ગુજરાત પોલીસ અને આંતરિક સુરક્ષા ક્ષેત્રે લાંબા સમયથી મહત્વપૂર્ણ યોગદાન આપનારા વરિષ્ઠ IPS અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક દેશ અને રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં એક અનુભવી અને પરિણામલક્ષી અધિકારી તરીકે ઓળખ ધરાવે છે. ગુજરાત કેડરના 1993 બેચના આ અધિકારીએ પોલીસિંગ, ગુનાખોરી નિયંત્રણ, સરહદી સુરક્ષા, ગુપ્તચર વ્યવસ્થા તેમજ પ્રશાસનિક ક્ષેત્રે વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર કામગીરી કરીને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના વતની જ્ઞાનેન્દ્રસિંહ મલિકે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક. અને ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ઉચ્ચ શિક્ષણ સાથે કાયદા અને પ્રશાસન બંને ક્ષેત્રની સમજ તેમને કારકિર્દીમાં ઉપયોગી સાબિત થઈ છે.ગુજરાતના અનેક જિલ્લાઓ અને રેન્જમાં આપી મહત્વપૂર્ણ સેવા
તાલીમ બાદ તેમની પ્રથમ નિમણૂક ભુજ ખાતે ASP તરીકે થઈ હતી. ત્યારબાદ તેમણે ડાંગ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ રૂરલ, ભરૂચ અને કચ્છ જેવા જિલ્લાઓમાં જિલ્લા પોલીસ વડા તરીકે સેવા આપી હતી. ઉપરાંત બોર્ડર રેન્જ, અમદાવાદ રેન્જ, વડોદરા રેન્જ અને સુરત રેન્જના વડા તરીકે પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના DCP, ગુજરાતના રાજ્યપાલના ADC તેમજ અમદાવાદ અને વડોદરા શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર તરીકે પણ તેમણે કામગીરી કરી હતી. CID ક્રાઇમ, CID ઇન્ટેલિજન્સ, એન્ટી કરપ્શન બ્યુરો, નશાબંધી અને આબકારી વિભાગ તેમજ ગૃહ વિભાગમાં પણ તેમણે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી.
આ પણ વાંચો: અમદાવાદના મોટેરામાં બુલડોઝર એક્શન! : 37 મકાનો તોડી પડાયા, વિરોધની આશંકા વચ્ચે 125થી વધુ પોલીસકર્મીઓ તૈનાત
24 હજાર પોલીસ કર્મચારીઓની પારદર્શક ભરતી
જ્ઞાનેન્દ્રસિંહ મલિકને ત્રણ વખત પોલીસ કોન્સ્ટેબલ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન અંદાજે 24,000 પોલીસ કોન્સ્ટેબલોની ભરતી પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયાના પરિણામો પણ દસ મહિનાથી ઓછા સમયમાં જાહેર કરવામાં આવ્યા હતા, જે રાજ્યની સૌથી ઝડપી અને પારદર્શક ભરતી પ્રક્રિયાઓમાંની એક માનવામાં આવે છે.આજે ગુજરાત પોલીસમાં કાર્યરત લગભગ 20 ટકા પોલીસ કર્મચારીઓની ભરતી તેમના અધ્યક્ષપદ દરમિયાન કરવામાં આવી હોવાનું પણ નોંધપાત્ર માનવામાં આવે છે.
BSF અને CISF માં નિભાવેલી અગત્યની ભૂમિકા
કેન્દ્રીય પ્રતિનિયુક્તિ દરમિયાન તેમણે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં ગુજરાત ફ્રન્ટિયર ખાતે ઇન્સ્પેક્ટર જનરલ તરીકે સેવા આપી હતી. તેમના માર્ગદર્શન હેઠળ કચ્છના હરામી નાળામાં ભારતીય સેના અને વાયુસેનાના સહયોગથી પ્રથમ વખત હેલિબોર્ન ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન 11 પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી હતી અને છ ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી હતી.
BSF બાદ તેમણે CISFમાં પણ સેવા આપી હતી, જ્યાં તેઓ દિલ્હી ખાતે ADG (North) અને ADG (Airport Sector) જેવા મહત્વપૂર્ણ હોદ્દાઓ પર રહ્યા હતા.
યુએન પીસકીપિંગ મિશનમાં પણ આપી સેવા
વર્ષ 2002 દરમિયાન તેમણે યુનાઇટેડ નેશન્સના કોસોવો સ્થિત પીસકીપિંગ મિશનમાં એક વર્ષ સુધી સેવા આપી હતી. આ દરમિયાન તેઓ યુદ્ધ અપરાધોની તપાસ સાથે સંકળાયેલા હતા, જે તેમની આંતરરાષ્ટ્રીય સ્તરની કામગીરીનો મહત્વપૂર્ણ ભાગ ગણાય છે.
આ પણ વાંચો: દારૂબંધી પર મહેસાણા LCBનો મોટો પ્રહાર : ઊંઝા પાસે ટ્રકમાંથી રૂ. 10000000 થી વધુનો વિદેશી દારૂ જપ્ત
અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નોંધપાત્ર કામગીરી
કેન્દ્રીય પ્રતિનિયુક્તિ બાદ તેઓ 31 જુલાઈ 2023ના રોજ ગુજરાત પરત ફર્યા અને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે જોડાયા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ચંડોળા તળાવ વિસ્તારમાં રાજ્યની સૌથી મોટી અતિક્રમણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનમાં આશરે ચાર લાખ ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરાવવામાં આવી હતી અને 10 હજારથી વધુ ગેરકાયદે મકાનો દૂર કરવામાં આવ્યા હતા.તેમની પહેલ અને જનભાગીદારીના સહયોગથી અમદાવાદ શહેરમાં 24 હજારથી વધુ CCTV કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા હતા, જેમાંથી 3 હજારથી વધુ મહત્વપૂર્ણ કેમેરાના લાઇવ ફીડ સીધા પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસને મળ્યા નવા સુકાની : જ્ઞાનેન્દ્રસિંહ મલિક બન્યા DGP, કે એલ એન રાવ પાસે હતો ઈન્ચાર્જ DGP તરીકેનો ચાર્જ
રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત
જ્ઞાનેન્દ્રસિંહ મલિકને વિશિષ્ટ અને મેરિટોરિયસ સેવાઓ બદલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. રમતગમત પ્રત્યે પણ તેમનો વિશેષ રસ રહ્યો છે અને ઘોડેસવારી, પિસ્ટલ શૂટિંગ, ટેનિસ, ટેબલ ટેનિસ અને ગોલ્ફ જેવી વિવિધ સ્પર્ધાઓમાં તેમણે મેડલ પ્રાપ્ત કર્યા છે.





