Air Passengers Beware : ભારતમાં હવાઈ મુસાફરીમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને જોતા આ વખતના બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા એરફેર એટલેકે, હવાઈ મુસાફરીના ભાડા પણ ઓછા કરવામાં આવ્યાં છે. જેને કારણે સરળતાથી દરેક લોકો હવાઈ મુસાફરી કરી શકે. જોકે, આ સાથે જ હાલમાં એક રિપોર્ટે ચિંતા પણ વ્યક્ત કરી છે. જેમાં સામે આવ્યું છેકે, હવાઇ મુસાફરી વધુ જોખમી બની શકે છે.
આ રિપોર્ટમાં મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. તાજેતરમાં સંસદીય સમિતિની એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દેશની લગભગ 50 ટકા કોમર્શિયલ ફ્લાઇટ્સમાં ટેક્નિકલ સમસ્યાઓ નોંધાઈ રહી છે. આ માહિતી બહાર આવતા મુસાફરોમાં ચિંતા વધી છે અને ઉડ્ડયન ક્ષેત્રની કામગીરી પર પણ સવાલ ઊભા થયા છે.
સંસદીય સમિતિની રિપોર્ટમાં શું ખુલ્યું?
સંસદીય પેનલ દ્વારા રજૂ કરાયેલા અહેવાલ મુજબ, ભારતની કોમર્શિયલ ફ્લાઇટ્સમાં ટેક્નિકલ ખામીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઊંચી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, લગભગ 50% ફ્લાઇટ્સમાં કોઈને કોઈ પ્રકારની ટેક્નિકલ સમસ્યા નોંધાઈ છે. આ ખામીઓ નાના સ્તરની હોય શકે છે, પરંતુ વારંવાર આવવી મોટી ચિંતા છે. એરલાઇન્સ અને મેન્ટેનન્સ સિસ્ટમમાં સુધારા કરવાની જરૂર છે. આ અહેવાલ સંસદમાં રજૂ થતાં જ ઉડ્ડયન ક્ષેત્રમાં હલચલ મચી ગઈ છે.
ટેક્નિકલ ખામીઓ એટલે શું?
ફ્લાઇટમાં ટેક્નિકલ સમસ્યાઓનો અર્થ એ નથી કે દરેક વખતે અકસ્માત થાય છે.
આમાં નીચેની સમસ્યાઓનો સમાવેશ થાય છે:
1) એન્જિન અથવા સિસ્ટમમાં નાની ખામી
2) ટેકઓફ પહેલા અથવા લેન્ડિંગ સમયે એલર્ટ
3) ફ્લાઇટ ડિલે કે કેન્સલેશન માટેનું ટેક્નિકલ કારણ
4) મેન્ટેનન્સ સંબંધિત ખામીઓ
આવી સમસ્યાઓને કારણે ઘણી વખત ફ્લાઇટ લેટ થાય છે અથવા રદ પણ કરવી પડે છે.
DGCA અને એરલાઇન્સ પર સવાલઃ
આ રિપોર્ટ બાદ હવે નાગરિક ઉડ્ડયન નિયામક સંસ્થા Directorate General of Civil Aviation (DGCA) અને એરલાઇન્સ કંપનીઓની કામગીરી પર સવાલ ઊભા થયા છે. સંસદીય સમિતિએ સૂચવ્યું છે કે, મેન્ટેનન્સ ચેક વધુ કડક બનાવવાની જરૂર છે. સુરક્ષા ધોરણોનું પાલન સખત રીતે કરાવવું જોઈએ. ફ્લાઇટ ઓપરેશનમાં પારદર્શિતા વધારવી જરૂરી છે.
મુસાફરો માટે શું છે જોખમ?
આ માહિતી સામે આવ્યા બાદ સૌથી મોટો સવાલ એ છે કે શું મુસાફરો માટે જોખમ વધ્યું છે? એવિએશન નિષ્ણાતો કહે છે કે, દરેક ટેક્નિકલ ખામી ગંભીર નથી હોતી. એટલું જ નહીં
મોટા ભાગના કેસમાં સુરક્ષા સિસ્ટમ સમયસર એલર્ટ આપી દે છે. આ સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છેકે, પાઈલોટ અને ટેક્નિકલ ટીમ આવી પરિસ્થિતિઓને હેન્ડલ કરવા માટે ટ્રેન્ડ હોય છે. તે છતાં, આવી ખામીઓનું પ્રમાણ વધવું એ સિસ્ટમમાં ખામી દર્શાવે છે, જેને અવગણવી શક્ય નથી.
ઉડ્ડયન ક્ષેત્રમાં વધતી માંગ અને પડકાર:
ભારતમાં હવાઈ મુસાફરી ઝડપથી વધી રહી છે.
નવા એરપોર્ટ્સ અને રૂટ્સ શરૂ થઈ રહ્યા છે
મુસાફરોની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી રહી છે
એરલાઇન્સ પર ઓપરેશનલ પ્રેશર વધી રહ્યો છે
આ વધતી માંગ વચ્ચે મેન્ટેનન્સ અને સુરક્ષા ધોરણો જાળવવા વધુ પડકારજનક બની રહ્યું છે. આ રિપોર્ટ માત્ર આંકડાઓ નથી, પરંતુ તે ઉડ્ડયન સુરક્ષા માટે ચેતવણી સમાન છે. જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો, મુસાફરોનો વિશ્વાસ ઘટી શકે. એરલાઇન્સની પ્રતિષ્ઠા પર અસર પડી શકે. અને સૌથી મહત્વનું- સુરક્ષા જોખમ વધી શકે. સરકાર અને એવિએશન સેક્ટર માટે હવે જરૂરી છે કે આ મુદ્દાને ગંભીરતાથી લઈ તાત્કાલિક સુધારાઓ કરે.





