Home Gujarat Ahmedabad Ahmedabad Rural Adr Shield Election Police Bandobast

અમદાવાદ ગ્રામ્યમાં ચૂંટણી માટે ‘ADR-SHIELD’ એક્ટિવ : 3251 પોલીસ જવાનો સાથે જાણો આર્થિક પાટનગરનો બંદોબસ્ત

અમદાવાદ ગ્રામ્ય પોલીસનો લોગો
Published by: Chintan Chavda
Last Updated: Apr 25, 2026, 11:06 AM IST

અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી-2026 ને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા વ્યાપક તૈયારી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ દ્વારા ચૂંટણી વ્યવસ્થાને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે ‘ADR-SHIELD’ નામનું ડિજિટલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. આ સિસ્ટમ 18 એપ્રિલ 2026 થી ઓનલાઇન કાર્યરત છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર રિયલ-ટાઈમ નજર રાખવામાં મદદરૂપ બની રહી છે.

આ પ્રોજેક્ટ અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પોલીસ અધિક્ષકના નેતૃત્વમાં અમલમાં મૂકવામાં આવ્યો છે. અગાઉ ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન તેના પાયલોટ પ્રયોગ પછી હવે તેને સંપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જેથી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા વધુ અસરકારક રીતે જાળવી શકાય.

1302 મતદાન મથકો પર સુરક્ષા ગોઠવણ

મળતી માહિતી અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કુલ 1302 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. તેમાં 41 હાયપર-સેન્સિટિવ, 408 સેન્સિટિવ અને 853 સામાન્ય કેટેગરીમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આ વર્ગીકરણને આધારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની નજર રાખી શકાય.

ચૂંટણી બંદોબસ્ત માટે કુલ 3251 પોલીસ અધિકારીઓ અને જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. તેમાં SP, DySP, PI, PSI થી લઈને મોટી સંખ્યામાં પોલીસ જવાનો, હોમગાર્ડ, SRPF અને અન્ય દળોનો સમાવેશ થાય છે. સાથે સાથે મોબાઈલ પેટ્રોલિંગ અને ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) પણ કાર્યરત રહેશે.

ADR-SHIELD: રિયલ-ટાઈમ મોનીટરીંગ માટે આધુનિક પ્લેટફોર્મ

ADR-SHIELD પોર્ટલ ચૂંટણી સંબંધિત તમામ માહિતી માટે એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે. તેમાં રિયલ-ટાઈમ મોનીટરીંગ, બૂથ લેવલ માહિતી, પોલીસ તહેનાતી આયોજન અને ગૂગલ મેપિંગ આધારિત દેખરેખ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

આ સિસ્ટમ દ્વારા અધિકારીઓને દૈનિક રિપોર્ટિંગ, ચેકપોસ્ટની સ્થિતિ અને સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવાની સગવડ મળે છે. જિલ્લા કલેક્ટરથી લઈને પોલીસ અધિકારીઓ સુધી તમામ મુખ્ય અધિકારીઓને આ પોર્ટલની ઍક્સેસ આપવામાં આવી છે, જેથી ઝડપી અને સંકલિત નિર્ણય લેવામાં સરળતા રહે.

પ્રિવેન્ટિવ એક્શન અને કડક કાયદેસર કાર્યવાહી

ચૂંટણી પૂર્વે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક પ્રિવેન્ટિવ પગલાં લેવામાં આવ્યા છે. 1 એપ્રિલ 2026 થી અત્યાર સુધીમાં 5192 પ્રિવેન્ટિવ કાર્યવાહી, 870 પ્રોહિબિશન કેસ, 81 હદપાર દરખાસ્તો અને 25 PASA કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત 1687 હથિયારો જમા કરાવવામાં આવ્યા છે, 41,075 વાહનોની ચેકિંગ કરવામાં આવી છે અને 20 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ઇતિહાસ ધરાવતા આરોપીઓની પણ ચકાસણી કરવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

આ પણ વાંચો: અમદાવાદમાં આવતીકાલે મતદાન : જિલ્લા કલેક્ટરની મતદારોને અપીલ, “લોકશાહીના પર્વમાં જરૂર જોડાઓ”

દારૂ જપ્તી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાબૂ

ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ દ્વારા દારૂ જપ્તી પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 5360 લીટર દેશી દારૂ અને 16,976 બોટલ IMFL જપ્ત કરવામાં આવી છે, જેનો કુલ અંદાજિત મૂલ્ય કરોડો રૂપિયામાં છે.

આ કાર્યવાહી ચૂંટણીને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ બનાવવાના પ્રયાસનો ભાગ છે, કારણ કે ગેરકાયદેસર દારૂ અને અન્ય પ્રવૃત્તિઓ ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now