Home Gujarat Indiesemic Semtech Sabarmati 1 Lora Iot Processor Gujarat

ભારતના ચિપ સેક્ટરમાં ગુજરાતની મોટી છલાંગ : અમેરિકાની Semtech સાથે બનાવશે અદ્યતન Sabarmati-1 પ્રોસેસર

IndieSemiC Semtech Partnership
Image Credit: ai
Published by: Nirali Gohil
Last Updated: Jul 25, 2026, 11:47 AM IST

IndieSemiC Semtech Partnership: ગુજરાતના સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ સામે આવી છે. રાજ્યની ફેબલેસ સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપ IndieSemiC પ્રાઇવેટ લિમિટેડ હવે અમેરિકાની અગ્રણી સેમિકન્ડક્ટર કંપની Semtech Corporation સાથે મળીને આગામી પેઢીના Internet of Things (IoT) ઉપકરણો માટે LoRa ટેક્નોલોજી સાથે સંકલિત 'Sabarmati-1' સિસ્ટમ-ઇન-પેકેજ (SiP) પ્રોસેસર વિકસાવશે. આ ભાગીદારી માત્ર એક વ્યાવસાયિક કરાર નથી, પરંતુ ભારતના સ્વદેશી ચિપ ડિઝાઇન ઇકોસિસ્ટમ અને ગુજરાતના સેમિકન્ડક્ટર વિઝન માટે એક મહત્વપૂર્ણ મોરચો માનવામાં આવી રહ્યો છે. LoRa જેવી લો-પાવર અને લોંગ-રેન્જ વાયરલેસ ટેક્નોલોજીને RISC-V આધારિત 64-બીટ પ્રોસેસર સાથે જોડવાનો પ્રયાસ દેશમાં અદ્યતન સેમિકન્ડક્ટર ડિઝાઇન ક્ષમતાઓને નવી દિશા આપશે.

નવી દિલ્હીમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) ખાતે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM)ના સીઇઓ અમિતેશ સિન્હા સહિતના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાંથી ઊભરી રહેલી ડીપ-ટેક સ્ટાર્ટઅપ દ્વારા વૈશ્વિક સેમિકન્ડક્ટર કંપની સાથે થયેલો આ સહયોગ રાજ્યને માત્ર ઉત્પાદન ક્ષેત્રે જ નહીં પરંતુ ચિપ ડિઝાઇન અને ટેક્નોલોજી ઇનોવેશનના કેન્દ્ર તરીકે પણ મજબૂત બનાવે છે.

ગુજરાતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મળશે નવી ગતિ

છેલ્લાં કેટલાક વર્ષોમાં ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રે વ્યૂહાત્મક રીતે મોટા પગલાં લીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તથા વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયાના નેતૃત્વમાં રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર પોલિસી 2022-27 અમલમાં મૂકી છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) દ્વારા રોકાણકારોને સિંગલ વિન્ડો સહાય, ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિઝાઇન સપોર્ટ અને કુશળ માનવબળના વિકાસ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.

રાજ્યમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ATMP/OSAT, સપ્લાય ચેઇન અને ડિઝાઇન ઇકોસિસ્ટમને એકસાથે વિકસાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ વર્ષે રાજ્યની ત્રણ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઓ કોમર્શિયલ ઓપરેશનના તબક્કે પહોંચી હોવાના કારણે ગુજરાત હવે સમગ્ર સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં દેશનું અગ્રણી કેન્દ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો: સાબરમતીમાં સમાઈ ગયો વ્યક્તિ! : 12 કલાકથી SDRFની દોડધામ છતાં વ્યક્તિનો કોઈ પત્તો નહીં

Sabarmati-1 પ્રોસેસરમાં શું હશે ખાસ?

