Anti-Puncture Liquid : રસ્તા પર મુસાફરી દરમિયાન અચાનક ટાયર પંચર થઈ જવું કોઈપણ વાહનચાલક માટે મુશ્કેલીભર્યું બની શકે છે. ખાસ કરીને જ્યારે તમે હાઈવે પર હોવ અથવા આસપાસ કોઈ પંચરની દુકાન કે મિકેનિક ઉપલબ્ધ ન હોય ત્યારે આ સ્થિતિ વધુ કઠિન બની જાય છે. આવી સમસ્યાઓથી બચવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં એન્ટી-પંકચર લિક્વિડ અથવા ટાયર સીલંટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. બજારમાં મળતા આ લિક્વિડ વિશે એવો દાવો કરવામાં આવે છે કે ટાયરમાં ખીલી અથવા અન્ય નાની તીક્ષ્ણ વસ્તુ ઘૂસીને બહાર નીકળે ત્યારે તે આપમેળે છિદ્રને સીલ કરી દે છે અને વાહન રોકવાની પણ જરૂર પડતી નથી. જોકે, શું આ દાવો સંપૂર્ણપણે સાચો છે? હકીકતમાં આ લિક્વિડ કેવી રીતે કામ કરે છે અને ક્યાં સુધી અસરકારક રહે છે, તે સમજવું જરૂરી છે.
એન્ટી-પંકચર લિક્વિડ કેવી રીતે કામ કરે છે?
એન્ટી-પંકચર લિક્વિડ એક ખાસ પ્રકારનું ઘટ્ટ અને ચીકણું સીલંટ હોય છે, જેને ટાયરના એર વાલ્વ દ્વારા અંદર ભરવામાં આવે છે. જ્યારે વાહન ચાલે છે ત્યારે ટાયર ફરવાના કારણે આ લિક્વિડ ટાયરની અંદરની સપાટી પર સમાન રીતે ફેલાઈ જાય છે. જો મુસાફરી દરમિયાન ટાયરમાં ખીલી અથવા અન્ય કોઈ નાની તીક્ષ્ણ વસ્તુ ઘૂસે અને પછી બહાર નીકળે, તો ટાયરની અંદર રહેલા હવાના દબાણના કારણે આ સીલંટ તરત જ તે છિદ્ર સુધી પહોંચી જાય છે. બહારની હવાના સંપર્કમાં આવતા જ સીલંટ ઝડપથી ગાઢ બની છિદ્રને બંધ કરી દે છે, જેના કારણે હવા બહાર નીકળવાનું અટકી જાય છે અને વાહન આગળ ચલાવી શકાય છે.
આ પણ ખાસ વાંચો : 500 કિમીથી વધુ રેન્જ કે પ્રીમિયમ ફીચર્સ? : નવી EV ખરીદતા પહેલા જાણી લો તમારા માટે કઈ ઇલેક્ટ્રિક SUV છે બેસ્ટ
ક્યાં પરિસ્થિતિમાં સૌથી વધુ ઉપયોગી?
એન્ટી-પંકચર લિક્વિડ ખાસ કરીને લાંબા પ્રવાસ, હાઈવે અથવા એવા વિસ્તારોમાં ઉપયોગી સાબિત થઈ શકે છે જ્યાં નજીકમાં પંચરની સુવિધા ઉપલબ્ધ ન હોય. નાનું પંચર થતાં જ ટાયર તાત્કાલિક સીલ થઈ જવાથી વાહનચાલકને રસ્તામાં ટાયર બદલવાની જરૂરિયાત ઘણીવાર પડતી નથી. આ ઉપરાંત, સમયની બચત થાય છે અને જોખમી સ્થળે વાહન ઊભું રાખવાની ફરજ પણ ટળી શકે છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે સીલંટ કાયમી સમારકામનો વિકલ્પ નથી. તક મળે ત્યારે ટાયરની યોગ્ય તપાસ અને જરૂરી રિપેર કરાવવો જોઈએ.
શું દરેક પંચરમાં કામ કરે છે?
