શાહીન ભટ્ટે ફિટનેસ કોચ ઈશાન મેહરા સાથે કરી સગાઈ, આલિયાએ આપી ખાસ પ્રતિક્રિયા
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની મોટી બહેન શાહીન ભટ્ટે પોતાના જીવનની નવી શરૂઆત કરી છે. શાહીને સોશિયલ મીડિયા પર તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ઈશાન મેહરા સાથેની સગાઈની જાહેરાત કરી છે. 17 એપ્રિલ 2026 ના રોજ ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતા તેણે પોતાની ખુશી વ્યક્ત કરી છે.
કોણ છે ઈશાન મેહરા?
શાહીનનો મંગેતર ઈશાન મેહરા એક પ્રોફેશનલ સ્પોર્ટ્સ અને ફિટનેસ કોચ છે. તે પૂર્વ ઈન્ટરનેશનલ સ્વિમર પણ રહી ચુક્યા છે, જેમણે યુથ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઈશાન ઓનલાઈન અને ઓફલાઈન ફિટનેસ ક્લાસ ચલાવે છે.
રોમેન્ટિક અંદાજમાં કરી જાહેરાત
શાહીને સગાઈની રિંગ ફ્લોન્ટ કરતી કેટલીક સુંદર તસવીરો પોસ્ટ કરી છે. તેણે કેપ્શનમાં રમૂજી અંદાજમાં લખ્યું, "અમે કદાચ એકબીજાને પસંદ કરવાની બાબતમાં થોડું વધારે કરી નાખ્યું છે." તસવીરોમાં બંને એક બગીચામાં ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
પરિવાર અને સેલેબ્સની શુભેચ્છાઓ
શાહીનની આ પોસ્ટ પર આલિયા ભટ્ટે 'Currenty Weeping' (હાલમાં રડી રહી છું) એવી ઈમોશનલ કમેન્ટ કરી પોતાની ખુશી જાહેર કરી હતી. આ ઉપરાંત સોની રાઝદાન, નીતુ કપૂર, અનન્યા પાંડે અને અર્જુન કપૂર જેવા સિતારાઓએ પણ આ જોડીને અભિનંદન પાઠવ્યા છે.





