મંગળવારે બપોરે ઉપડનારી એર ઇન્ડિયાની AI-159 ફ્લાઈટ રદ્દ કરવાનો નિર્ણય સત્તાધીશો દ્વારા લેવામાં આવ્યો છે,ટેકનીકલ ખામી સર્જાતા ફ્લાઈટ રદ્દ કરવામાં આવી હોવાનું એર ઇન્ડિયા ના અધિકારીઓ દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે મુસાફરોને કહેવામાં આવ્યું છે.
મુસાફરોમાં ભારે આક્રોશ
ગુજરાતના જુદા જુદા શહેરો સહીત દેશના અન્ય કેટલાક ભાગોમાંથી પણ લંડન જવા માંગતા લોકો અમદાવાદ એરપોર્ટ પર સમયસર પહોંચી ગયા હતા,અંતિમ ઘડીએ મુસાફરોને કહેવામાં આવ્યું કે ફ્લાઈટ રદ્દ કરવામાં અવી છે,આવતીકાલે આ ફ્લાઈટ જશે એવું કહેવામાં આવ્યું છે પરંતુ ફ્લાઈટ ઉપડશેજ એ અંગે એર ઇન્ડિયા સત્તાધીશો દ્વારા વિશ્વાસપૂર્વક કહેવામાં નથી આવી રહ્યું ,એર ઇન્ડિયા દ્વારા ચોક્કસ ફોડ પાડવામાં નહિ આવતા મુસાફરો અવઢવમાં છે. અને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
વિમાન ટેકઑફ નહીં થતાં ફ્લાઇટ રદ કરાઇ
AI 159 ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન જવા માટે ઉપડવાની હતી.પરંતુ ટેકનિકલ ખામીને કારણે વિમાન ટેકઓફ થઈ શક્યું નહી. જેથી ફ્લાઇટ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
AI 171 દુર્ઘટનાગ્રસ્ત બન્યા પછી, તેની
જગ્યાએ AI 159 તૈનાત કરવામાં આવ્યું હતું. પરંતુ આ
વિમાન માં પણ યાંત્રિક ખામી સર્જાતાં ફ્લાઇટ રદ્દ કરવી પડી. એર ઇન્ડિયાએ મુસાફરોને
પૈસા પરત કરવાની ખાતરી આપી છે.
એરઇન્ડિયાની દિલ્હી-પેરિસ અને પેરિસ દિલ્હી ફ્લાઇટ પણ રદ્દ કરી
એર ઇન્ડિયાની અન્ય બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 143, જે 17 જૂને દિલ્હીથી પેરિસ જવાની હતી, તે રદ કરવામાં આવી છે. જેને કારણે 18 જૂનના રોજ પેરિસથી દિલ્હી આવતી ફ્લાઇટ AI 142 પણ રદ કરવામાં આવી છે. ટેકનિકલ સમસ્યાને કારણે પેરિસની ફ્લાઇટ રદ કરાઇ એર ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એર ઇન્ડિયાની દિલ્હી-પેરિસ ફ્લાઇટ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. મુસાફરોને વૈકલ્પિક સુવિધા અને રિફંડની ખાતરી આપવામાં આવી છે. એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ફરજિયાત પ્રી-ફ્લાઇટ ચેક દરમિયાન ટેકનિકલ સમસ્યા જોવા મળી હતી, જે હાલમાં ઉકેલાઈ રહી છે.
સંપૂર્ણ રિફંડ આપવાની ખાત્રી
પેરિસના ચાર્લ્સ ડી ગૌલ (CDG) એરપોર્ટ પર રાત્રિ ફ્લાઇટ્સ પર પ્રતિબંધોને કારણે આ ફ્લાઇટ રદ કરવી પડી હતી. એર ઇન્ડિયાએ મુસાફરોને થયેલી અસુવિધા માટે માફી માંગી છે. એરલાઇને કહ્યું કે મુસાફરોને નિર્ધારિત સ્થળ સુધી લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુસાફરોને હોટલમાં રહેવાની સુવિધા અને ટિકિટ રદ કરવા પર સંપૂર્ણ રિફંડ અથવા મુસાફર ઈચ્છે તો મફત રિશેડ્યુલિંગની સુવિધા આપવામાં આવી છે.
એર ઇન્ડિયાની લંડન ગેટવિકથી અમૃતસર જતી ફ્લાઇટ પણ રદ
આ ઉપરાંત, લંડન ગેટવિકથી અમૃતસર જતી એર ઇન્ડિયાની બીજી ફ્લાઇટ પણ આજે રદ કરવામાં આવી છે. જોકે, આ ફ્લાઇટ રદ કરવા પાછળનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
ગઈ કાલે હોંગકોંગ થી આવતી ફ્લાઈટ પણ પાછી વળી ગઈ હતી
ગઈ કાલે હોંગકોંગ થી ભારત આવી રહેલ એક ઇન્ટર નેશનલ ફ્લાઈટ ટેકનીકલ કારણોસર પરત લઇ જવામાં અવી હતી ,જોકે સદનસીબે કોઈ દુખદ ઘટના બની નહોતી અને મુસાફરો નું સલામત ઉતરાણ થયું હતું






