Home Gujarat Amreli Heavy Rain Rescue Mithapur Dungri Vadhera Flood Chalala Evacuation

અમરેલીમાં આકાશી આફતથી અફરાતફરી : ફાયર અને પોલીસ જવાનો સાથે ધારાસભ્ય પણ લાગ્યા બચાવ કામગીરીમાં, 70થી વધુ લોકોનું રેસ્ક્યૂ, 100થી વધુનું સ્થળાંતર

Amreli Rescue Operation
Published by: Vishal Dave
Last Updated: Jul 06, 2026, 05:13 AM IST

અમરેલીમાં વરસાદી તાંડવ: ફાયર જવાનો દેવદૂત બન્યા

મીઠાપુર ડુંગરીમાં 68થી વધુ લોકોનું રેસ્ક્યૂ

ચલાલામાંથી 100 લોકોનું સ્થળાંતર, વઢેરા ગામ જળબંબાકાર

સતત ધોધમાર વરસાદથી અમરેલી જિલ્લાની સ્થિતિ ગંભીર

Amreli Rescue Operation: અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા ભારે વરસાદે સમગ્ર જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. અનેક તાલુકાઓમાં નદી-નાળાઓ છલકાઈ જતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને ધારી, જાફરાબાદ, ચલાલા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે, જ્યારે અનેક ગામોમાં લોકો ઘરોમાં જ ફસાઈ જતાં ફાયર વિભાગ, પોલીસ, જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોએ સતત બચાવ કામગીરી હાથ ધરી છે.

જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. વરસાદની તીવ્રતા, નદીઓના જળસ્તર અને નીચાણવાળા વિસ્તારોની સ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા તમામ સંબંધિત વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને જ્યાં જરૂર પડે ત્યાં તાત્કાલિક બચાવ ટીમો મોકલવામાં આવી રહી છે.

મીઠાપુર ડુંગરીમાં દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન

ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામમાં પૂરનાં પાણી વચ્ચે 68થી વધુ લોકો ફસાઈ ગયા હતા. વરસાદના કારણે ગામ તરફ જવાના તમામ માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા પરિસ્થિતિ અત્યંત ગંભીર બની હતી. જિલ્લા કલેક્ટરની સૂચના બાદ અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જોખમ વચ્ચે દોરડા, લેડર અને બચાવ સાધનોની મદદથી એક પછી એક તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. રાત્રીના અંધકાર અને સતત વરસતા વરસાદ વચ્ચે હાથ ધરાયેલા આ રેસ્ક્યૂ ઓપરેશને અનેક પરિવારોને નવી જિંદગી આપી હતી. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ સ્થાનિકોએ ફાયર વિભાગના જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર જિલ્લામાં આ રેસ્ક્યૂ ઓપરેશનની પ્રશંસા થઈ રહી છે.

ચલાલામાંથી 100 લોકોનું સ્થળાંતર

વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચલાલા વિસ્તારમાં પણ વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આશરે 100 લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી સતત વધી રહ્યું હોવાથી લોકોને અગાઉથી જ સલામત સ્થળે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્થળાંતર કરાયેલા લોકોને સરકારી આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા છે, જ્યાં રહેવા, ભોજન, પીવાનું પાણી તેમજ જરૂરી આરોગ્ય સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા સતત જાહેરાતો કરીને લોકોને નદી-નાળાઓથી દૂર રહેવા તેમજ બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે.

વઢેરા ગામ આખેઆખું જળમગ્ન

જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાના વઢેરા ગામમાં ભારે વરસાદ બાદ સૌથી ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. સતત વરસાદ અને પાણીના નિકાલની મર્યાદિત વ્યવસ્થાને કારણે ગામના મોટાભાગના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. મોડી રાત્રે પણ ગામમાં પાણીનું સ્તર ઊંચું રહેતાં સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને અનેક સ્થળોએ સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. વહીવટી તંત્ર, પોલીસ, સ્થાનિક આગેવાનો અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની હાજરીમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગામની સરકારી શાળાને તાત્કાલિક રાહત કેમ્પમાં ફેરવવામાં આવી છે, જ્યાં અસરગ્રસ્ત પરિવારો માટે રહેવા, સૂવાની તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. મોડી રાત સુધી અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સ્થળ પર રહી પરિસ્થિતિની સમીક્ષા કરતા રહ્યા હતા.

જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે

અમરેલી જિલ્લામાં ફાયર વિભાગ, પોલીસ, હોમગાર્ડ, એસડીઆરએફ સહિતની વિવિધ ટીમો સતત મેદાનમાં છે. જ્યાં પણ પાણીમાં લોકો ફસાયેલા હોવાની માહિતી મળી રહી છે ત્યાં તાત્કાલિક બચાવ ટીમો મોકલવામાં આવી રહી છે. અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠા અને સંચાર સેવાઓ પર પણ અસર જોવા મળી રહી છે.

જિલ્લા તંત્ર દ્વારા સંવેદનશીલ ગામોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. નદીઓના જળસ્તરમાં વધારો નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અગાઉથી જ સતર્ક કરવામાં આવ્યા છે. જરૂરિયાત મુજબ વધુ સ્થળાંતર કરવાની પણ તૈયારી રાખવામાં આવી છે.

હવામાનને લઈને તંત્રની સતત નજર

હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સંજોગોમાં જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે અને તમામ વિભાગોને 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે. લોકોને અફવાઓથી દૂર રહેવા, માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા અને કોઈપણ ઈમરજન્સીમાં જિલ્લા કંટ્રોલ રૂમ અથવા સ્થાનિક તંત્રનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે. વરસાદ હજુ યથાવત રહેતાં અમરેલી જિલ્લામાં આગામી કલાકો અત્યંત મહત્વના માનવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્રનું મુખ્ય ધ્યાન માનવજીવનની સુરક્ષા, ઝડપી બચાવ કામગીરી અને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત પહોંચાડવા પર કેન્દ્રિત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now