ગાંધીનગર ખાતે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે આયોજિત બે દિવસીય “પર્યાવરણ કાર્યશિબિર-2026”નું ઉદ્ઘાટન રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણની સુરક્ષા માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની પણ સમાન જવાબદારી છે. પર્યાવરણ સંબંધિત પડકારો વૈશ્વિક સ્તરના હોવા છતાં તેના ઉકેલ માટે સ્થાનિક સ્તરે જનજાગૃતિ અને વ્યક્તિગત જવાબદારી અનિવાર્ય છે.
મંત્રીએ જણાવ્યું કે માત્ર સરકારી નીતિઓ અને આધુનિક ટેક્નોલોજી દ્વારા પર્યાવરણ સંરક્ષણના લક્ષ્યો હાંસલ કરી શકાશે નહીં. જ્યારે સામાન્ય નાગરિક પોતાના જીવનમાં પર્યાવરણમૈત્રી અભિગમ અપનાવશે ત્યારે જ ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થઈ શકશે. તેમણે પર્યાવરણ પ્રત્યે સામૂહિક જવાબદારીની ભાવના વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
રાજ્યમાં પર્યાવરણીય પડકારો અંગે થશે વિસ્તૃત મંથન
બે દિવસીય કાર્યશિબિર દરમિયાન રાજ્યના પર્યાવરણીય પડકારો, નિયમનાત્મક સુધારાઓ, સંસ્થાકીય ક્ષમતાવર્ધન, પ્રદૂષણ નિયંત્રણ અને ભવિષ્યલક્ષી આયોજન જેવા વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા અને વિચાર-મંથન કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લેખિત સંદેશ પાઠવી કાર્યશિબિરને અભિનંદન આપ્યા હતા અને વધતા ઔદ્યોગિક વિકાસ વચ્ચે પર્યાવરણ સંરક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો.
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવું આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. રાજ્યના વિકાસને ગતિ આપવાની સાથે કુદરતી સંસાધનોનું જતન અને પ્રદૂષણ નિયંત્રણ પણ એટલું જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસને મળ્યા નવા સુકાની : જ્ઞાનેન્દ્રસિંહ મલિક બન્યા DGP, કે એલ એન રાવ પાસે હતો ઈન્ચાર્જ DGP તરીકેનો ચાર્જ
વન્યજીવ સંરક્ષણમાં ભારતની સિદ્ધિઓનો ઉલ્લેખ
વન્યજીવ સંરક્ષણ અંગે વાત કરતાં મંત્રીએ જણાવ્યું કે વિશ્વના અનેક દેશોમાં આફ્રિકન સિંહ, વાઘ અને ચિત્તા સહિતની ‘બિગ કેટ’ પ્રજાતિઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, જ્યારે ભારતમાં આ પ્રજાતિઓની વસ્તીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. તેમણે આ સફળતાનું શ્રેય સરકારના પ્રયાસો સાથે ભારતીય સંસ્કૃતિના ‘જીવો અને જીવવા દો’ના મૂલ્યને આપ્યું હતું.
તેમણે જણાવ્યું કે જો આ જ અભિગમ પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે અપનાવવામાં આવે તો આગામી પેઢીઓ માટે વધુ સુરક્ષિત અને સ્વસ્થ પર્યાવરણનું નિર્માણ શક્ય બનશે. પર્યાવરણનું સંતુલન જાળવવા માટે માત્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ નહીં, પરંતુ તમામ સરકારી વિભાગોએ સંકલિત રીતે કાર્ય કરવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું.
વડાપ્રધાનની વૈશ્વિક પહેલોનો કર્યો ઉલ્લેખ
મોઢવાડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે યોગદાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેમના નેતૃત્વમાં ભારતે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ પહેલો કરી છે. વર્ષ 2015માં શરૂ કરાયેલ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ આજે 100થી વધુ દેશોને જોડતું વૈશ્વિક મંચ બની ગયું છે, જેના કારણે સૌર ઊર્જાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે સેવન બિગ કેટ્સના સંરક્ષણ માટે રચાયેલ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનું મુખ્ય મથક પણ ભારતમાં છે અને તેની પ્રથમ બેઠક તાજેતરમાં ગુજરાતના સાસણ ખાતે યોજાઈ હતી, જેની વૈશ્વિક સ્તરે નોંધ લેવામાં આવી હતી.