આ સૌથી મહત્વનો પ્રશ્ન છે. હકીકતમાં એન્ટી-પંકચર લિક્વિડ દરેક પ્રકારના પંચરને ઠીક કરી શકતું નથી. આ સીલંટ સામાન્ય રીતે માત્ર ટ્યુબલેસ ટાયર્સ માટે બનાવવામાં આવે છે અને અંદાજે 3 થી 5 મિમી સુધીના નાના છિદ્રોને જ અસરકારક રીતે સીલ કરી શકે છે. જો ટાયરમાં મોટો કટ પડી ગયો હોય, સાઇડવોલને નુકસાન થયું હોય અથવા ટાયર ફાટી ગયો હોય, તો આ લિક્વિડ કોઈ ખાસ મદદરૂપ બનતું નથી. તેથી ગંભીર નુકસાનની સ્થિતિમાં ટાયર બદલવો અથવા વ્યાવસાયિક રીતે રિપેર કરાવવો જ એકમાત્ર યોગ્ય વિકલ્પ રહે છે.
આ પણ ખાસ વાંચો : Maruti Suzuki લાવી શકે છે નવી ઇલેક્ટ્રિક MPV : આધુનિક ડિઝાઇન સાથે મળી શકે છે લગભગ 470 કિમીની રેન્જ
સસ્તા સીલંટથી થઈ શકે છે નુકસાન
બજારમાં અનેક પ્રકારના સસ્તા અને સ્થાનિક બ્રાન્ડના એન્ટી-પંકચર લિક્વિડ ઉપલબ્ધ છે. પરંતુ નીચી ગુણવત્તાવાળા સીલંટનો ઉપયોગ કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે. જો સીલંટ યોગ્ય ગુણવત્તાનું ન હોય તો તે ટાયરની અંદર એક જ જગ્યાએ જામી શકે છે, જેના કારણે વ્હીલનું બેલેન્સિંગ બગડી જાય છે. પરિણામે વધુ ઝડપે વાહન ચલાવતા સમયે સ્ટીયરિંગમાં કંપન અનુભવાઈ શકે છે. કેટલાક હલકી ગુણવત્તાવાળા રસાયણો લાંબા ગાળે વ્હીલ રિમમાં કાટ લાગવાનું કારણ પણ બની શકે છે. તેથી વિશ્વસનીય અને જાણીતી બ્રાન્ડનું જ સીલંટ પસંદ કરવું વધુ સલામત માનવામાં આવે છે.
ઉપયોગ કરતાં પહેલાં આ બાબતો ધ્યાનમાં રાખો
એન્ટી-પંકચર લિક્વિડને કાયમી ઉકેલ નહીં પરંતુ ઇમરજન્સી સહાયક તરીકે જોવું જોઈએ. ટાયર ઉત્પાદકની ભલામણ મુજબ જ તેનો ઉપયોગ કરવો જોઈએ અને વાહનમાં ટાયર પ્રેશરની નિયમિત તપાસ પણ કરવી જરૂરી છે. જો ટાયર વારંવાર હવા ગુમાવતો હોય અથવા મોટું નુકસાન દેખાતું હોય, તો માત્ર સીલંટ પર આધાર રાખવાને બદલે નિષ્ણાત દ્વારા ટાયરની તપાસ કરાવવી વધુ સુરક્ષિત રહેશે. એકંદરે જોઈએ તો, એન્ટી-પંકચર લિક્વિડ નાના પંચરની સ્થિતિમાં ચોક્કસ ઉપયોગી સાબિત થઈ શકે છે અને મુશ્કેલ પરિસ્થિતિમાં રાહત આપી શકે છે. પરંતુ તે દરેક પ્રકારના નુકસાન માટે અસરકારક નથી. યોગ્ય ગુણવત્તાવાળું સીલંટ પસંદ કરવું, તેની મર્યાદાઓ સમજવી અને જરૂરી સમયે ટાયરનું વ્યાવસાયિક રિપેર કરાવવું જ સલામત અને સમજદારીભર્યો નિર્ણય ગણાય.





