Home International Another Plane Crash Leaves 15 People Including Colombian Mp In State Of Shock Country Is In Mourning Maharastra Ajit Pawar

વધુ એક Plane Crash : વિમાન દુર્ઘટનામાં સાંસદ સહિત 15 લોકોના કમકમાટીભર્યા મોત, શોકમગ્ન થયો દેશ

વધુ એક Plane Crash
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2026, 09:32 AM IST

દુનિયાભરમાંથી છેલ્લા કેટલાક દિવસોથી વિમાન દુર્ઘટનાઓના હૃદયદ્રાવક સમાચારો સામે આવી રહ્યા છે. હજુ તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધનના આઘાતજનક સમાચારની સ્યાહી સુકાઈ નથી, ત્યાં વધુ એક વિમાન દુર્ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. કોલંબિયાના આકાશમાં સર્જાયેલી આ ભયાનક દુર્ઘટનામાં એક ચાલુ સાંસદ અને આગામી ચૂંટણીના ઉમેદવાર સહિત કુલ 15 કિંમતી જીવ હોમાઈ ગયા છે. આ ઘટના પર્વતીય વિસ્તારમાં બની હોવાથી બચાવ કામગીરીમાં પણ અનેક અવરોધો આવ્યા હતા. એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટ્યાની ગણતરીની મિનિટોમાં જ આખું પ્લેન કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. આ અકસ્માત પાછળ હવામાન જવાબદાર છે કે ટેકનિકલ ખામી, તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

કઈ રીતે સર્જાઈ આ ભયાનક દુર્ઘટના?

કોલંબિયાની સરકારી એરલાઇન 'સેટેના' દ્વારા સંચાલિત એક ટ્વીન-એન્જિન પ્રોપેલર વિમાને બુધવાર, 28 જાન્યુઆરીના રોજ કુકુટા શહેરથી ઓકાના જવા માટે ઉડાન ભરી હતી. જોકે, નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. ટેકઓફ થયાની માત્ર 12 મિનિટમાં જ વિમાનનો સંપર્ક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે તૂટી ગયો હતો, જેનાથી એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી.

પર્વતીય પ્રદેશમાં મળ્યો વિમાનનો કાટમાળ

વિમાન ગાયબ થયાના કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આખરે કોલંબિયાની વાયુસેનાએ ઉત્તર સેન્ટેન્ડર પ્રાંતના પ્લેયા ડી બેલેન નજીક પર્વતીય પ્રદેશમાં વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો હતો. દુર્ઘટના સ્થળ એન્ડીઝ પર્વતમાળાના દુર્ગમ વિસ્તારમાં હોવાને કારણે બચાવ ટુકડીઓને ત્યાં પહોંચવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. કમનસીબે, કાટમાળ મળતા જ પુષ્ટિ થઈ કે વિમાનમાં સવાર તમામ 15 મુસાફરોએ જીવ ગુમાવ્યો છે.

દુર્ઘટનામાં સાંસદ અને ભાવિ ઉમેદવારનું નિધન

આ ભયાનક વિમાન અકસ્માતમાં દેશની જાણીતી હસ્તીઓના કરુણ મોતના સમાચાર સામે આવતા જ સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુર્ઘટનામાં ખાસ કરીને 36 વર્ષીય યુવાન સંસદ સભ્ય ડાયોજીનેસ ક્વિન્ટેરોનું નિધન થયું છે, જેઓ કાટાટુમ્બો વિસ્તારના લોકપ્રિય પ્રતિનિધિ હતા અને સંઘર્ષ પીડિતોના પ્રબળ અવાજ તરીકે જાણીતા હતા. તેમની સાથે જ આગામી ચૂંટણીમાં મજબૂત ઉમેદવાર ગણાતા કાર્લોસ સાલ્સેડોનું પણ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ બંને નેતાઓના નિધનથી રાજકીય ક્ષેત્રે મોટી ખોટ પડી છે અને લોકોમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે.

તપાસના ચક્રો ગતિમાન, રાષ્ટ્રપતિએ વ્યક્ત કરી સંવેદના

કોલંબિયાના ઉડ્ડયન વિભાગના વિશેષજ્ઞો હાલ આ દુર્ઘટનાના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહ્યા છે. પ્રાથમિક અનુમાન મુજબ, એન્ડીઝ પર્વતમાળાનો કઠોર ભૂપ્રદેશ અને અણધાર્યું હવામાન અકસ્માતનું કારણ હોઈ શકે છે. જોકે, એન્જિનમાં કોઈ ખામી હતી કે કેમ તે જાણવા માટે 'બ્લેક બોક્સ'ની તપાસ કરવામાં આવશે. બીજી તરફ કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ ઘટનાને દેશ માટે મોટી ખોટ ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને સાંસદ ક્વિન્ટેરોની સામાજિક સેવાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now