દેશના પૂર્વ PM ડૉ. મનમોહન સિંહનું નિધનને પગલે 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. જેના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં યોજાતા કાંકરિયા કાર્નિવલ 2024ના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો સંપૂર્ણ રદ્દ કરવાની AMC દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને AMCએ પ્રેસ નોટ જાહેર કરીને આપી માહિતી.
ફ્લાવર શોને લઈને લેવાયો મોટો નિર્ણય
1લી જાન્યુઆરીથી શરૂ થતા ફ્લાવરો શોની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ફ્લાવર શોનું આયોજન 1 જાન્યુઆરીના રોજ થવાનું હતું, પરંતુ રાષ્ટ્રીય શોકના પગલે ફ્લાવર શોના કાર્યક્રમની તારીખો ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે ફ્લાવર શૉ 3 જાન્યુઆરીથી શરૂ થશે.
અમદાવાદ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા તથા દંડક દ્વારા એક પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહના દુઃખદ અવસાન નિમિત્તે "કાંકરિયા કાર્નિવલ 2024"ના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે.
પૂર્વ PMના નિધન બાદ કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. તેમના મૃત્યુ બાદ મનમોહન સિંહના પાર્થિવ દેહને મોડી રાત્રે એઈમ્સથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. ડૉ.મનમોહન સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુરુવારે સાંજે તેમની તબિયત લથડી હતી. ત્યારપછી તેમને દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થઈ ગયું.

_d6f980b8-dcd9-44f7-bb53-d453f49c5a9f.jpg)




