અમેરિકાના કડક આદેશ બાદ Anthropic એ પોતાના સૌથી એડવાન્સ AI મોડલ્સ બંધ કર્યા
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રની અગ્રણી કંપની એન્થ્રોપિક (Anthropic) એ શુક્રવારે જાહેરાત કરી છે કે તે તેના સૌથી એડવાન્સ AI મોડલ્સને તમામ યુઝર્સ માટે તાત્કાલિક અસરથી બંધ (Disable) કરી રહી છે. અમેરિકી સરકારે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓનો અવાજ ઉઠાવીને વિદેશી નાગરિકો માટે આ મોડલ્સના એક્સેસ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો, જેના પગલે કંપનીએ આ આકરો નિર્ણય લેવો પડ્યો છે.
કયા મોડલ્સ બંધ કરવામાં આવ્યા અને કેમ?
એન્થ્રોપિક કંપનીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે તેમને અમેરિકી સરકાર તરફથી એક્સપોર્ટ કંટ્રોલ ડાયરેક્ટિવ (નિકાસ નિયંત્રણ આદેશ) મળ્યો છે. આ આદેશ હેઠળ Fable 5 અને Mythos 5 નામના કંપનીના સૌથી ટોપ-ટિયર AI મોડલ્સનો ઉપયોગ વિદેશી નાગરિકો ન કરી શકે તેવું જણાવાયું હતું.
સરકારને એવી આશંકા છે કે આ મોડલ્સના સેફગાર્ડ (સુરક્ષા કવચ) ને 'જેલબ્રેક' (Jailbreak - સુરક્ષા નિયમોને બાયપાસ કરવા) કરીને તેનો ઉપયોગ સોફ્ટવેરની ખામીઓ (Vulnerabilities) શોધવા માટે થઈ શકે છે, જે સાયબર સુરક્ષા માટે ખતરો બની શકે છે. આ આદેશનું પાલન કરવા માટે એન્થ્રોપિકે તેના પાર્ટનર એમેઝોન (Amazon AWS) ને પણ તમામ રીજનમાં આ મોડલ્સનું એક્સેસ રોકી દેવા વિનંતી કરી છે.
આ પણ વાંચો: મેક્સિકો સરકાર પર મોટો સાયબર હુમલો | AI ટૂલને હથિયાર બનાવી 150GB સંવેદનશીલ ડેટાની ચોરી | Offbeat Stories
કંપની અને સરકાર વચ્ચે વધતો વિવાદ
એન્થ્રોપિક અને યુએસ સરકાર વચ્ચેનો વિવાદ આ વર્ષની શરૂઆતમાં ત્યારે વકર્યો હતો જ્યારે કંપનીએ અમેરિકી સૈન્યને સ્થાનિક સર્વેલન્સ (જાસૂસી) અને સંપૂર્ણ સ્વાયત્ત હથિયાર પ્રણાલી (Autonomous Weapons) માટે પોતાના AI મોડલ્સ આપવાનો ઇનકાર કર્યો હતો. જેના જવાબમાં સરકારે એન્થ્રોપિકને સપ્લાય ચેઈન બ્લેકલિસ્ટમાં મૂકી દીધી છે.
કંપનીએ સરકારના આ નવા નિર્ણય સામે અસંમતિ દર્શાવતા કહ્યું છે કે સરકાર પાસે સુરક્ષા ખામીના માત્ર મૌખિક પુરાવા છે. કરોડો લોકો જે કોમર્શિયલ મોડલનો ઉપયોગ કરી રહ્યા છે તેને આ રીતે અચાનક બંધ કરવો યોગ્ય નથી. કંપનીના મતે, જો આ જ નિયમ આખી ઇન્ડસ્ટ્રી પર લાગુ કરવામાં આવે, તો તમામ એડવાન્સ AI મોડલ્સનું ડેવલપમેન્ટ અટકી જશે.
યુઝર્સે હવે સિટિઝનશિપ સાબિત કરવી પડશે?
પૂર્વ વ્હાઇટ હાઉસ અધિકારી ડીન બોલ (Dean Ball) ના જણાવ્યા અનુસાર, આ આદેશનો અર્થ એ છે કે અમેરિકાની બહાર રહેતા અથવા અમેરિકામાં રહેતા બિન-અમેરિકન નાગરિકો પણ આ એડવાન્સ AI ટૂલ્સનો ઉપયોગ નહીં કરી શકે. ભવિષ્યમાં આ મોડલ્સ વાપરવા માટે યુઝર્સે પોતાની સિટિઝનશિપ (નાગરિકતા) સાબિત કરવી પડી શકે છે.
બીજી એક મોટી મૂંઝવણ એ છે કે એન્થ્રોપિકના સહ-સ્થાપક ક્રિસ ઓલાહ (Chris Olah) અને જાણીતા AI રિસર્ચર આન્દ્રે કાર્પથી (Andrej Karpathy) સહિતના ઘણા ટોચના કર્મચારીઓનો જન્મ અમેરિકાની બહાર થયો છે. હવે આ પ્રતિબંધના કારણે કંપનીના પોતાના જ મુખ્ય કર્મચારીઓ આ એડવાન્સ AI મોડલ્સ પર કામ કરી શકશે કે નહીં, તે અંગે કંપનીએ હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી.






