અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત લગભગ 50 દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કર્યાના થોડા દિવસો બાદ જ વિદેશ મંત્રી એસ. જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સોમવાર (7 એપ્રિલ)ના રોજ ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય વેપાર અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જયશંકરે કહ્યું કે તેમણે અને રુબિયોએ શક્ય તેટલી વહેલી તકે દ્વિપક્ષીય વેપાર સમજૂતી પૂર્ણ કરવાના મહત્વ પર ચર્ચા કરી. બંને પક્ષો સંમત થયા હતા કે આ વેપાર સમજૂતીને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવું જોઈએ. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકાના વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિન્ચ ભારતની મુલાકાતે આવ્યા અને બંને દેશો વચ્ચે વેપાર સમજૂતી પર ચર્ચા થઈ છે.
જયશંકરે કહ્યું કે અમે દ્વિપક્ષીય વેપાર સમજૂતીના વહેલા નિષ્કર્ષ વિશે વાત કરી છે. હું આશા રાખું છું કે આપણે ટૂંક સમયમાં તે દિશામાં આગળ વધીશું. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ રુબિયો સાથે સંપર્કમાં રહેશે.
ઈન્ડો-પેસિફિક અને અન્ય વૈશ્વિક મુદ્દાઓ
રૂબિયો સાથે ફોન પર થયેલી વાતચીતમાં માત્ર વેપાર સમજૂતી જ નહીં, પરંતુ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. જયશંકર અને રુબિયોએ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર, ભારતીય ઉપખંડ, યુરોપ, પશ્ચિમ એશિયા અને કેરેબિયન ક્ષેત્રની સ્થિતિ પર તેમના દ્રષ્ટિકોણ શેર કર્યા હતા. બંને નેતાઓએ સંબંધોને વધુ મજબૂત કરવા માટે આ ક્ષેત્રોમાં સહયોગ અને સંકલનની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
અમેરિકાએ તાજેતરમાં જવાબી ટેરિફની જાહેરાત કરી
ટ્રમ્પે 'અમેરિકા ફર્સ્ટ' નીતિ હેઠળ અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફ લાદતા તમામ દેશો અને ભાગીદારો પર જવાબી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પાછળ ટ્રમ્પ વહિવટીતંત્રનો હેતુ વેપાર ખાધ ઘટાડવાનો અને નિર્માણ ક્ષેત્રને વેગ આપવાનો છે. અમેરિકાએ ભારત પર 26 ટકા ટેક્સ લાદ્યો છે. અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે ભારત અમેરિકન ચીજવસ્તુઓ પર ઊંચા ટેરિફ લાદે છે અને તેથી જ ટેરિફ લાદવામાં આવ્યો છે.