IndieSemiCના સ્થાપક નિકુલ શાહના જણાવ્યા અનુસાર કંપની RISC-V આર્કિટેક્ચર પર આધારિત Sabarmati-1 નામનું 64-બીટ જનરલ-પર્પઝ સિસ્ટમ-ઇન-પેકેજ (SiP) પ્લેટફોર્મ વિકસાવશે, જેમાં Semtechની અત્યાધુનિક LoRa (Long Range) વાયરલેસ ટેક્નોલોજી સંકલિત કરવામાં આવશે. આ નવી ડિઝાઇન અલ્ટ્રા-લો-પાવર કમ્પ્યુટિંગ અને લાંબા અંતર સુધી કાર્યક્ષમ વાયરલેસ કનેક્ટિવિટી બંનેને એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવશે. પરિણામે એવા સ્માર્ટ ઉપકરણો વિકસાવી શકાશે જે ઓછી વીજ વપરાશ સાથે વર્ષો સુધી કાર્યરત રહી શકે અને દૂરના વિસ્તારોમાં પણ વિશ્વસનીય રીતે ડેટા ટ્રાન્સમિટ કરી શકે. LoRa ટેક્નોલોજી ખાસ કરીને Low Power Wide Area Network (LPWAN) માટે જાણીતી છે, જેના કારણે બેટરી આધારિત IoT ઉપકરણો લાંબા સમય સુધી કાર્યક્ષમ રહે છે. આ કારણસર સમગ્ર વિશ્વમાં સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં તેની માંગ સતત વધી રહી છે.

અનેક ક્ષેત્રોમાં મળશે ઉપયોગ

Sabarmati-1 આધારિત માઇક્રોકન્ટ્રોલર્સનો ઉપયોગ વિવિધ સ્માર્ટ એપ્લિકેશન્સમાં કરવામાં આવશે. તેમાં ઔદ્યોગિક ઓટોમેશન, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ, સ્માર્ટ લાઇટિંગ, સ્માર્ટ મીટરિંગ, એસેટ ટ્રેકિંગ, કૃષિ, લોજિસ્ટિક્સ અને હેલ્થકેર જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આગામી સમયમાં સ્માર્ટ સેન્સર્સ, રિમોટ મોનિટરિંગ સિસ્ટમ્સ અને ઇન્ડસ્ટ્રિયલ IoT ઉપકરણોમાં પણ આ પ્રોસેસરનો ઉપયોગ વધવાની શક્યતા છે. વધતી ડિજિટલ કનેક્ટિવિટી અને ઓછી વીજ વપરાશવાળા ઉપકરણોની વૈશ્વિક માંગને ધ્યાનમાં રાખતા આ પ્લેટફોર્મ ભારતીય ટેક્નોલોજી કંપનીઓ માટે નવી તકો ઊભી કરી શકે છે.

આ પણ વાંચો: અમરેલી-અમદાવાદ એસટી બસ સાથે અકસ્માત ટળ્યો : લાઠી પાસે ડ્રાઇવરની તબિયત લથડતાં બસ રોડ નીચે ઉતરી, તમામ મુસાફરો સુરક્ષિત

ભારતીય ચિપ ડિઝાઇન ક્ષમતાઓને મળશે વૈશ્વિક ઓળખ

આ ભાગીદારી એ પણ દર્શાવે છે કે ભારતીય ફેબલેસ સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપ્સ હવે માત્ર સ્થાનિક બજાર પૂરતા મર્યાદિત રહ્યા નથી. વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓ સાથે મળીને અદ્યતન ચિપ્સ અને પ્રોસેસર્સ વિકસાવવાની તેમની ક્ષમતા સતત મજબૂત બની રહી છે. ભારત સરકારના ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અને ગુજરાત સરકારની નીતિઓના કારણે હવે ડિઝાઇનથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધી સંપૂર્ણ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઉભી કરવાની દિશામાં ઝડપથી પ્રગતિ થઈ રહી છે. આવા સહયોગો ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં વધુ મજબૂત સ્થાન અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

GSEMએ પાઠવી શુભેચ્છા

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM)ના મિશન ડિરેક્ટર અને IAS અધિકારી નેહા કુમારીએ IndieSemiCને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઊભું કરવા પ્રતિબદ્ધ છે અને આવા સ્વદેશી ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સ ગુજરાતને ટેક્નોલોજી ક્ષેત્રે નવી ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now