ચોમાસાની ઋતુ દરમિયાન ડેંગ્યૂ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો પર નિયંત્રણ મેળવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના હેલ્થ મેલેરિયા વિભાગ દ્વારા રોજ વિવિધ વિસ્તારોમાં સઘન ફોગિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રોગચાળો અટકાવવા માટેના નિવારક પગલાંના ભાગરૂપે ગોતા વોર્ડના ચાણક્યપુરી વિસ્તારમાં હેલ્થ વિભાગની ટીમે ઘરેઘરે પહોંચી ફોગિંગ કર્યું હતું, જેથી મચ્છરોની પેદાશ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય.
ઘરેઘરે તંત્ર દ્વારા હાથ ધરાઈ ફોગિંગની કામગીરી
આ ઉપરાંત ચાંદલોડિયા વોર્ડમાં ખુલ્લા પ્લોટો અને આસપાસના વિસ્તારોમાં પણ ફોગિંગ કામગીરી કરવામાં આવી હતી. વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થળોએ મચ્છરોની સંખ્યા વધવાની શક્યતા વધુ હોવાથી આવા વિસ્તારોને પ્રાથમિકતા આપી નિવારક કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ બોડકદેવ વોર્ડમાં આવેલી સરકારી વસાહતમાં પણ હેલ્થ મેલેરિયા વિભાગની ટીમે ઘરેઘરે જઈ ફોગિંગ કરીને વાહકજન્ય રોગોના ફેલાવાને અટકાવવા પ્રયાસો કર્યા હતા. આ અભિયાન દરમિયાન ફોગિંગ મશીનો કાર્યરત રાખવામાં આવ્યા હતા અને ઘરોમાં ફોગિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. હેલ્થ વિભાગ દ્વારા મચ્છરોની પેદાશ અટકાવવા માટે સંવેદનશીલ વિસ્તારોને પ્રાથમિકતા આપી સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મચ્છર નિયંત્રણ સાથે જનજાગૃતિ પર પણ ભાર
આ સમગ્ર અભિયાન દરમિયાન આધુનિક ફોગિંગ મશીનોનો ઉપયોગ કરીને રહેણાંક વિસ્તારોમાં અસરકારક કામગીરી કરવામાં આવી હતી. હેલ્થ મેલેરિયા વિભાગ દ્વારા માત્ર ફોગિંગ પૂરતું જ નહીં પરંતુ મચ્છરોની પેદાશ રોકવા માટે સંવેદનશીલ વિસ્તારોની સતત દેખરેખ પણ રાખવામાં આવી રહી છે. AMC દ્વારા ચોમાસાની સમગ્ર સિઝન દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં ફોગિંગ, લાર્વા નિયંત્રણ, મચ્છરોની પેદાશના સ્થળો દૂર કરવાની કાર્યવાહી અને જનજાગૃતિ અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યા છે. નાગરિકોને પોતાના ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા, પાણીના વાસણો નિયમિત ખાલી કરવા, કુલર અને ટાંકીની સફાઈ રાખવા તેમજ મચ્છરથી બચવા જરૂરી સાવચેતી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાની સમગ્ર સિઝન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં સતત ફોગિંગ, મચ્છર નિયંત્રણ અને જનજાગૃતિની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી નાગરિકોને ડેંગ્યૂ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોથી સુરક્ષિત રાખી શકાય.





