજમાની અંગે હજુ અંતિમ સત્તાવાર જાહેરાત થઈ નથી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) સમક્ષ સંભવિત તારીખો અને યજમાન શહેરોનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેના પર ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, એશિયા કપ 2027નું આયોજન 18 જૂનથી 4 જુલાઈ, 2027 દરમિયાન થઈ શકે છે. આ ટૂર્નામેન્ટ લગભગ 17 દિવસ ચાલે તેવી સંભાવના છે અને તેમાં એશિયાની ટોપની ક્રિકેટ ટીમો વચ્ચે ODI ફોર્મેટમાં જંગ જોવા મળશે. વરસાદી મોસમની અસર ઓછી રહે તે માટે જૂનના અંતિમ ભાગ અને જુલાઈના પ્રથમ સપ્તાહનો સમય પસંદ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

મીરપુર, ચટ્ટોગ્રામ અને સિલહટને પ્રથમ પ્રાથમિકતા

યજમાની માટે બાંગ્લાદેશે ત્રણ મુખ્ય શહેરોને પ્રાથમિકતા આપી છે. તેમાં ઢાકાનું મીરપુર, ચટ્ટોગ્રામ અને સિલહટનો સમાવેશ થાય છે. BCBની સુરક્ષા સમિતિના અધ્યક્ષ સઈદ ઇબ્રાહિમ અહમદે જણાવ્યું કે ACCએ આ ત્રણેય મેદાનોની સુવિધાઓ, સ્ટેડિયમ ક્ષમતા, સુરક્ષા વ્યવસ્થા અને અન્ય તકનીકી વિગતો અંગે વિગતવાર માહિતી માંગી છે. તેમણે જણાવ્યું કે, બોર્ડ હાલ તમામ જરૂરી દસ્તાવેજો અને માહિતી તૈયાર કરી રહ્યું છે અને આગામી દિવસોમાં આ પ્રક્રિયા પૂર્ણ થવાની આશા છે. અંતિમ નિર્ણય ACCના મૂલ્યાંકન બાદ લેવામાં આવશે.

આ પણ ખાસ વાંચો : મેસીના જાદૂથી બચી અર્જેન્ટિના! : 2 ગોલથી પાછળ હોવા છતાં ઈજિપ્તને 3-2થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી

બોગુરાનું સ્ટેડિયમ પણ વિચારણામાં

મીરપુર, ચટ્ટોગ્રામ અને સિલહટ ઉપરાંત બોગુરાનું શહીદ ચંદુ સ્ટેડિયમ પણ વિચારણા હેઠળ છે. જોકે, અધિકારીઓના જણાવ્યા મુજબ આ મેદાનને ઇન્ટરનેશનલ સ્તરની મોટી ટૂર્નામેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં હજુ થોડો સમય લાગી શકે છે. તેથી હાલ પ્રથમ પ્રાથમિકતા અન્ય ત્રણ ઇન્ટરનેશનલ સ્ટેડિયમને આપવામાં આવી રહી છે. સઈદ ઇબ્રાહિમ અહમદે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો તમામ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થશે તો પ્રસ્તાવિત ત્રણેય શહેરોમાં ઓછામાં ઓછી એક-એક મેચનું આયોજન કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

2016 બાદ ફરી બાંગ્લાદેશને મળી શકે તક

બાંગ્લાદેશે છેલ્લે 2016માં એશિયા કપની સફળ યજમાની કરી હતી. તે વખતે ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાઈ હતી અને ભારતે ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવી ટ્રોફી જીતી હતી. હવે લગભગ એક દાયકાથી વધુ સમય બાદ ફરી એક વખત આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનું આયોજન કરવાની તક બાંગ્લાદેશને મળી શકે છે. જો ACC તરફથી અંતિમ મંજૂરી મળે તો બાંગ્લાદેશ માટે આ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની આયોજકીય ક્ષમતા ફરી સાબિત કરવાની મોટી તક બની શકે છે.

આ વખતે એશિયા કપ ODI ફોર્મેટમાં રમાશે

નોંધનીય છે કે, એશિયા કપ 2027 T20 નહીં પરંતુ ODI ફોર્મેટમાં રમાવાની સંભાવના છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) સામાન્ય રીતે આગામી ICC ટૂર્નામેન્ટને ધ્યાનમાં રાખીને એશિયા કપનો ફોર્મેટ નક્કી કરે છે. વર્ષ 2025માં રમાયેલો એશિયા કપ T20 ફોર્મેટમાં યોજાયો હતો, કારણ કે તેના પછી ICC T20 વર્લ્ડ કપ 2026 યોજાવાનો હતો. જ્યારે હવે 2027માં ICC ક્રિકેટ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને એશિયા કપ 50 ઓવરના ફોર્મેટમાં યોજાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં ભાગ લેનારી તમામ ટીમો માટે આ ટૂર્નામેન્ટ વર્લ્ડ કપની તૈયારીઓ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે, જ્યાં ટીમોને પોતાની બેન્ચ સ્ટ્રેન્થ અજમાવવાની અને શ્રેષ્ઠ કોમ્બિનેશન નક્કી કરવાની તક મળશે.

આ પણ ખાસ વાંચો : ક્રિકેટ જગતમાં શોકની લાગણી : 39મા જન્મદિવસ પહેલા જ વર્લ્ડ કપમાં ઇતિહાસ રચનાર ફાસ્ટ બોલરનું નિધન

ભારતના પ્રવાસ અને સુરક્ષા પર પણ નજર

હાલના સમયમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટ સંબંધોને લઈને વિવિધ ચર્ચાઓ થઈ હતી. આ દરમિયાન BCBએ સ્પષ્ટ કર્યું છે કે જો ભારતનો પ્રસ્તાવિત મર્યાદિત ઓવરોનો પ્રવાસ યોજાશે તો ભારતીય ટીમની સુરક્ષા માટે વિશેષ અને કડક વ્યવસ્થા કરવામાં આવશે. સઈદ ઇબ્રાહિમ અહમદના જણાવ્યા અનુસાર, મોટી ઇન્ટરનેશનલ ટીમોના પ્રવાસ દરમિયાન સુરક્ષા હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા રહે છે અને જરૂર પડશે તો સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવશે.

અંતિમ નિર્ણય હજુ બાકી

મહત્વપૂર્ણ બાબત એ છે કે હાલમાં જાહેર થયેલી તારીખો અને યજમાન શહેરો સત્તાવાર શેડ્યૂલ નથી. ACC તરફથી મંજૂરી અને સત્તાવાર જાહેરાત બાદ જ ટૂર્નામેન્ટનો સંપૂર્ણ કાર્યક્રમ, મેચોની તારીખો અને સ્થળોની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે. તેથી હાલ સામે આવેલી માહિતી પ્રસ્તાવિત આયોજન તરીકે જોવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now