તમારો ચહેરો અને અવાજ ચોરી શકે AI, આ રીતે રહો સુરક્ષિત
Artificial Intelligence (AI)ના ઝડપી વિકાસ સાથે નવી સુવિધાઓ મળી રહી છે, પરંતુ તેની સાથે સાયબર ગુનેગારોને પણ લોકો સાથે છેતરપિંડી કરવાની નવી રીતો મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી Face Cloning, Voice Cloning અને Deepfake ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લોકોને ઠગવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.
સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ ફોટા, વીડિયો અથવા થોડા સેકન્ડના અવાજના આધારે પણ AI તમારી જેમ દેખાતો વીડિયો અથવા તમારી જેમ બોલતો અવાજ બનાવી શકે છે. આવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઠગ લોકોના પરિવારજનો કે મિત્રો બની પૈસાની માંગ પણ કરી શકે છે.
Face Cloning અને Voice Cloning શું છે?
Face Cloning એવી AI ટેક્નોલોજી છે જેમાં વ્યક્તિના ફોટા અથવા વીડિયોનો ઉપયોગ કરીને તેનો નકલી વીડિયો તૈયાર કરવામાં આવે છે. જ્યારે Voice Cloningમાં માત્ર થોડા સેકન્ડના ઓડિયોના આધારે વ્યક્તિ જેવો જ અવાજ તૈયાર કરી શકાય છે. આ બંનેને જોડીને બનાવવામાં આવતો વીડિયો Deepfake તરીકે ઓળખાય છે. સામાન્ય વ્યક્તિ માટે આવા વીડિયો સાચા છે કે નકલી, તે ઓળખવું ઘણીવાર મુશ્કેલ બની જાય છે.
આ રીતે થઈ શકે છે છેતરપિંડી સાયબર ઠગો Deepfake વીડિયો અથવા Voice Cloningનો ઉપયોગ કરીને પરિવારના સભ્ય, મિત્ર અથવા ઓફિસના અધિકારી બનીને પૈસા માંગે છે. કેટલાક કિસ્સાઓમાં વીડિયો કોલ દરમિયાન પણ નકલી ચહેરો અને અવાજનો ઉપયોગ કરવામાં આવે છે. જો કોઈ ઓળખીતી વ્યક્તિ અચાનક પૈસા માંગે અથવા તાત્કાલિક મદદની વાત કરે, તો સીધા વિશ્વાસ કરવાને બદલે અન્ય નંબર પર ફોન કરીને તેની પુષ્ટિ કરવી જોઈએ.
Deepfake થી બચવા માટે શું કરવું?
સોશિયલ મીડિયા પર પોતાની વ્યક્તિગત માહિતી, ફોટા અને વીડિયો જાહેરમાં ઓછા શેર કરો.
અજાણ્યા નંબર પરથી આવેલા વીડિયો કોલ અથવા ઓડિયો મેસેજ પર તરત વિશ્વાસ ન કરો.
પૈસા મોકલતા પહેલાં સામેવાળી વ્યક્તિની ઓળખ અન્ય માધ્યમથી ચકાસો.
દરેક મહત્વના ઓનલાઈન એકાઉન્ટમાં Two-Factor Authentication (2FA) ચાલુ રાખો.
શંકાસ્પદ લિંક, એપ અથવા ફાઇલ ડાઉનલોડ કરવાનું ટાળો.
પરિવારના સભ્યો સાથે એક સેફ્ટી કોડ વર્ડ નક્કી કરો, જેથી ઈમરજન્સીમાં સાચી ઓળખ ચકાસી શકાય.
સરકાર અને સાયબર એજન્સીઓની સલાહ
સાયબર સુરક્ષા નિષ્ણાતો અને સરકારી એજન્સીઓ લોકોને AI આધારિત ઠગાઈથી સાવચેત રહેવાની અપીલ કરી રહ્યા છે. જો કોઈ Deepfake અથવા Voice Cloning દ્વારા છેતરપિંડીનો પ્રયાસ થાય, તો તેની જાણ તરત જ નજીકના સાયબર પોલીસ સ્ટેશન અથવા National Cyber Crime Helpline 1930 પર કરવી જોઈએ. ઉપરાંત, ફરિયાદ www.cybercrime.gov.in પર પણ નોંધાવી શકાય છે.
AI ટેક્નોલોજીનો ઉપયોગ જેટલો વધશે, તેટલું સાયબર સુરક્ષા અંગે જાગૃત રહેવું પણ જરૂરી બનશે. થોડું સાવધાન રહેવાથી મોટી આર્થિક અને વ્યક્તિગત નુકસાનીથી બચી શકાય છે.





