AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના પરભણીમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ કહ્યું 'પાકિસ્તાન હંમેશા પરમાણુ શક્તિ હોવાની વાત કરે છે. તેઓએ યાદ રાખવું જોઈએ કે જો તેઓ કોઈપણ દેશમાં ઘૂસીને નિર્દોષ લોકોની હત્યા કરશે તો તે દેશ ચૂપ નહીં રહે. કોઈ પણ સરકાર સત્તામાં હોય અમારી ધરતી પર અમારા લોકોને મારીને અને ધર્મના આધારે તેમને નિશાન બનાવીને તમે કયા 'દીન'ની વાત કરો છો? પાકિસ્તાન પર કટાક્ષ કરતા ઓવૈસીએ કહ્યું 'તમે ISIS જેવું વર્તન કર્યું છે. હું વડાપ્રધાનને કહેવા માંગુ છું કે જો કાશ્મીર આપણું અભિન્ન અંગ છે તો કાશ્મીરીઓ પણ આપણાં અભિન્ન અંગ છે. અમે કાશ્મીરીઓ પર શંકા કરી શકીએ નહીં.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના પરભણીમાં વકફ (સુધારા) અધિનિયમ 2025 વિરુદ્ધ આયોજિત વિરોધમાં પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં તેઓએ વકફ એક્ટને ગેરબંધારણીય અને મુસ્લિમ સમુદાયના હિતોની વિરુદ્ધ ગણાવ્યો હતો. ઓવૈસીએ કાયદાની વિરુદ્ધ જાહેર સભાને સંબોધિત કરતી વખતે કેન્દ્ર સરકારને તેને પાછી ખેંચવાની માંગ કરી હતી અને મુસ્લિમ સમુદાયને તેમની મસ્જિદો અને વકફ મિલકતોની સુરક્ષા માટે એક થવા હાકલ કરી હતી.
કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો હતો
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો હતો જેમાં 26 લોકોના મોત થયા હતા. આ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવી રહ્યું છે. પાકિસ્તાનીઓને ભારત છોડવાની સૂચના આપવામાં આવી છે અને સિંધુ જળ સંધિ પણ સ્થગિત કરવામાં આવી છે. આ આતંકવાદી હુમલાની દેશભરમાં નિંદા થઈ રહી છે અને લોકો પાકિસ્તાન સામે ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.






