Home International America Ban On New H 1b Visas In Texas America 15 Thousand Indians In Trouble For Jobs

અમેરિકા જવાનું સપનું જોતા ભારતીયોને મોટો ઝટકો : ટેક્સાસમાં H-1B વિઝા પર મે 2026 સુધી 'નો એન્ટ્રી'; 15 હજાર ભારતીયોની નોકરી પર લટકતી તલવાર,

અમેરિકા જવાનું સપનું જોતા ભારતીયોને મોટો ઝટકો
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2026, 03:55 AM IST

અમેરિકામાં સ્થાયી થવાનું અને ત્યાં નોકરી કરવાનું સપનું જોતા ભારતીયો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના શક્તિશાળી રાજ્ય ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે એક મોટો નિર્ણય લેતા નવા H-1B વિઝા જારી કરવા પર આવતા વર્ષે મે મહિના સુધી રોક લગાવી દીધી છે. આ નિર્ણયની સીધી અસર ટેક્સાસની સરકારી કચેરીઓ અને યુનિવર્સિટીઓમાં કાર્યરત અથવા નોકરીની રાહ જોતા હજારો ભારતીયો પર પડશે. અમેરિકાની 'ફર્સ્ટ પોલિસી' અંતર્ગત લેવાયેલા આ નિર્ણયથી વૈશ્વિક સ્તરે આઈટી અને એજ્યુકેશન સેક્ટરમાં ખળભળાટ મચી ગયો છે.

ગવર્નરનો આદેશ: મે 2026 સુધી કોઈ નવા વિઝા નહીં

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં H-1B વિઝાના કથિત દુરુપયોગને રોકવા માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે. આ આદેશ મુજબ, ટેક્સાસની તમામ સરકારી સંસ્થાઓ અને જાહેર યુનિવર્સિટીઓમાં હવે નવા H-1B વિઝા ધારકોની ભરતી થઈ શકશે નહીં. ટેક્સાસ વર્કફોર્સ કમિશનને આદેશ અપાયો છે કે તેઓ 27 માર્ચ સુધીમાં તમામ વર્તમાન વિઝા ધારકોનો ડેટા, તેમનો રોલ અને વિઝા પૂરા થવાની તારીખનો રિપોર્ટ રજૂ કરે.

15,000 ભારતીયો પર લટકતી તલવાર

ટેક્સાસ અમેરિકામાં H-1B વિઝા જારી કરતું બીજા નંબરનું સૌથી મોટું રાજ્ય છે. આંકડા મુજબ:

  • અમેરિકા દર વર્ષે ભારતીયોને જે 2 લાખ વિઝા આપે છે, તેમાંથી 40,000 તો માત્ર ટેક્સાસમાં જ જારી થાય છે.

  • તેમાંથી 15,000 વિઝા સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ (જેમ કે ઑસ્ટિન યુનિવર્સિટી) માટે હોય છે, જેના પર હવે સીધી રોક લાગી છે.

  • જોકે, ખાનગી આઈટી કંપનીઓ માટે હાલમાં વિઝા ચાલુ રહેશે, પરંતુ સમગ્ર ડેટાની તપાસ થઈ રહી હોવાથી ત્યાં પણ રિન્યુઅલ પ્રક્રિયામાં મુશ્કેલી આવી શકે છે.

શા માટે લેવાયો આ નિર્ણય?

ટેક્સાસ રિપબ્લિકન પાર્ટીનો ગઢ માનવામાં આવે છે અને ત્યાં 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ પર ભાર મૂકવામાં આવે છે. વિશ્લેષકોનું માનવું છે કે સ્થાનિકોને રોજગારીમાં પ્રાધાન્ય આપવા અને વિઝાના દુરુપયોગને ડામવા આ પગલું લેવાયું છે. ખાસ કરીને ભારત-EU વચ્ચેની તાજેતરની ડીલ પછી આ નિર્ણય આવતા અનેક રાજકીય તર્ક-વિતર્ક પણ થઈ રહ્યા છે.

ભારતમાં વિઝા ઇન્ટરવ્યુ માટે લાંબો વેઇટિંગ પિરિયડ

આ નિર્ણયની અસર માત્ર અમેરિકામાં જ નહીં, પણ ભારતમાં પણ દેખાઈ રહી છે. દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદ જેવા શહેરોમાં અમેરિકી દૂતાવાસમાં H-1B વિઝા માટેના ઇન્ટરવ્યુ સ્લોટ હવે સીધા એપ્રિલ-મે 2026 ના મળી રહ્યા છે. જે લોકો સ્ટેમ્પિંગ માટે ભારત આવ્યા છે, તેઓ હવે લાંબા સમય સુધી અહીં અટવાઈ શકે છે. વળી, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

દુનિયાની 8મી મોટી ઇકોનોમી પર શું અસર થશે?

ટેક્સાસની GDP 2.77 ટ્રિલિયન ડોલર છે, જે તેને રશિયા, કેનેડા અને ઇટાલી જેવા દેશો કરતા પણ મોટી અર્થવ્યવસ્થા બનાવે છે. ઑસ્ટિન જેવું શહેર ગ્લોબલ ટેક હબ છે. જો વિદેશી ટેલેન્ટ પર આ રીતે પ્રતિબંધ રહેશે, તો લાંબે ગાળે ટેક્સાસની ટેક ઇન્ડસ્ટ્રીને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

શું આ મામલો કોર્ટમાં જશે?

ગવર્નરનો આ આદેશ આવતા વર્ષે મે મહિના સુધી અમલી રહેશે. જોકે, અમેરિકાના 20 જેટલા રાજ્યો આ પ્રકારના પ્રતિબંધોને અગાઉ ફેડરલ કોર્ટમાં પડકારી ચૂક્યા છે. નિષ્ણાતોના મતે ટેક્સાસનો આ નિર્ણય પણ આગામી દિવસોમાં કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now