Home Gujarat Anar Patel Heaped Praise On Naresh Patel

'ઉછળતા દેડકાઓનું વજન કરવું શક્ય પરંતુ પટેલોને એકજૂટ કરવા...' : અનાર પટેલે નરેશ પટેલના કર્યા ભરપેટ વખાણ

'ઉછળતા દેડકાઓનું વજન કરવું શક્ય પરંતુ પટેલોને એકજૂટ કરવા...'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2026, 11:24 AM IST

કાગવડ સ્થિત ખોડલધામ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ખોડલધામ સંગઠનના નવા અધ્યક્ષ તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલના નામની સત્તાવાર ઘોષણા કરી હતી. આ ઘોષણા બાદ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના આગેવાનો અને શ્રદ્ધાળુઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

'...તેને હું ક્યારેય ડગમગવા નહીં દઉં'

કાર્યક્રમ દરમિયાન ખોડલધામ સંગઠનના નવનિયુક્ત અધ્યક્ષ અનાર પટેલે પોતાનું પ્રથમ સંબોધન આપ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે નરેશ પટેલ પ્રત્યે આભાર અને વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “નરેશભાઈ પટેલે જે વિશ્વાસ મારા પર મૂક્યો છે, તેને હું ક્યારેય ડગમગવા નહીં દઉં.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “મને મળેલું પદ કોઈ સામાન્ય પદ નથી, પરંતુ સમાજ માટેની એક મોટી જવાબદારી છે.”

'જ્યારે આપણે સંગઠિત રહીશું ત્યારે જ ઇતિહાસ રચી શકીશું'

અનાર પટેલે જણાવ્યું હતું કે નરેશ પટેલે ‘મા ખોડલની ભક્તિ અને એકતાની શક્તિ’ના સૂત્ર સાથે ખોડલધામની સ્થાપના કરી છે અને આ સંસ્થાના માધ્યમથી સમાજને એકજૂટ કરવાનો મજબૂત સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, પટેલ સમાજ પાસે શક્તિ છે, સંપત્તિ છે અને ક્ષમતાઓની કોઈ કમી નથી, પરંતુ સાચી તાકાત એકતામાં છે. “જ્યારે આપણે સંગઠિત રહીશું ત્યારે જ ઇતિહાસ રચી શકીશું” એમ તેમણે ઉમેર્યું.

'ઉછળતા દેડકાઓનું વજન કરવું શક્ય છે, પરંતુ પટેલોને એકજૂટ કરવા...'

અનાર પટેલે પોતાના અંદાજમાં કહ્યું હતું કે, “ઉછળતા દેડકાઓનું વજન કરવું શક્ય છે, પરંતુ પટેલોને એકજૂટ કરવા મુશ્કેલ છે.” છતાં પણ નરેશ પટેલે પટેલ સમાજને એકત્રિત કરીને બતાવ્યું છે, જે તેમની નેતૃત્વ ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે તેમ તેમણે જણાવ્યું. તેમણે સમાજને સંબોધતા કહ્યું કે મતભેદ હોઈ શકે, ચર્ચા-વિવાદ પણ થઈ શકે, પરંતુ મનભેદ ક્યારેય ન હોવા જોઈએ. સમાજની એકતા જ તેની સૌથી મોટી શક્તિ છે. સાથે જ તેમણે સંવેદનશીલ મુદ્દે વાત કરતાં જણાવ્યું કે, પટેલ સમાજના વૃદ્ધ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં જવા ન પડે તે આપણી સૌની સંયુક્ત જવાબદારી છે.

'નરેશ પટેલને ટેકો આપીએ, ટીકા નહીં'

અંતમાં અનાર પટેલે સમાજને અપીલ કરતાં કહ્યું કે, “નરેશ પટેલને ટેકો આપીએ, ટીકા નહીં.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખોડલધામ સંગઠન સમાજના હિત માટે કાર્યરત છે અને સૌના સહયોગથી જ આ કાર્ય વધુ મજબૂત બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now