Shapoor Zadran Passed Away: અફઘાનિસ્તાન ક્રિકેટને આંતરરાષ્ટ્રીય મંચ પર નવી ઓળખ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા પૂર્વ ફાસ્ટ બોલર શાપૂર ઝાદરાન હવે આપણી વચ્ચે રહ્યા નથી. લાંબા સમયથી ગંભીર બીમારી સામે સંઘર્ષ કરી રહેલા ઝાદરાને 7 જુલાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર સામે આવતા સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
એક સમય એવો હતો, જ્યારે અફઘાનિસ્તાન ક્રિકેટ વિશ્વ ક્રિકેટના નકશા પર પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે શાપૂર ઝાદરાન જેવા ખેલાડીઓએ પોતાની પ્રતિભા, મહેનત અને સમર્પણથી દેશને નવી ઓળખ અપાવી હતી. 2015ના વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીતમાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)એ સોશિયલ મીડિયા મારફતે તેમના અવસાનની સત્તાવાર પુષ્ટિ કરી હતી. શાપૂર ઝાદરાનના અવસાનથી માત્ર અફઘાનિસ્તાન ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વભરના ક્રિકેટ ચાહકો પણ દુઃખી થયા છે.
આ પણ વાંચો: ક્રિકેટ પ્રેમીઓ માટે મોટા સમાચાર! : ICC કરવા જઈ રહી છે સૌથી મોટો ફેરફાર, બદલાઈ શકે છે આખી રમત
ગંભીર બીમારી સામે લાંબી લડત બાદ થયું અવસાન
શાપૂર ઝાદરાન છેલ્લા ઘણા મહિનાઓથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. જાન્યુઆરી મહિનાથી તેઓ નવી દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમના ભાઈ ઘમાઈ ઝાદરાન તેમજ અફઘાનિસ્તાનના પૂર્વ કેપ્ટન અસગર અફઘાને પણ તેમની સારવાર દરમિયાન ભારતમાં હાજરી આપી હતી. ગયા વર્ષે ઓક્ટોબર મહિનાથી તેમની તબિયત સતત ખરાબ થતી ગઈ હતી. શરૂઆતમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનો અહેવાલ હતો, પરંતુ બાદમાં તેમની તબિયત વધુ ગંભીર બની ગઈ હતી.
શાપૂર ઝાદરાન કઈ બીમારીથી પીડાતા હતા?
શાપૂર ઝાદરાન હિમોફેગોસાયટીક લિમ્ફોહિસ્ટિઓસાયટોસિસ (HLH) નામની અત્યંત દુર્લભ અને જીવલેણ બીમારીથી પીડાતા હતા. આ એક એવી ગંભીર સ્થિતિ છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ અસામાન્ય રીતે સક્રિય બની શરીરના જ અંગોને નુકસાન પહોંચાડવા લાગે છે. પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેમના શરીરમાં ગંભીર ચેપ ફેલાયો હતો, જેમાં ટીબી સહિત અનેક ચેપોનો સમાવેશ થતો હતો. આ ચેપ ધીમે ધીમે તેમના મગજ સુધી પહોંચી ગયો હતો, જેના કારણે તેમની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. શરૂઆતમાં સારવાર બાદ તેમની તબિયતમાં થોડો સુધારો નોંધાયો હતો અને તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી. તેઓ લગભગ ત્રણ અઠવાડિયા સુધી નજીકની હોટલમાં રોકાયા હતા, પરંતુ બાદમાં ચેપ ફરીથી વધતાં તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ICUમાં ચાલી રહી હતી સારવાર
ચેપ ફરીથી ગંભીર બનતા શાપૂર ઝાદરાનની તબિયત ઝડપથી બગડી ગઈ હતી. સ્થિતિ ગંભીર બનતાં તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. સૌથી દુઃખદ બાબત એ છે કે શાપૂર ઝાદરાન પોતાના 39મા જન્મદિવસના માત્ર એક દિવસ પહેલાં જ દુનિયાને અલવિદા કહી ગયા.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે વ્યક્ત કર્યો શોક
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે શાપૂર ઝાદરાનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. ACBએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે શાપૂર ઝાદરાન એવા ખેલાડીઓમાં સામેલ હતા જેમણે અફઘાનિસ્તાન ક્રિકેટનો પાયો મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બોર્ડે જણાવ્યું કે, તેમના સમર્પણ, જુસ્સા અને અવિરત મહેનતે દેશમાં ક્રિકેટના વિકાસને નવી દિશા આપી હતી. તેઓ અફઘાનિસ્તાન ક્રિકેટના એવા પ્રારંભિક હીરો હતા જેમણે ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો: TTEથી 'કેપ્ટન કૂલ' સુધી : MS ધોનીના 45મા જન્મદિવસે જાણો માહીના 7 ચોંકાવનારા રહસ્યો
અફઘાનિસ્તાન ક્રિકેટના શરૂઆતના હીરોમાં હતા શાપૂર
શાપૂર ઝાદરાનની ઓળખ તેમના ઊંચા કદ, ઝડપી બોલિંગ અને આક્રમક રન-અપ માટે કરવામાં આવતી હતી. તેમણે વર્ષ 2009માં અફઘાનિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને ઝડપથી ટીમના મુખ્ય બોલરોમાં સ્થાન બનાવ્યું હતું. તેમણે પોતાના કરિયરમાં કુલ 44 વનડે અને 36 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વનડે ક્રિકેટમાં તેમણે 43 વિકેટ ઝડપી હતી, જ્યારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમના નામે 37 વિકેટ નોંધાઈ હતી. વર્ષ 2020માં તેમણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જ્યારે 2022માં પોતાની અંતિમ સ્પર્ધાત્મક મેચમાં ભાગ લીધો હતો. શાપૂર ઝાદરાને જાન્યુઆરી 2025માં ક્રિકેટમાંથી સત્તાવાર નિવૃત્તિ જાહેર કરી હતી.
યાદોમાં હંમેશા જીવંત રહેશે શાપૂર ઝાદરાન
શાપૂર ઝાદરાન આજે ભલે આ દુનિયામાં નથી, પરંતુ અફઘાનિસ્તાન ક્રિકેટને વિશ્વ ક્રિકેટમાં સ્થાન અપાવવા માટે તેમણે આપેલું યોગદાન ક્યારેય ભૂલાશે નહીં. તેમની મહેનત, સંઘર્ષ અને દેશ માટેનો જુસ્સો આવનારી પેઢીના ક્રિકેટરો માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.





