અમદાવાદ: અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં હજુ પણ હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે, જ્યારે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને સામાન્ય બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. ખાસ કરીને દક્ષિણ-પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન અને પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. AMCના જણાવ્યા મુજબ હાલ શહેર ધીમે ધીમે પૂર્વવત સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. મોટાભાગના જળભરાવના સ્થળોએ પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના વિસ્તારોમાં પણ સતત પમ્પિંગ અને સફાઈની કામગીરી ચાલી રહી છે.
બોપલમાં સૌથી વધુ વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
ભારે વરસાદ દરમિયાન શહેરના બોપલ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. AMCના જણાવ્યા મુજબ બોપલ વિસ્તારમાં અંદાજે 22 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે બાકરોલ અને સરખેજ વિસ્તારમાં 16 ઇંચથી વધુ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બોપલ વિસ્તાર ભૌગોલિક રીતે રકાબી (બાઉલ) આકારનો હોવાથી વરસાદી પાણી ઝડપથી એકત્ર થઈ જાય છે. જેના કારણે અહીં પાણીના નિકાલમાં વધુ સમય લાગ્યો હતો. વરસાદનું પ્રમાણ અસામાન્ય રીતે વધુ હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું હતું.
શહેરને પૂર્વવત બનાવવા AMCની સતત કામગીરી
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે વરસાદ બાદ શહેરને ઝડપથી સામાન્ય સ્થિતિમાં લાવવા માટે કોર્પોરેશનની તમામ ટીમો સતત કાર્યરત છે. અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની તબિયત સારી ન હોવા છતાં મેદાનમાં રહીને કામગીરી કરી રહ્યા છે. શહેરમાં ભરાયેલા પાણીના નિકાલ માટે વિવિધ સ્થળોએ હાઈ-કેપેસિટી ડી-વોટરિંગ પમ્પનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલ સેન્ટોસા, ઇસ્કોન ગ્રીન, ઇન્દ્રપ્રસ્થ, મકરબા, સરખેજ અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત પાણી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
એક અન્ડરપાસ હજુ પણ બંધ
વરસાદ બાદ શહેરના મોટાભાગના માર્ગો પર ટ્રાફિક સામાન્ય બન્યો છે. જોકે રાણીપથી ચાંદલોડિયા તરફ જતો એક અન્ડરપાસ હજુ પણ પાણી ભરાયેલા હોવાથી બંધ રાખવામાં આવ્યો છે. AMCના જણાવ્યા મુજબ જ્યાં જ્યાં હજુ પાણી ભરાયેલા છે ત્યાં સતત પમ્પિંગ કરવામાં આવી રહ્યું છે અને પાણીનું સ્તર ઘટતા જ માર્ગો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવશે.
148માંથી 133 જળભરાવના સ્થળો ખાલી
કોર્પોરેશને વરસાદ બાદના આંકડા જાહેર કરતાં જણાવ્યું કે શહેરમાં કુલ 148 જળભરાવના સ્થળો નોંધાયા હતા, જેમાંથી 133 સ્થળોએ સફળતાપૂર્વક પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. તે જ રીતે શહેરની 126 અસરગ્રસ્ત સોસાયટીઓમાંથી 107 સોસાયટીઓમાં પાણીનો સંપૂર્ણ નિકાલ કરવામાં આવ્યો છે. બાકીની સોસાયટીઓમાં પણ ડી-વોટરિંગ પમ્પ દ્વારા સતત કામગીરી ચાલુ છે.
હજારો કર્મચારીઓએ હાથ ધરી સફાઈ કામગીરી
વરસાદનું પાણી ઉતર્યા બાદ શહેરમાં સફાઈનું વિશાળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. AMCના જણાવ્યા મુજબ 7,580 કર્મચારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 664 ટન કાદવનો નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રસ્તાઓ પર વરસાદ બાદ જમા થયેલો અંદાજે 3,474 ટન કચરો પણ દૂર કરવામાં આવ્યો છે. કોર્પોરેશનની સફાઈ ટીમો હજુ પણ અલગ-અલગ વિસ્તારોમાં કામગીરી કરી રહી છે જેથી રોગચાળો ફેલાવાની શક્યતા ઘટાડી શકાય.
આરોગ્ય વિભાગ પણ એલર્ટ
ભારે વરસાદ બાદ પાણીજન્ય રોગચાળાને રોકવા માટે AMCના આરોગ્ય વિભાગને પણ એલર્ટ કરવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ક્લોરીનની ગોળીઓ વિતરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સાથે જ પીવાના પાણીની ગુણવત્તા પર પણ નજર રાખવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ઉકાળેલું અથવા શુદ્ધ પાણી પીવાની અને સ્વચ્છતા જાળવવાની અપીલ કરવામાં આવી છે.
