Home National Cockroach Janata Party Ends Protest Three Demands Accepted

સરકાર સાથે સમજૂતી બાદ CJPએ સમાપ્ત કર્યું આંદોલન : ત્રણેય માંગણીઓ સ્વીકારાઈ હોવાનો દાવો, પ્રદર્શનકારીઓને ઘરે પરત ફરવા અપીલ

Cockroach Janata Party
Image Credit: X
Published by: Nirali Gohil
Last Updated: Jul 25, 2026, 12:28 PM IST

Cockroach Janata Party: નીટ (NEET) પરીક્ષા પેપર લીક મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો શનિવારે અંત આવ્યો હોવાનો દાવો કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા કરવામાં આવ્યો છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર સાથે થયેલી સતત ત્રણ તબક્કાની ચર્ચા બાદ તેમની મુખ્ય માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. આ જાહેરાત બાદ જંતર-મંતર પર હાજર પ્રદર્શનકારીઓમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ 'છાત્ર એકતા ઝિંદાબાદ'ના નારા લગાવ્યા, રાષ્ટ્રગાન ગાયું અને નીટ પેપર લીક બાદ આત્મહત્યા કરનાર અથવા જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મૌન પણ પાળ્યું. પાર્ટીના પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર સાથેની બેઠકમાં તેમની ત્રણ મુખ્ય માંગણીઓ પર સહમતિ બની છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ પણ હાજર રહ્યા હતા. CJPએ તમામ પ્રદર્શનકારીઓને આંદોલન સમાપ્ત કરીને પોતાના ઘરે પરત જવાની અપીલ કરી છે.

ત્રણ મુખ્ય માંગણીઓ સ્વીકાર્યાનો દાવો

કોકરોચ જનતા પાર્ટીના જણાવ્યા અનુસાર તેમની પ્રથમ માંગ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી, જે હવે પૂર્ણ થઈ હોવાનું તેઓએ જણાવ્યું છે. બીજી માંગ પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા તમામ કેસો અને FIR પાછા ખેંચવાની હતી, જેને પણ સરકારે સ્વીકારી લીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્રીજી માંગ નીટ પેપર લીક પ્રકરણમાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓના પરિવારોને એક કરોડ રૂપિયાનું વળતર આપવાની હતી, જેના મુદ્દે પણ સરકાર સાથે સહમતિ થઈ હોવાનું CJPએ જણાવ્યું છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે,સરકાર દ્વારા આગામી થોડા દિવસોમાં સંબંધિત દસ્તાવેજો અને નિર્ણયની નકલ શેર કરવામાં આવશે. તેમણે દાવો કર્યો કે ભવિષ્યમાં પણ CJP સાથે જોડાયેલા કાર્યકરો અથવા પ્રદર્શનકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે.

જંતર-મંતર પર ઉજવણીનો માહોલ

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના સમાચાર સામે આવતા જ જંતર-મંતર ખાતે હાજર વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. પ્રદર્શનકારીઓએ દેશભક્તિના ગીતો ગાયા, એકબીજાને અભિનંદન પાઠવ્યા અને આંદોલનની સફળતા તરીકે આ ક્ષણને ઉજવી. આ દરમિયાન નીટ પેપર લીક વિવાદના કારણે જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓને યાદ કરીને બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું. પ્રદર્શનકારીઓએ કહ્યું કે, આ લડત માત્ર એક મંત્રીના રાજીનામા માટે નહોતી, પરંતુ સમગ્ર પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે હતી.

આ પણ વાંચો: શિક્ષણમંત્રીના રાજીનામા પછી પણ નહીં અટકે વિરોધ! : CJPએ કહ્યું- હજુ 3 માંગણીઓ બાકી, પૂર્ણ નહીં થાય ત્યાં સુધી નહીં અટકે આંદોલન

