લાખો રૂપિયા ખર્ચીને, લપાઈ-છુપાઈને અમેરિકા ગયેલા લોકોને કાઢી મુકવામાં આવે છે. અમેરિકાથી આવા 104 ભારતીયો પરત આવ્યા છે. જેમાંથી 33 તો ગુજરાતીઓ છે. આ તમામ હાલ પરિવાર પાસે પાછા સહીસલામત પહોંચી ગયા છે. ત્યારે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જ્યારે તેમને પાછા મોકલવામાં આવ્યા ત્યારે તેમના હાથમાં હાથકડીઓ લગાવવામાં આવી, પગમાં બેડીઓ પહેરાવવામાં આવી અને ભારત પહોંચવા પર જ તેમને જવા દેવામાં આવ્યા
અમેરિકાથી જે લોકો પાછા આવ્યા તેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા.અમેરિકાથી લાવવામાં આવેલા ભારતીયોમાં, હરિયાણા અને ગુજરાતના 33, પંજાબના 30, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના ત્રણ-ત્રણ અને ચંદીગઢના બે હતા. આ લોકોમાં ૧૯ મહિલાઓ અને ૧૩ સગીર બાળકોનો પણ સમાવેશ થાય છે, જેમાં ચાર વર્ષનો એક છોકરો અને ૫ અને ૭ વર્ષની બે છોકરીઓનો સમાવેશ થાય છે. આ તમામ સાથે ગુનેગારો જેવું વર્તન કર્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
અમેરિકાના આ વર્તનનો વિરોધ થઈ રહ્યો છે. રાજ્યસભામાં પણ તેના પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવાના સમાચાર અંગે કોંગ્રેસે કહ્યું છે કે ભારતીય નાગરિકોને હાથકડી પહેરાવીને અને અપમાનિત કરીને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે તે દુઃખદ છે. તો બીજી તરફ જે ભારતીયો ડિપોર્ટ થઈને આવ્યા છે તેઓ પણ આવા વ્યવહાર થતા દુખ અનુભવી રહ્યા છે.