આ પણ વાંચો: સરકારની સહાય બની સંજીવની : દિવ્યાંગ શિક્ષક દિલીપભાઈના જીવનમાં ઉગ્યો આત્મનિર્ભરતાનો નવો સૂર્યોદય
ઇન્દોર અને કાર પૂલિંગનું ઉદાહરણ
પ્રદૂષણ ઘટાડવા માટે મંત્રીએ વિકસિત દેશોમાં પ્રચલિત કાર પૂલિંગ પદ્ધતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વાહનોની સંખ્યા ઘટાડવાથી ટ્રાફિક તેમજ વાયુ પ્રદૂષણ બંનેમાં ઘટાડો શક્ય બને છે.
તેમણે દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે ત્યાં ઘરોમાંથી જ સૂકો, ભીનો અને અન્ય કચરાનું અલગ-અલગ વર્ગીકરણ કરવામાં આવે છે. આ વ્યવસ્થિત પ્રક્રિયાના કારણે ઇન્દોર સતત સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે. ગુજરાતમાં પણ નાગરિકો અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ સંકલિત પ્રયાસો કરે તો સમાન પરિણામો પ્રાપ્ત થઈ શકે છે.
પર્યાવરણ શિક્ષણ અને વિશેષ ફંડની દરખાસ્ત
ગુજરાતને પર્યાવરણ ક્ષેત્રે મોડેલ રાજ્ય બનાવવા માટે મંત્રીએ વિવિધ સૂચનો પણ રજૂ કર્યા હતા. તેમણે શાળાઓમાં પર્યાવરણ શિક્ષણને વધુ મજબૂત બનાવવાની, પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓને પ્રોત્સાહન આપવાની અને નાગરિકોમાં સતત જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
તેમણે મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયતો અને ઉદ્યોગોના સહયોગથી વિશેષ ‘પર્યાવરણ ફંડ’ની રચના કરવાની પણ દરખાસ્ત મૂકી હતી, જેથી પર્યાવરણ સંરક્ષણ સંબંધિત પ્રોજેક્ટ્સને વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકાય.
આ પણ વાંચો: અમદાવાદમાં આસારામ આશ્રમ નજીક AMCનું ડિમોલિશન : 7 પરિવારો દ્વારા મકાન ખાલી કરાયા, સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી
ટેક્નોલોજી આધારિત પર્યાવરણ શાસન પર ભાર
આ પ્રસંગે GPCBના ચેરમેન આર.બી. બારડે જણાવ્યું હતું કે ગુજરાત દેશના સૌથી અગ્રણી ઔદ્યોગિક રાજ્યોમાંનું એક છે. ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણની જવાબદારી પણ વધે છે. તેમણે જણાવ્યું કે લાંબા ગાળાના ટકાઉ વિકાસ માટે પર્યાવરણનું સંરક્ષણ અનિવાર્ય છે.
તેમણે વધુ સક્ષમ, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત પર્યાવરણ શાસન વ્યવસ્થા વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કાર્યશિબિર દરમિયાન હવા પ્રદૂષણ નિયંત્રણ, જળ પ્રદૂષણ નિયંત્રણ, સર્ક્યુલર ઇકોનોમી, કચરા વ્યવસ્થાપન, સંસ્થાકીય મજબૂતીકરણ અને ઈ-ગવર્નન્સ સહિતના પાંચ મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરીને ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન ‘બેસ્ટ એન્વાયરમેન્ટ પ્રેક્ટિસિસ ફોર એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એન્ડ પોલ્યુશન રિડક્શન’, ‘પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ઇન ગુજરાત’ અને ‘CRZ નોટિફિકેશન-2019’ની ગુજરાતી માર્ગદર્શિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ GPCB દ્વારા ‘પર્યાવરણ સેતુ’ સેન્ટ્રલાઇઝ્ડ ગ્રીવન્સ મેનેજમેન્ટ સિસ્ટમ અને પબ્લિક હિયરિંગ ઓનલાઈન મોડ્યુલનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.






