Home Gujarat Surendranagar Lakhtar Babjipura Malvan Village Waterlogging Rain

સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ બાદ અનેક ગામો પાણીમાં ગરકાવ : લખતરના બાબજીપુરા અને પાટડીના માલવણમાં ઘરોમાં પાણી ઘૂસતા ગ્રામજનો મુશ્કેલીમાં, તંત્ર પાસે તાત્કાલિક મદદની માંગ

બાબજીપુરા અને માલવણ ગામમાં ઘરોમાં ભરાયેલા વરસાદી પાણી વચ્ચે રહેતા ગ્રામજનો.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 25, 2026, 01:54 PM IST

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સતત વરસાદે અનેક ગામોમાં જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. ભારે વરસાદ બાદ જિલ્લાના લખતર તાલુકાના બાબજીપુરા ગામ અને પાટડી તાલુકાના માલવણ ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક પરિવારોના ઘરોમાં ઘૂંટણથી લઈને કમર સુધી પાણી ભરાઈ જતાં રોજિંદું જીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. હાલ પણ જિલ્લામાં ધીમીધારે વરસાદ ચાલુ રહેતાં ગ્રામજનોની ચિંતા વધી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદનું પાણી લાંબા સમયથી ઘરોમાં જ ભરાયેલું છે. જેના કારણે ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે અને પરિવારના સભ્યોને અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન પસાર કરવું પડી રહ્યું છે.

બાબજીપુરા ગામમાં ઘરો પાણીમાં ગરકાવ

લખતર તાલુકાના બાબજીપુરા ગામમાં ભારે વરસાદ બાદ અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો એટલો વધી ગયો છે કે અનેક ઘરોમાં કેડ સમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ઘરના ઓરડાઓ, રસોડાં અને આંગણાં પાણીમાં ગરકાવ થતાં લોકો માટે પોતાના જ ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે. ઘણા પરિવારો ઘરનો સામાન બચાવવા માટે તેને ઊંચા સ્થળે ગોઠવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી.

માલવણ ગામમાં ખાટલા પર ગોઠવવી પડી ઘરવખરી

પાટડી તાલુકાના માલવણ ગામમાં પણ વરસાદે વિકટ સ્થિતિ સર્જી છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોની દૈનિક જીવનશૈલી સંપૂર્ણ બદલાઈ ગઈ છે. ઘરમાં પાણી ભરાઈ જતાં પરિવારજનોને ઘરવખરી, અનાજ, કપડાં અને અન્ય જરૂરી સામાનને બચાવવા માટે ખાટલાઓ પર ગોઠવવો પડ્યો છે. એટલું જ નહીં, કેટલીક મહિલાઓને તો ખાટલા પર જ રસોઈ બનાવવાની નોબત આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ દૃશ્યો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિનો ચિતાર આપે છે.

મહિલાઓએ તંત્ર સમક્ષ મદદની કરી માંગ

અસરગ્રસ્ત વિસ્તારોની મહિલાઓએ તંત્ર સમક્ષ વહેલી તકે રાહત પહોંચાડવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે ઘરોમાં ઘણા દિવસોથી પાણી ભરાયેલા હોવાથી બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે મુશ્કેલી વધી રહી છે.

મહિલાઓએ જણાવ્યું કે વરસાદી પાણીના કારણે ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું છે. પીવાના પાણી, રસોઈ, સ્વચ્છતા અને દૈનિક જરૂરિયાતો પણ અસરગ્રસ્ત બની છે. તેમણે માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક ડી-વોટરિંગ પમ્પની વ્યવસ્થા કરીને ઘરોમાંથી પાણી બહાર કાઢે અને લોકોને રાહત આપે.

પાણી ભરાવાથી આરોગ્ય સંકટની પણ ચિંતા

લાંબા સમય સુધી ઘરો અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયેલું રહેતાં હવે આરોગ્ય સંબંધિત ચિંતાઓ પણ વધી રહી છે. ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને પાણીજન્ય રોગચાળો ફેલાવાની શક્યતા પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. ગ્રામજનોએ આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓનો છંટકાવ, ક્લોરીનની ગોળીઓનું વિતરણ અને તબીબી તપાસની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે.

વરસાદ હજુ યથાવત, ગ્રામજનોમાં ચિંતા

હવામાનમાં હજુ પણ ખાસ સુધારો જોવા મળ્યો નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં ધીમીધારે વરસાદ ચાલુ રહેતાં પાણીના નિકાલની કામગીરી વધુ પડકારજનક બની રહી છે. જો આગામી દિવસોમાં ફરી ભારે વરસાદ પડશે તો હાલની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે તેવી ભીતિ સ્થાનિકોમાં જોવા મળી રહી છે. ગામના લોકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં આવી જ સમસ્યા સર્જાય છે. તેથી માત્ર તાત્કાલિક રાહત પૂરતી નહીં, પરંતુ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે મજબૂત ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે.

આ પણ વાંચો: જામનગરમાં લગ્નના છ જ મહિનામાં કરુણ અંત : પતિએ દાંતરડાના ઘા ઝીંકી પત્નીની કરી હત્યા, આરોપી અટકાયતમાં

તંત્ર પાસેથી તાત્કાલિક કાર્યવાહી કરવાની અપેક્ષા

અસરગ્રસ્ત ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક પંચાયતને તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કરવાની અપીલ કરી છે. લોકોનું કહેવું છે કે ઘરોમાંથી પાણીનો ઝડપથી નિકાલ કરવામાં આવે, નુકસાનનું સર્વેક્ષણ કરવામાં આવે અને જરૂરિયાતમંદ પરિવારોને યોગ્ય સહાય આપવામાં આવે. ભારે વરસાદ વચ્ચે બાબજીપુરા અને માલવણ ગામની હાલત દર્શાવે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ અને મજબૂત માળખાકીય સુવિધાઓ કેટલી જરૂરી છે. હવે ગ્રામજનોની નજર તંત્ર તરફ છે કે તેમને ક્યારે રાહત મળે છે અને પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે કેટલા ઝડપથી પગલાં લેવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now