Home Gujarat Ahmedabad Ahmedabad Traffic Police Cooling Jacket Heatwave Solution

ઠંડા-ઠંડા કુલ-કુલ : 45 ડિગ્રી ગરમીમાં પણ જવાનોને લાગશે ઠંડક, જાણો આ હાઇટેક જેકેટની ખાસિયત

Ahmedabad
Published by: Aryan Shah
Last Updated: Apr 15, 2026, 06:06 AM IST

Ahmedabad : ઉનાળાની સિઝનમાં જ્યારે સામાન્ય લોકો માટે થોડીવાર પણ બહાર નીકળવું મુશ્કેલ હોય છે, ત્યારે ટ્રાફિક પોલીસ જવાનો 40 થી 45 ડિગ્રી તાપમાનમાં રસ્તા પર ઊભા રહીને ફરજ બજાવે છે. અમદાવાદ જેવા શહેરમાં ગરમીનો પારો ખૂબ ઊંચો જતો હોય છે, જેના કારણે જવાનોને લૂ લાગવાની કે તબિયત બગડવાની શક્યતા રહે છે. આ સમસ્યાના ઉકેલ માટે હવે ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ હાઇ-ટેક જેકેટ લાવવામાં આવ્યા છે.

જેકેટની વિશેષતા અને ટેકનોલોજી

આ હાઇટેક જેકેટ પાવર બેંકની મદદથી ચાલે છે. જેકેટમાં બે ફેન લગાવવામાં આવ્યા છે, જે નીચેથી ઉપરની તરફ હવા ફેંકે છે, જેનાથી શરીર પર પરસેવો વળતો નથી અને એર-ફ્લો જળવાઈ રહે છે. આ ફેનની સ્પીડને જરૂરિયાત મુજબ લો, મીડિયમ કે ફૂલ મોડ પર એડજસ્ટ કરી શકાય છે. એકવાર પાવર બેંક ચાર્જ કર્યા પછી તે સતત 8 કલાક સુધી કામ આપે છે.

હીટવેવ સામે રક્ષણ આપતો કોલર બેલ્ટ

આ જેકેટમાં માત્ર ફેન જ નહીં, પરંતુ ગરદનના ભાગે સ્પેશિયલ ડિઝાઇન કરેલા કોલર બેલ્ટ પણ આપવામાં આવ્યા છે. આ બેલ્ટને સામાન્ય પાણીથી ભીના કરીને પહેરવાના હોય છે, જે હીટવેવ એટલે કે ગરમ લૂ સામે રક્ષણ આપે છે. આ ટેકનોલોજીના કારણે જવાનોની કામ કરવાની ક્ષમતામાં વધારો થશે અને સ્વાસ્થ્ય પર પણ જોખમ ઘટશે.

ટ્રાયલ બેઝ પર શરૂઆત

હાલમાં આ પ્રોજેક્ટ અમદાવાદના મુખ્ય જંકશન જેવા કે પકવાન ચાર રસ્તા, ઇસ્કોન, પેલેડિયમ અને શિવરંજની ખાતે ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટના સંકલનથી આ જેકેટ ડિઝાઇન કરવામાં આવ્યા છે. જવાનોના ફીડબેક લીધા બાદ આગામી દિવસોમાં તમામ 1800 પોલીસ કર્મચારીઓ અને 2550 ટી.આર.બી. જવાનોને આ જેકેટ આપવાનું આયોજન છે.

પોલીસ જવાનોના સ્વાસ્થ્યની કાળજી

ટ્રાફિક વિભાગ દ્વારા જેકેટની સાથે સાથે જવાનો માટે અન્ય સુવિધાઓ પણ કરવામાં આવી છે. ફરજ દરમિયાન જવાનોને ઓ.આર.એસ. (ORS) ના પેકેટ અને પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. બપોરના 12 થી 4 ના સમયગાળામાં જ્યાં ટ્રાફિક ઓછો હોય ત્યાં સિગ્નલ બ્લિન્કર મોડ પર મૂકવામાં આવે છે જેથી જવાનોને થોડી રાહત મળી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now