આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સના તેજીથી વધતા યુગમાં એક નવી અને ચિંતાજનક હકીકત સામે આવી રહી છે. ભારતની ફેક્ટરીઓમાં કામ કરતા કારીગરો હવે માત્ર મેન્યુઅલ કામ કરતા નથી પરંતુ તેઓ AI અને રોબોટ્સને શીખવાડવા માટે જીવંત ડેટા સોર્સ બની ગયા છે. તેમના માથે લગાવેલા કેમેરા દ્વારા તેમની દરેક હરકત રેકોર્ડ થઈ રહી છે અને આ જ ડેટા ભવિષ્યમાં તેમની નોકરી માટે ખતરો બની શકે છે.
ટેક્નોલોજીનો વિકાસ હંમેશા નવી તકો સાથે નવા પ્રશ્નો પણ લાવે છે. હાલમાં AI અને રોબોટિક્સ ક્ષેત્રમાં ચાલી રહેલી ક્રાંતિ પાછળ એક એવી હકીકત છુપાયેલી છે જે ખાસ કરીને વિકાસશીલ દેશોમાં કામ કરતા કારીગરો સાથે જોડાયેલી છે. તાજેતરના અહેવાલો અનુસાર, ભારતની અનેક ફેક્ટરીઓમાં કારીગરોને તેમના માથે કેમેરા પહેરાવીને કામ કરાવવામાં આવી રહ્યું છે. આ કેમેરા તેમના હાથ અને પગની દરેક ચળવળને રેકોર્ડ કરે છે. આ પ્રક્રિયા માત્ર મોનિટરિંગ માટે નથી પરંતુ આ ડેટાનો ઉપયોગ AI અને રોબોટ્સને ટ્રેન કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
કારીગરોના મોશન ડેટાનો ઉપયોગ કેવી રીતે થાય છે
AI અને રોબોટ્સ માટે સૌથી મોટી પડકાર છે માનવી જેવી ગતિ અને કાર્ય કરવાની ક્ષમતા મેળવવી. મશીન માટે કોઈ વસ્તુ ઉઠાવવી, સીવણ કરવી અથવા પેકિંગ કરવું એટલું સરળ નથી જેટલું માણસ માટે છે.
આ માટે કંપનીઓને મોશન ડેટાની જરૂર પડે છે. આ ડેટા બતાવે છે કે માણસ કોઈ કાર્ય કેવી રીતે કરે છે.
કારીગરોના માથે લગાવેલા કેમેરા ખૂબ જ બારીકીથી તેમની હરકતોને કૅપ્ચર કરે છે જેમ કે
હાથ કેવી રીતે ચાલે છે
વસ્તુ કેવી રીતે પકડવામાં આવે છે
શરીર કેવી રીતે સંતુલન રાખે છે
આ માહિતી પછી AI મોડેલ્સને ટ્રેન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે જેથી રોબોટ્સ પણ એ જ રીતે કામ કરી શકે.
ભારત કેમ બન્યું ડેટાનું હબ
યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં આ પ્રકારનું ડેટા એકત્રિત કરવું ખૂબ જ ખર્ચાળ છે. ત્યાં એક કલાકના ડેટા માટે સેકડો ડોલર ખર્ચ થાય છે. બીજી તરફ ભારત જેવા દેશોમાં સસ્તી મજૂરીના કારણે આ કામ ખૂબ ઓછા ખર્ચે થઈ શકે છે. પરિણામે ઘણા ટેક કંપનીઓએ ભારતની ફેક્ટરીઓને ડેટા ફાર્મમાં બદલી નાખી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ઘણા કારીગરોને ખબર પણ નથી કે તેઓ જે કામ કરી રહ્યા છે તે ભવિષ્યમાં રોબોટ્સને તેમની જેમ કામ શીખવાડવા માટે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.
શું કારીગરો પોતાની જ નોકરી જોખમમાં મૂકી રહ્યા છે
આ સમગ્ર પ્રક્રિયાનો સૌથી ચિંતાજનક પાસો એ છે કે જે કારીગરો આજે AI માટે ડેટા તૈયાર કરી રહ્યા છે તે જ ભવિષ્યમાં પોતાની નોકરી ગુમાવી શકે છે. સીવણ, પેકિંગ, વેરહાઉસ મેનેજમેન્ટ અને એસેમ્બલી લાઇન જેવા ક્ષેત્રોમાં લાખો લોકો રોજગાર મેળવે છે. જો રોબોટ્સ આ કામો શીખી જાય તો કંપનીઓ માટે માનવીય મજૂરીની જરૂરિયાત ઘટી શકે છે. નિષ્ણાતો માને છે કે આ એક દ્વિધારી તલવાર જેવી પરિસ્થિતિ છે. એક તરફ તે રોજગાર આપે છે પરંતુ બીજી તરફ તે લાંબા ગાળે રોજગાર માટે જોખમ ઊભું કરે છે.
ગિગ ઇકોનોમીનો નવો ચહેરો
આ પરિસ્થિતિ એક નવી પ્રકારની ગિગ ઇકોનોમીને જન્મ આપી રહી છે જ્યાં લોકો સીધા પ્રોડક્ટ બનાવવા કરતાં ડેટા બનાવવામાં જોડાઈ રહ્યા છે. પરંતુ આ ગિગ ઇકોનોમીમાં પારદર્શિતા અને જાગૃતિનો અભાવ છે. ઘણા કારીગરોને ખબર નથી કે તેમનો ડેટા કેવી રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે અથવા તેનો ભવિષ્યમાં શું અસર થશે.
કંપનીઓ શું કહે છે
ટેક્નોલોજી કંપનીઓ આ પ્રક્રિયાને નવી તકો તરીકે રજૂ કરે છે. તેમના મતે આ કામથી લોકો માટે નવા પ્રકારના રોજગાર ઉભા થાય છે અને ટેક્નોલોજીના વિકાસમાં યોગદાન મળે છે.
પરંતુ આ દલીલ સામે સવાલ પણ ઉભા થાય છે કે શું આ તાત્કાલિક રોજગાર ભવિષ્યના સ્થાયી રોજગારને ખતમ કરી દેશે?





