અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ઘટના બાદ સંચાલકોમાં ચિંતા મુકાયા છે. આવી ઘટના ગમે ત્યાં અને ગમે ત્યારે બની શકે છે, એ ભય ગુજરાતની સરકારી ગ્રાન્ટેડ અને પ્રાઇવેટ સ્કૂલોના સંચલકોને સતાવી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને હવે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની કુટેવો અને તેમની ગતિવિધિઓ પર નજર રાખી શકાય તેની માટે ખાનગીમાં જાસૂસી કરવા સૂચન કારવમાં આવ્યું છે. ગુજરાત રાજ્ય શાળા મહામંડળ દ્વારા શિક્ષણ વિભાગને અમુક મહત્વપૂર્ણ સૂચન કરવામાં આવ્યા છે. જેમાંથી એક મહત્વનું સૂચન જાસુસી અંગેનું છે.
વાર્ષિક ઉત્સવ પ્રકારના કાર્યક્રમમાં બોલીવુડ અને હોલીવુડના ગીતો પર પરફોર્મન્સ બંધ થવા જોઈએ
આ બાબતે સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે સ્પષ્ટતા કરી કે જાસુસી કરીને વિદ્યાર્થીઓની ગતિવિધિ અને તેમના વર્તનની સચોટ માહિતી મેળવી શકાય છે. જે સ્કૂલો આર્થિક રીત સક્ષમ છે તેના સંચાલકો આ પ્રકારે વિચારી શકે છે. કારણ કે આનાથી કોઈ ખરાબ આદત વાળા વિદ્યાર્થીની ઓળખ થઈ શકે, જેના આધારે સપ્તાહમાં એક વખત જસુસીથી મળેલી જાણકારીના આધારે યોગ્ય પગલાં લઈ શકાય.
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ તરફથી 20 જેટલા સૂચન
26 ઓગસ્ટના રોજ અમદાવાદમાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને અમદાવાદના શાળા સંચાલકોની ચિંતન શિબિર બેઠક યોજાઇ હતી. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા સંચાલકોને બાળકોની સલામતી સુરક્ષા સંદર્ભે સૂચનો માંગ્યા હતા. જેને લઈને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ તરફથી અલગ-અલગ પ્રકારના 20 જેટલા સૂચન કરવામાં આવ્યા છે. જેમાં સ્કૂલોનાં વિવિધ કાર્યક્રમો અથવા તો વાર્ષિક ઉત્સવ પ્રકારના કાર્યક્રમમાં બોલીવુડ અને હોલીવુડના ગીતો પર પરફોર્મન્સ બંધ થવા જોઈએ, સાથે જ શાળાઓમાં બિનજરૂરી દિવસોની ઉજવણી બંધ કરવી જોઈએ. ભારતીય સંસ્કૃતિને શોભે અને બાળકોમાં સંસ્કાર સિંચન થાય એ પ્રકારના ગીતો અને પ્રવૃત્તિઓ શાળા પરિસરમાં થવી જોઈએ એ પ્રકારનું સૂચન પણ કરવામાં આવ્યું છે.