રોડ રિપેર અને પોથોલ ભરવાની કામગીરી શરૂ
વરસાદના કારણે શહેરના અનેક માર્ગોને નુકસાન પહોંચ્યું છે. જેના પગલે AMCએ રોડ રી-સેટલમેન્ટ અને પોથોલ ભરવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરી છે. મુખ્ય માર્ગો પર ટ્રાફિક સરળ બને અને વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે પ્રાથમિકતા આધારે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
બોપલમાં વિશેષ ડ્રેનેજ વ્યવસ્થા
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે બોપલ વિસ્તારમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 350 લિટર ક્ષમતાની ડ્રેનેજ લાઈનમાંથી પાણી કાઢીને તેને 1,200 એમએમની મુખ્ય લાઈન મારફતે ઘુમા તળાવ અને ગોતા-ગોધાવી કેનાલ તરફ મોકલવામાં આવી રહ્યું છે. હાલ બોપલ વિસ્તારમાં ત્રણ મોટા પમ્પ સતત કાર્યરત છે. ઉપરાંત રતન તળાવ ખાતે પણ પમ્પિંગ દ્વારા પાણીના નિકાલની કામગીરી ચાલી રહી છે.
વેસ્ટર્ન ટ્રંકલાઈનનો મળ્યો લાભ
AMCના જણાવ્યા મુજબ સાયન્સ સિટી, બોડકદેવ અને એપલવુડ વિસ્તારમાં વેસ્ટર્ન ટ્રંકલાઈન કાર્યરત હોવાથી ત્યાં મોટા પ્રમાણમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ નહોતી. જોકે બોપલ વિસ્તાર હજુ વેસ્ટર્ન ટ્રંકલાઈન સાથે સંપૂર્ણ રીતે જોડાયેલો નથી, જેના કારણે ત્યાં વધુ અસર જોવા મળી હતી. કમિશનરે જણાવ્યું કે પમ્પિંગ સ્ટેશનના અપગ્રેડેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ સર્જાય નહીં.
કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પણ ડી-વોટરિંગ
વરસાદના કારણે અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સના ભોંયરામાં પાણી ભરાઈ ગયું હતું. AMC દ્વારા આવા વિસ્તારોમાં ડી-વોટરિંગ પમ્પ મોકલીને પાણી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઇન્દ્રપ્રસ્થ સહિતના વિસ્તારોમાં કોર્પોરેશનની ટીમો સતત કાર્યરત છે.
કરમાફી અંગે રાજ્ય સરકાર કરશે નિર્ણય
સુરતમાં વરસાદી નુકસાનને ધ્યાનમાં રાખીને કરમાં રાહત આપવામાં આવી હોવાના પ્રશ્નના જવાબમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે અમદાવાદમાં પણ નુકસાનનું સર્વેક્ષણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે સર્વે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર તરફથી જે માર્ગદર્શન અથવા આદેશ મળશે તેના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે. હાલ કોર્પોરેશનનું પ્રથમ લક્ષ્ય લોકોને રાહત પહોંચાડવાનું અને શહેરને સામાન્ય સ્થિતિમાં લાવવાનું છે.
નારણપુરામાં 12 પરિવારોને સલામત સ્થળે ખસેડાયા
નારણપુરા વિસ્તારમાં આવેલી GHBની એક સાઇટ પર સલામતીને ધ્યાનમાં રાખીને 12 પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે જો કોઈપણ એજન્સીની બેદરકારી સામે આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે તકનિકી તપાસ પણ હાથ ધરવામાં આવશે.
વાસણા બેરેજ અને હવામાન પર નજર
AMC દ્વારા વાસણા બેરેજની સ્થિતિ પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. હાલ બેરેજનું લેવલ 123 હોવાનું જણાવાયું છે અને જરૂરિયાત મુજબ તેને 125થી 126 સુધી વધારવાની તૈયારી રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી એક દિવસ માટે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અગાઉ જાહેર કરાયેલ રેડ એલર્ટ હવે ઓરેન્જ એલર્ટમાં પરિવર્તિત થયું છે. AMCને આશા છે કે આગામી દિવસોમાં સ્થિતિ વધુ સુધરશે અને એલર્ટ ઓરેન્જમાંથી યલો અને ત્યારબાદ ગ્રીનમાં ફેરવાશે.
આ પણ વાંચો: સરકાર સાથે સમજૂતી બાદ CJPએ સમાપ્ત કર્યું આંદોલન : ત્રણેય માંગણીઓ સ્વીકારાઈ હોવાનો દાવો, પ્રદર્શનકારીઓને ઘરે પરત ફરવા અપીલ
શહેરને સંપૂર્ણ રીતે સામાન્ય બનાવવા પ્રાથમિકતા
AMCએ સ્પષ્ટ કર્યું છે કે હાલની સૌથી મોટી પ્રાથમિકતા શહેરના તમામ મુખ્ય માર્ગો પરથી પાણી ઉતારવું, સોસાયટીઓમાં ભરાયેલા પાણીનો નિકાલ પૂર્ણ કરવો, સફાઈ, આરોગ્ય સુરક્ષા અને રોડ સમારકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરીને અમદાવાદને ફરી સંપૂર્ણપણે પૂર્વવત સ્થિતિમાં લાવવાની છે. અધિકારીઓ, ઇજનેરો, આરોગ્ય વિભાગ, સફાઈ કર્મચારીઓ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો ચોવીસે કલાક મેદાનમાં રહી કામગીરી કરી રહી છે.





