Home International Ajit Pawars Mortal Remains Taken Home Last Rites To Begin In A Few Minutes

મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજ્ય શોક જાહેર : અજિત પવારનો પાર્થિવ દેહ ઘરે લઈ જવામાં આવ્યો, આજે નીકળશે અંતિમ યાત્રા

મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજ્ય શોક જાહેર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2026, 06:08 AM IST

મહારાષ્ટ્રના રાજકારણ માટે દુખજનક સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે થયેલા ભયાનક પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું હતું. આ દુર્ઘટનાના સમાચાર મળતાં જ સમગ્ર રાજ્યમાં શોકની લહેર ફરી વળી હતી. આજે સવારે અજિત પવારનો પાર્થિવ દેહ તેમના કાટેવાડી સ્થિત નિવાસસ્થાને લાવવામાં આવ્યો, જ્યાં અંતિમ દર્શન માટે લોકોનો મોટો જનસમૂહ ઉમટી પડ્યો હતો. પરિવારજનો, સગાંસંબંધીઓ, કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરિકોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.

પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે બારામતી લાવવામાં આવ્યો

અજિત પવારના પુત્રો કાટેવાડી સ્થિત નિવાસસ્થાને હાજર રહી લોકો સાથે મળ્યા હતા અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના વતન બારામતી લાવવામાં આવ્યો છે. બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અંતિમ યાત્રા થોડા સમયમાં શરૂ થવાની છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાવાની શક્યતા છે.

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે અનેક VIP મહેમાનો બારામતી પહોંચવાના છે. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ પણ બારામતી આવશે તેવી માહિતી છે. આ ઉપરાંત અનેક રાજકીય નેતાઓ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીને ધ્યાનમાં રાખીને બારામતી એરપોર્ટ અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્કતામાં છે.

મહારાષ્ટ્ર સરકારે ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો

અજિત પવારના નિધનને પગલે મહારાષ્ટ્ર સરકારે ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે અને તમામ સરકારી ઇમારતો પર ધ્વજ અડધી કાંટે ફરકાવવામાં આવ્યા છે. રાજ્યએ એક પ્રખર નેતા ગુમાવ્યો હોવાની લાગણી સાથે મહારાષ્ટ્ર આજે શોકમાં ડૂબેલું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now