એક અમેરિકન નાગરિકે ગુરુવારે બેલીઝથી નાનું વિમાન હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એક મુસાફરે તેને ગોળી મારી દીધી હતી. કેરેબિયન દેશની પોલીસે આ માહિતી આપી હતી. પોલીસ કમિશનર ચેસ્ટર વિલિયમ્સે જણાવ્યું હતું કે બેલીઝની ટ્રોપિક એરની માલિકીના સેસ્ના ગ્રાન્ડ કારવાં વિમાને 14 મુસાફરો સાથે કોરોઝલ શહેરમાંથી ઉડાન ભર્યા બાદ સવારે આ ઘટના બની હતી.
અપહરણકર્તાએ બે મુસાફરોને છરી મારી હતી
વિમાન બેલીઝમાં સાન પેડ્રો આઇલેન્ડ તરફ જતું હતું પરંતુ હુમલાખોરે પાઇલટને "દેશની બહાર" ઉડાન ભરવાનો આદેશ આપ્યો હતો. પ્લેન બેલીઝ સિટીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થોડા સમય માટે ફરતું રહ્યું અને અંતે ઇંધણ ખતમ થતાં તેનું લેન્ડિંગ થયું. લેન્ડિંગ દરમિયાન હુમલાખોરે અન્ય બે મુસાફરો પર છરી વડે હુમલો કર્યો હતો. પોલીસ અને સ્થાનિક મીડિયા અનુસાર એક મુસાફર પાસે લાઇસન્સવાળી બંદૂક હતી અને તેણે હુમલાખોરને ગોળી મારી દીધી હતી.
હુમલાખોરની ઓળખ 49 વર્ષીય અમેરિકન નાગરિક અકિનીલા સવા ટેલર તરીકે થઈ હતી. ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બેલીઝમાં યુએસ એમ્બેસીએ આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો. "આ ઘટના સલામતી અને સુરક્ષાના મહત્વને રેખાંકિત કરે છે" દૂતાવાસના અધિકારી લ્યુક માર્ટિને પત્રકારોને જણાવ્યું હતું. બેલીઝમાં કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે અમારો મજબૂત સંબંધ છે અને આવા સમયે આ ભાગીદારી ઝડપી માહિતી વિનિમય સાથે મહત્વપૂર્ણ સાબિત થાય છે.