સ્થાપક અભિજીત દીપકેનું નિવેદન

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ઘણા લોકો કહેતા હતા કે આ સરકારમાં કોઈ રાજીનામું આપતું નથી, પરંતુ સતત દબાણ અને લોકશાહી આંદોલનના કારણે આખરે સરકારને ઝુકવું પડ્યું. તેમણે વધુમાં કહ્યું કે, "સુબહ હો ગઈ મામુ, જનતા જાગ ગઈ. અમે આમ જ પાછા ફરવાના નહોતા. કોકરોચ એકવાર ઘૂસી જાય તો સહેલાઈથી બહાર નીકળતો નથી." દીપકે મંચ પરથી પ્રદર્શનકારીઓને સંબોધિત કરતા જણાવ્યું કે, આંદોલનનો હેતુ સરકારને જવાબદાર બનાવવાનો હતો અને તેમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. મંચ પર હાજરી દરમિયાન અભિજીત દીપકેના હાથમાં કેન્યુલા જોવા મળ્યું હતું. પાર્ટીના જણાવ્યા અનુસાર તેઓ ટાઈફોઈડથી પીડિત હોવા છતાં સતત આંદોલનમાં સક્રિય રહ્યા હતા. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની જાણ થતાં તેઓ ભાવુક બની ઘૂંટણિયે બેસી ગયા હોવાનું પણ સ્થળ પર જોવા મળ્યું હતું.

સરકાર સાથે ત્રણ તબક્કાની ચર્ચા

કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું કે સરકાર અને CJP વચ્ચે કુલ ત્રણ બેઠક યોજાઈ હતી. દરેક બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવાની માંગ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે. નડ્ડાએ વધુમાં જણાવ્યું કે, પરીક્ષા સુધારણા સંબંધિત પાંચ મુદ્દાના પ્રસ્તાવ પર સરકાર ગંભીરતાથી વિચાર કરશે અને યોગ્ય સમયમર્યાદામાં તેનો જવાબ આપવામાં આવશે. તેમણે તમામ પ્રદર્શનકારીઓને આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરતાં કહ્યું કે ચર્ચા દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ સફળ રહ્યો છે.

સૌરભ દાસે શું કહ્યું?

CJPના પ્રવક્તા સૌરભ દાસે જણાવ્યું કે સરકારને લેખિત ડ્રાફ્ટ પણ સોંપવામાં આવ્યો છે અને મંગળવાર સુધીમાં લેખિત જવાબ આપવાનું આશ્વાસન મળ્યું છે. તેમણે દાવો કર્યો કે પીડિત પરિવારોને એક કરોડ રૂપિયાનું વળતર આપવા અંગે પણ સહમતિ બની છે. તેમણે જણાવ્યું કે, શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી સુધારાઓ માટે પાર્ટીએ પાંચ મુદ્દાનો પ્રસ્તાવ સરકાર સમક્ષ રજૂ કર્યો છે. આ મુદ્દે આગામી ચાર અઠવાડિયામાં ફરી બેઠક યોજાશે અને તેમાં પરીક્ષા વ્યવસ્થામાં સુધારા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: 'આ લોકશાહીની જીત છે...' : ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર સોનમ વાંગચુકની પ્રતિક્રિયા, વિક્ટરી સાઇન બતાવી વ્યક્ત કરી ખુશી

આશુતોષ રાંકાનો દાવો

પાર્ટીના અન્ય પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં સરકાર સાથે થયેલી ત્રણ બેઠકો દરમિયાન તમામ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવા અને મૃતકોના પરિવારોને એક કરોડ રૂપિયાનું વળતર—આ ત્રણેય માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે. રાંકાએ વધુમાં જણાવ્યું કે, પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા અંદાજે 15થી 20 કેસોની વિગતો સરકાર આગામી થોડા દિવસોમાં પાર્ટી સાથે શેર કરશે. તેમણે દાવો કર્યો કે ભવિષ્યમાં CJP સાથે જોડાયેલા કોઈપણ કાર્યકર સામે કાર્યવાહી નહીં કરવામાં આવે.

આગળ શું?

જોકે કોકરોચ જનતા પાર્ટીએ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે, પરંતુ પરીક્ષા પ્રણાલીમાં સુધારા, નીટ વિવાદના પીડિતોને ન્યાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સરકાર સાથે ચર્ચા ચાલુ રહેશે તેવી માહિતી આપવામાં આવી છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, ચાર અઠવાડિયા બાદ સરકાર સાથે ફરી બેઠક યોજાશે, જેમાં પરીક્ષા સુધારણા સંબંધિત સૂચનો પર વિગતવાર વિચારણા કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ હવે સરકાર તરફથી સત્તાવાર લેખિત આદેશો, વળતર સંબંધિત નિર્ણય અને પરીક્ષા સુધારણા અંગેના આગામી પગલાં પર સૌની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now