Home Gujarat Ahmedabad Municipal Corporation Special Cleanliness Drive For Diwali

દિવાળી પર્વ પર સફાઈ માટે AMCનું આયોજન : 6 હજાર કર્મચારીઓ શહેરભરમાંથી ઉઠાવશે ફટાકડાનો કચરો

દિવાળી પર્વ પર સફાઈ માટે AMCનું આયોજન
Published by: OBS Bureau
Last Updated: Oct 20, 2025, 04:39 AM IST

દિવાળી તહેવાર દરમિયાન શહેરમાં વધતા કચરાના પ્રમાણને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા રાઉન્ડ ધી ક્લોક વિશેષ સફાઈ કામગીરીનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. તહેવાર દરમિયાન શહેર સ્વચ્છ રહે તે માટે મ્યુનિસિપલ કામદારો દ્વારા દિવસ-રાત સફાઈ કામગીરી હાથ ધરાશે. ખાસ કરીને ફટાકડાના કચરાનો તાત્કાલિક નિકાલ કરવા માટે રાત્રિ દરમિયાન 6000થી વધુ સફાઈ કામદારો તૈનાત કરવામાં આવશે.


પ્રવાસન સ્થળો અને મંદિરો પર વિશેષ સફાઈ કામગીરી

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારી વિજય મિસ્ત્રીએ જણાવ્યું હતું કે દિવાળી અને નૂતન વર્ષના અવસરે શહેરના મુખ્ય મંદિરો અને તેમના પરિસરોમાં ખાસ સફાઈ હાથ ધરાશે. પાણી વડે ધોઈને સ્થળોને સ્વચ્છ બનાવવામાં આવશે. શહેરની સૌંદર્યવધારક પહેલ તરીકે ફ્લાયઓવર, અંડરબ્રિજ અને ડિવાઇડરોને પણ ધોઈને ચમકાવવામાં આવશે.

જમાલપુર ફૂલ માર્કેટ, અટલબ્રિજ, રિવરફ્રન્ટ, કાંકરીયા લેકફ્રન્ટ, સાયન્સ સિટી અને અન્ય પ્રવાસન સ્થળોએ દિવસ તથા રાત્રિ બંને સમયે વિશેષ સફાઈ હાથ ધરાશે જેથી તહેવાર દરમિયાન શહેર સ્વચ્છ અને આકર્ષક રહે.


ધાર્મિક સ્થળોમાંથી ફૂલ-પાંદડાંના કચરાનું જૈવિક નિકાલ

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 22 નિર્માલ્ય કલેક્શન વાહનોની મદદથી 700થી વધુ ધાર્મિક સ્થળોમાંથી ફૂલો, પાંદડા અને અન્ય જૈવિક વેસ્ટ એકત્રિત કરવામાં આવશે. આ કચરાનો નિકાલ કંપોસ્ટ પ્લાન્ટ ખાતે કરવામાં આવશે.

જાહેર શૌચાલય, કોમ્યુનિટી ટોઇલેટ અને પે-એન્ડ-યૂઝ ટોઇલેટને રોજ સવાર-સાંજે ધોઈને ફીનાઇલ તથા બ્લીચિંગ પાવડર વડે સેનેટાઇઝ કરવામાં આવશે. રાત્રિ સફાઈ દરમિયાન એકત્ર થતો કચરો રેફ્યૂઝ ટ્રાન્સફર સ્ટેશનો મારફતે એ જ દિવસે પિરાણા પ્રોસેસિંગ પ્લાન્ટમાં મોકલવામાં આવશે.


1900થી વધુ વાહનો અને ઇ-રીક્ષાઓ સફાઈ માટે કાર્યરત રહેશે

શહેરના રહેણાક અને કોમર્શિયલ વિસ્તારોમાંથી કચરો એકત્ર કરવા માટે 1900થી વધુ ડોર-ટુ-ડોર કલેક્શન વાહનો અને ઇ-રીક્ષાઓ તૈનાત રહેશે. 1000થી વધુ સફાઈ કામદારો હેન્ડકાર્ટ અને ડસ્ટબિન સાથે સંકુચિત વિસ્તારોમાં જઈ કચરાનું સંગ્રહ કરશે.

દરરોજ સવારે બીટ સફાઈ અને બપોર બાદ ટોળાં સફાઈ કામગીરીમાં 9000થી વધુ કાયમી સફાઈ કામદારો ભાગ લેશે. રસ્તા પર એકત્ર થતો કચરો 187 વાહનો દ્વારા ઉઠાવવામાં આવશે.


રસ્તાઓ અને કેડલબિનમાંથી કચરાનું તાત્કાલિક કલેક્શન

દિવાળી દરમ્યાન વધતી કચરાની માત્રાને ધ્યાનમાં રાખીને રાત્રિ શિફ્ટમાં કોમ્પેક્ટર, ઇ-રીક્ષાઓ, સ્વીપર મશીનો, JCB, બોબકેટ સહિતની મશીનરી સતત કામગીરી કરશે. 15 લીટરબિન કલેક્શન વાહનો જાહેર રસ્તાઓ ઉપર મૂકાયેલા કેડલબિનમાંથી કચરો એકત્ર કરશે. ઉપરાંત 20 જેટલા JCB અને બોબકેટ તેમજ 100થી વધુ ટ્રકો ખાલી પ્લોટોમાં રહેલા કચરાનું કલેક્શન કરશે.


નાગરિકોને સ્વચ્છતા જાળવવા અપીલ

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કચરો ફૂટપાથ અથવા રસ્તા પર ન નાંખે. તહેવાર દરમ્યાન નાગરિકોની સફાઈ સંબંધિત ફરિયાદોને ટોપ પ્રાયોરિટી આપી તાત્કાલિક નિવારણ કરવામાં આવશે.

દરેક વોર્ડમાં C&D Waste (કન્સ્ટ્રક્શન એન્ડ ડીમોલિશન વેસ્ટ) માટે અલગ વાહનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સ્વચ્છતા સ્ક્વોડ તમામ ઝોનમાં સક્રિય રહી રસ્તા પર ગંદકી કરનારા તથા પ્રતિબંધિત પેપર કપ અને પ્લાસ્ટિક થેલી વાપરનારા સામે દંડનીય કાર્યવાહી કરશે. દરેક વોર્ડ અને ઝોનમાં રાઉન્ડ ધી ક્લોક સુપરવિઝન અને મોનીટરીંગ માટે અધિકારીઓને દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સરકારી શાળાઓમાં ભરતી માટે આદેશ
ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે સૌથી મોટા સમાચાર
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video