Home Gujarat Amts Private Bus Driver Becomes Reckless

'કાચ ખોલવાનું કહ્યું તો ગાળો આપી' : AMTS ખાનગી બસનો ડ્રાઈવર બેફામ બન્યો, યુવતીને અભદ્ર શબ્દો બોલ્યાનો આક્ષેપ

'કાચ ખોલવાનું કહ્યું તો ગાળો આપી'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 06, 2026, 04:00 PM IST

AMTS Driver Babal : અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષા અંગે સતત દાવાઓ કરવામાં આવે છે, પરંતુ રોજિંદી અવરજવર કરતી મહિલાઓ માટે સુરક્ષા પ્રશ્નાર્થ બની રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવો જ એક બનાવ અમદાવાદની AMTS બસમાં સામે આવ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

'કાચ ખોલવાનું કહ્યું તો ગાળો આપી'

વાયરલ થયેલો વીડિયો વાડજથી ચાંદખેડા જતાં રૂટ નંબર 401ની AMTS બસનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં એક યુવતી નોકરી પરથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે ખાખી કલરના સ્વેટર અને પોલીસની વર્દી જેવા કપડાં પહેરેલા વ્યક્તિ દ્વારા તેણી સાથે ગાળાગાળી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વીડિયોમાં યુવતી સ્પષ્ટ રીતે કહેતી જોવા મળે છે કે, આ વ્યક્તિ મને ગાળો આપી રહ્યો છે અને મે ફક્ત કાચ ખોલવાનું કહ્યું હતું. યુવતી ઉગ્ર અવાજે વારંવાર પૂછતી હતી કે, ગાળો કેમ આપી મને અને તને શરમ નથી આવતી?

'મેં કોઈ ગાળ બોલી નથી અને દિમાગ કેમ ખરાબ કરે છે'

વીડિયોમાં જોવા મળે છે કે, આરોપી વ્યક્તિ પોતાનું મોઢું કપડાંથી છુપાવતો હતો અને બાદમાં કંડક્ટરની પાછળ જઈને ઊભો રહી ગયો હતો. યુવતી તેને કહી રહી હતી કે, હવે મોઢું કેમ છુપાવી રહ્યો છે? ખાખી કપડા પહેરીને ગાળો બોલે છે, હવે શરમ આવી રહી છે? યુવતીએ બસમાં હાજર કંડક્ટરને પણ પૂછ્યું હતું કે, આ વ્યક્તિ મને ગાળો બોલ્યો છે ને? જ્યારે સામે વ્યક્તિએ આક્ષેપ નકારી કાઢતા કહ્યું હતું કે, મેં કોઈ ગાળ બોલી નથી અને દિમાગ કેમ ખરાબ કરે છે.

'દારૂ પીને આવે છે અને ગાળો બોલે છે'

આ દરમિયાન યુવતી વીડિયોમાં એવું પણ કહેતી સાંભળાઈ રહી છે કે, વર્દીમાં દારૂ પીને આવે છે અને ગાળો બોલે છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પછી તપાસમાં જાણવા મળ્યું કે, યુવતી સાથે બોલાચાલી કરનાર વ્યક્તિ AMTSની ખાનગી બસનો ડ્રાઈવર હતો. આ ઘટના 5 ડિસેમ્બરની હોવાનું બહાર આવ્યું છે. વીડિયો AMTS તંત્ર સુધી પહોંચતા જ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી હતી. સંડોવાયેલા ડ્રાઈરને નોકરી પરથી ઉતારી દેવામાં આવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now