જો તમે iPhoneમાંથી Android સ્માર્ટફોન પર સ્વિચ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. Googleએ Android 17 સાથે એક નવું Migration System રજૂ કર્યું છે, જે iPhoneમાંથી Androidમાં ડેટા ટ્રાન્સફરની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવે છે. હવે યુઝર્સને અલગ એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. નવા સિસ્ટમની મદદથી ફોટા, વીડિયો, કોન્ટેક્ટ્સ અને મેસેજ ઉપરાંત પાસવર્ડ, Wi-Fi ક્રેડેન્શિયલ્સ અને eSIM જેવી મહત્વપૂર્ણ માહિતી પણ સરળતાથી નવા Android ફોનમાં ટ્રાન્સફર કરી શકાશે.
અલગ એપ વગર જ થશે ડેટા ટ્રાન્સફર
Googleએ પોતાના સત્તાવાર બ્લોગમાં Android 17ના નવા Migration Experience વિશે માહિતી આપી છે. કંપનીના જણાવ્યા અનુસાર હવે ડેટા ટ્રાન્સફર ટૂલ સીધું જ Android ઓપરેટિંગ સિસ્ટમનો ભાગ બની ગયું છે. એટલે iPhoneમાંથી Androidમાં સ્વિચ કરતી વખતે અલગ એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર રહેશે નહીં. અગાઉ પણ ફોટા, વીડિયો, કોન્ટેક્ટ્સ, કેલેન્ડર અને મેસેજ ટ્રાન્સફર કરી શકાતા હતા, પરંતુ હવે આ સુવિધાને વધુ વિસ્તૃત કરવામાં આવી છે જેથી યુઝર્સ પોતાના જૂના iPhoneનો લગભગ સંપૂર્ણ સેટઅપ નવા Android ફોનમાં લઈ જઈ શકે.
પાસવર્ડ, Wi-Fi અને eSIM પણ થશે ટ્રાન્સફર
Android 17નું નવું Migration System હવે Google Accountની માહિતી, સેવ કરેલા પાસવર્ડ, Wi-Fi ક્રેડેન્શિયલ્સ અને eSIM ટ્રાન્સફરને પણ સપોર્ટ કરે છે. એટલે નવા ફોનમાં ફરીથી તમામ પાસવર્ડ અથવા Wi-Fi નેટવર્ક સેટ કરવાની ઝંઝટ ઓછી થશે. Googleના જણાવ્યા મુજબ આ સુવિધાનો રોલઆઉટ હાલ પસંદગીના Pixel સ્માર્ટફોન માટે શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત Samsungના નવા Galaxy Z Flip 8 અને Galaxy Z Fold 8માં પણ આ ફીચર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આગામી સમયમાં અન્ય Android સ્માર્ટફોનમાં પણ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જોકે કંપનીએ તેની ચોક્કસ સમયરેખા જાહેર કરી નથી.
QR Code દ્વારા થશે સરળ સેટઅપ
નવો Android ફોન સેટઅપ કરતી વખતે યુઝર્સને iPhone અથવા iPadમાંથી ડેટા કોપી કરવાનો વિકલ્પ મળશે. ત્યારબાદ Android ફોન એક QR Code બતાવશે, જેને iPhoneથી સ્કેન કર્યા બાદ બંને ડિવાઇસ વાયરલેસ રીતે કનેક્ટ થઈ જશે. ત્યારબાદ યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ ફોટા, વીડિયો, મેસેજ, કોન્ટેક્ટ્સ, કેલેન્ડર અને અન્ય માહિતી પસંદ કરીને ટ્રાન્સફર કરી શકશે. આ પ્રક્રિયા સરળ અને યુઝર-ફ્રેન્ડલી બનાવવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
ડેટા ટ્રાન્સફર દરમિયાન આ બાબતોનું રાખો ધ્યાન
Googleએ સલાહ આપી છે કે ડેટા ટ્રાન્સફર પૂર્ણ થાય ત્યાં સુધી બંને ડિવાઇસ કનેક્ટેડ રહેવા જોઈએ. iPhone Wi-Fi સાથે જોડાયેલો હોવો જોઈએ અને બંને ફોનમાં પૂરતો ચાર્જ હોવો જરૂરી છે. ઉપરાંત નવા Android ફોનમાં પૂરતી સ્ટોરેજ ઉપલબ્ધ હોવી જોઈએ જેથી તમામ ડેટા સરળતાથી ટ્રાન્સફર થઈ શકે. જો QR Code દ્વારા પ્રક્રિયા શક્ય ન હોય તો ઓપરેટર સપોર્ટ મુજબ eSIM ફરીથી ડાઉનલોડ કરીને પણ સ્વિચ કરી શકાય છે.
WhatsApp Chat અને iCloud ફોટા ટ્રાન્સફર પણ સરળ
સેટઅપ પૂર્ણ થયા બાદ યુઝર્સને WhatsApp Chat History ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પણ મળશે. Google iMessageમાંથી Google Messagesમાં સ્વિચ કરવા તેમજ iCloudમાં રહેલા ફોટા અને વીડિયોને Google Photosમાં ટ્રાન્સફર કરવા માટે પણ માર્ગદર્શન આપે છે. આથી iPhone છોડીને Android અપનાવતા યુઝર્સને પોતાની મહત્વપૂર્ણ માહિતી ગુમાવવાની ચિંતા ઓછી રહેશે.





