Home Gujarat Ahmedabad Ahmedabad Rain Update Gujarat 111 Taluka Heavy Rain

અમદાવાદમાં બદલાયું વાતાવરણ : શહેરના અનેક વિસ્તારોમાં મેઘમહેર, ગરમીથી ત્રસ્ત લોકોને મોટી રાહત

Rain
Published by: Suman Dabhi
Last Updated: Jul 20, 2026, 05:55 AM IST

Ahmedabad Rain: છેલ્લા ઘણા દિવસોથી ભારે ગરમી અને ઉકળાટનો સામનો કરી રહેલા અમદાવાદવાસીઓ માટે સોમવારની સવાર રાહત લઈને આવી. શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને લોકોને ગરમીમાંથી રાહત મળવાની આશા જાગી છે. સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતા રસ્તાઓ ભીના થઈ ગયા અને તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો. વરસાદ શરૂ થતાં જ લોકોને ગરમી અને ભેજમાંથી મોટી રાહત મળી હતી.

શહેરના આ વિસ્તારોમાં વરસ્યો વરસાદ

અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઈટ, જજીસ બંગલા, પ્રહલાદનગર, વેજલપુર, બોપલ, ઘુમા, ઘાટલોડિયા, નારણપુરા અને નવરંગપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસતા વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવું પડ્યું.

વરસાદ બાદ શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

રાજ્યના 111 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન ચોમાસાએ જોરદાર હાજરી નોંધાવી છે. રાજ્યના 111 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના જલાલપોરમાં 5.75 ઇંચ નોંધાયો છે. જ્યારે નવસારી શહેરમાં 4.80 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી.

તે ઉપરાંત,

  • પારડી (વલસાડ) – 3.82 ઇંચ

  • પલસાણા (સુરત) – 3.07 ઇંચ

  • ચીખલી (નવસારી) – 2.48 ઇંચ

  • મહુવા (સુરત) – 2.17 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ : 25 જુલાઈએ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં વરસશે મેઘો?

દક્ષિણ ગુજરાતમાં વરસાદની સૌથી વધુ અસર

રાજ્યના કુલ 24 તાલુકાઓમાં એક ઇંચથી લઈને પોણા 6 ઇંચ સુધી વરસાદ નોંધાતા ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જનજીવન પ્રભાવિત થયું છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે નદીઓ અને ચેકડેમમાં પાણીની આવક પણ વધી રહી છે. હવામાન વિભાગની આગાહીને અનુરૂપ આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. જેના કારણે ખેડૂતો ઉપરાંત સામાન્ય નાગરિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now