બરફીલી વાદિઓમાં રોમેન્ટિક સેલિબ્રેશન
બોલિવૂડનું ક્યુટ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આજે તેમની લગ્નની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. આ ખાસ પ્રસંગે આ કપલે કોઈ ભવ્ય પાર્ટી કરવાને બદલે પ્રકૃતિના ખોળે શાંતિથી સમય વિતાવવાનું પસંદ કર્યું છે. આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર તેમના આ ખાસ વેકેશનની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે, જેમાં આખું કપૂર ફેમિલી બરફથી ઢંકાયેલા પહાડો વચ્ચે મજા માણી રહ્યું છે.
પુત્રી રાહા સાથેની ક્યુટ પળો
શેર કરવામાં આવેલા ફોટામાં રણબીર અને આલિયા સ્કીઈંગ કરતા અને ગરમ પીણાંની મજા લેતા જોવા મળે છે. જોકે, સૌથી વધુ ધ્યાન નાનકડી રાહાએ ખેંચ્યું છે. એક ફોટામાં રણબીર કપૂર પુત્રી રાહા સાથે અલ્પાકા (એક પ્રકારનું પ્રાણી) ને ખવડાવતો જોવા મળે છે. આ ફેમિલી વેકેશનના ફોટા ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.
આલિયાની ભાવુક પોસ્ટ
પોતાના જીવનસાથી રણબીર માટે આલિયાએ એક સુંદર કેપ્શન લખ્યું છે. તેણે લખ્યું, "ઘણી બધી વાતો અને ચાલવાની વચ્ચે, આપણે આપણી એક અદભૂત દુનિયા બનાવી છે. ટૂંકમાં કહું તો... તું સાથ હૈ તો દિન રાત હૈ." આલિયાએ આ પોસ્ટ સાથે તેની ફિલ્મ 'હાઈવે' નું ગીત પણ જોડ્યું છે.





