Home Gujarat Ankleshwar Gidc Md Drugs Lab Bharuch Sog Raid

અંકલેશ્વર GIDCમાં MD ડ્રગ્સ બનાવતી ગુપ્ત લેબનો પર્દાફાશ : ભરૂચ SOG ની કાર્યવાહીથી એક કેમિસ્ટ ઝડપાયો

અંકલેશ્વર GIDCમાં MD ડ્રગ્સ બનાવતી ગુપ્ત લેબનો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: Feb 14, 2026, 06:41 AM IST

ભરૂચના અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાં નશાખોરી સામે કડક કાર્યવાહી કરતા પોલીસને મોટી સફળતા મળી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે એક ભાડાના મકાનમાં ચાલતી ગેરકાયદેસર MD ડ્રગ્સ બનાવતી લેબનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના બાદ ઔદ્યોગિક વિસ્તારની સાથે રહેણાંક વિસ્તારોમાં પણ ડ્રગ્સ માફિયાની ઘૂસણખોરી સામે સવાલો ઊભા થયા છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર GIDC માં આવેલી સિદ્ધ કો.ઓ.હા. સોસાયટીના બી બ્લોકમાં મકાન નંબર 301 માં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી. આ મકાન ભાડે લેવામાં આવ્યું હતું અને અંદરથી સંપૂર્ણ રીતે ડ્રગ્સ ઉત્પાદન માટે તૈયાર કરવામાં આવ્યું હતું. ખાસ કરીને બાથરૂમને લેબ તરીકે ઉપયોગમાં લેવામાં આવતો હતો, જ્યાં કેમિકલ પ્રક્રિયા દ્વારા મેફેડ્રોન (MD) ડ્રગ્સ તૈયાર કરાતી હતી.

દરોડા દરમિયાન પોલીસે અંદાજે 70 ગ્રામ જેટલું તૈયાર MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ઉપરાંત મોટી માત્રામાં રો મટીરિયલ, કેમિકલ્સ તેમજ ડ્રગ્સ બનાવવામાં ઉપયોગી સાધનો પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલ સામગ્રી પરથી સ્પષ્ટ થાય છે કે અહીં નિયમિત રીતે ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું.

આ કેસમાં અનિલ રાખોલિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ફાર્માસ્યુટિકલ કંપનીમાં કેમિસ્ટ તરીકે કાર્યરત હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે તેણે પોતાની ટેકનિકલ અને કેમિકલ જાણકારીનો ખોટો ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થો બનાવવાનું શરૂ કર્યું હતું. રહેણાંક વિસ્તારમાં આવી લેબ ચાલતી હોવાને કારણે સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ છે.

આ સમગ્ર ઓપરેશન ભરૂચ SOG દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. હાલ આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. સાથે સાથે પોલીસે ડ્રગ્સ ક્યાં સપ્લાય થતી હતી, તેમાં અન્ય કોણ સંડોવાયેલા છે અને આ નેટવર્ક કેટલું વિસ્તૃત છે તેની દિશામાં વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસના આ પગલાંને કારણે જિલ્લામાં ડ્રગ્સ સામેના અભિયાનને નવી દિશા મળી હોવાનું માનવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now