Home Gujarat Ambalal Patel And Imd Ahmedabad Forecast For Rain Cold Wave In January

રાજ્યમાં ભરશિયાળે માવઠાની આગાહી : ઉત્તરાયણ પર વરસાદ બનશે વિલન

રાજ્યમાં ભરશિયાળે માવઠાની આગાહી
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2025, 06:14 AM IST

Gujarat Weather Upadate: ગુજરાતના છેલ્લા બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાના કારણે કાતિલ ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં કાતિલ ઠંડીની સાથે માવઠાની પણ આગાહી કરી છે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાન્યુઆરીના મધ્યભાગમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસમાં ઠંડીની આગાહી કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. તેમજ લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની આગાહી નથી. હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આજે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. આજે અમદાવાદનું તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે.

માવઠાની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું કે, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સામાન્ય કરતા વધારે વરસાદ થવાની આગાહી છે. જાન્યુઆરી મહિનામાં મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતા વધારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદની આગાહી છે.

જાન્યુઆરીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્ર કચ્છના મધ્ય અને દક્ષિણ અને ગુજરાતનાં સાઉથ ઇસ્ટના કેટલાક ભાગોમાં સામાન્ય કે સામાન્યથી નીચે રહેવાનું પૂર્વાનુમાન છે.

વરસાદ મકરસંક્રાતિની મજા બગાડી શકે છે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવશે. ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં કરા પડવા, પવનના તોફાનો, બરફ વર્ષા થતી જોવા મળશે. જેની અસર જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધી જોવા મળશે. ગુજરાતમાં ચારથી આઠ જાન્યુઆરી દરમિયાન ઠંડીનું જોર ફરી વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુતમ 8 ડિગ્રીએ પહોંચવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન ગગડશે. સૌરાષ્ટ્રના ભાગોમાં 12 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા રહેશે. 14 જાન્યુઆરીથી રાજ્યના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રમાં વરસાદી છાંટા થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત તેમજ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

બીજી તરફ સમગ્ર દેશની વાત કરવામાં આવે તો હવે શિયાળો ચરમસીમાએ છે. સમગ્ર દેશ ગાઢ ધુમ્મસની લપેટમાં છે. દિલ્હી-એનસીઆરમાં આજે સવારે પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં પણ વિઝિબિલિટી ઘણી ઓછી હતી. ઓછી વિઝિબિલિટીના કારણે અમૃતસર એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. દેશભરમાં ધુમ્મસના કારણે ફ્લાઈટ અને ટ્રેનની સેવાઓ પ્રભાવિત થઈ છે. હરિયાણા અને દિલ્હી સહિત 7 રાજ્યોમાં 12મા ધોરણ સુધીની શાળાઓ 15 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં તાપમાન માઈનસ થઈ ગયું છે. તાબોનું લઘુત્તમ તાપમાન -14.7 ડિગ્રી નોંધાયું હતું. સમદોમાં -9.3, કુકુમસૈરીમાં -6.9, કલ્પામાં -2 અને મનાલીમાં 2.8 ડિગ્રી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી 3 દિવસ સુધી તોફાની પવન, ભારે વરસાદ અને ગાઢ ધુમ્મસની ચેતવણી આપી છે. ચાલો જાણીએ કે દેશના વિવિધ રાજ્યોમાં કેવું છે હવામાન અને 6 જાન્યુઆરી સુધી કેવું રહેશે હવામાન?

3 સાયક્લોનિક સર્ક્યુલેશન અને 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય
ભારતીય હવામાન વિભાગ (IMD)એ 3 થી 6 જાન્યુઆરીની વચ્ચે પશ્ચિમ હિમાલયી ક્ષેત્ર જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, લદ્દાખમાં ભારે હિમવર્ષા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. ગાઢ ધુમ્મસ પણ જોવા મળી શકે છે. મધ્ય અને પૂર્વ ભારતમાં પણ તાપમાનમાં ફેરફાર જોવા મળી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ અને તેને અડીને આવેલા ઉત્તર પાકિસ્તાનના નીચલા ભાગોમાં એક સાયક્લોનિક સરક્યુલેશનના રૂપમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં જ એક પશ્ચિમી વિક્ષેપ ઈરાનના મધ્ય ભાગોમાં સ્થિત છે. મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તર અને ઉપલા ઉષ્ણકટિબંધીય સ્તરે પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે પંજાબ અને તેની આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થઈ શકે છે. અરબી સમુદ્રમાંથી ઉત્તર-પશ્ચિમ તરફ ભેજવાળા પવનો વધી રહ્યા છે. આ હવામાન પરિસ્થિતિઓની અસર ભારતમાં 5 થી 7 જાન્યુઆરી 2025 દરમિયાન જોવા મળી શકે છે.

આ રાજ્યોમાં વરસાદ, ધુમ્મસની ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અને આવતીકાલે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આ જ વિસ્તારમાં 5 અને 6 જાન્યુઆરીએ ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. 5 અને 6 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ ગાજવીજ અને વીજળી પડી શકે છે અને ભારે વરસાદની સાથે હિમવર્ષા થવાની સંભાવના છે. જ્યારે 4 થી 6 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં હળવા છૂટાછવાયા વરસાદની પણ શક્યતા છે.

પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં કોલ્ડ ડેની સ્થિતિની સંભાવના છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં સવાર અને સાંજ ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુરના જુદા જુદા વિસ્તારોમાં જમીની હિમને કારણે ઠંડી વધશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now