Home Gujarat Ahmedabad Ahmedabad Khokhra Slum Power Cut Issue

અમદાવાદમાં સ્લમ ક્વાટર્સનાં લોકોના પાણી માટે વલખા : બિલ્ડરે બિલ ના ભરતા લોકો ત્રાહીમામ

વિરોધ કરતા લોકોની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 27, 2026, 10:33 AM IST

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ નવા સ્લમ ક્વાર્ટર્સનાં રહેવાસીઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે. બિલ્ડર દ્વારા વીજબીલ ચૂકવવામાં બેદરકારી દાખવતા આખા સંકુલના પાણીના બોર અને લિફ્ટની વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવી છે. પરિણામે હજારો સફાઈ કામદારોના પરિવારો 45 ડિગ્રી જેટલી તીવ્ર ગરમીમાં મુશ્કેલીમાં મુકાયા છે.

300 મકાન ધરાવતા સ્લમ ક્વાટર્સ સંકુલનું કુલ ₹6 લાખ જેટલું વીજબીલ બાકી છે. બિલ્ડરે આ રકમ ચૂકવી ના હોવાથી વીજ પુરવઠા કંપનીએ કનેક્શન કાપી નાખ્યું છે. આ પગલાં બાદ સંકુલના રહીશોએ લોકોને પાણી અને લિફ્ટ જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેવું પડ્યું છે.

લિફ્ટ બંધ, પાણીનું પણ સંકટ

આ સંકુલમાં 10 માળ સુધી બિલ્ડિંગ્સ છેજેમાં લિફ્ટ સેવા બંધ થઈ જતાં રહેવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે ઉપરના માળે જવું આવવું મુશ્કેલ બન્યું છે.

લિફેટની સાથે બોરનું કનેક્શન કપાતા પાણીની સમસ્યા ઊભી થઈ છે. ઉકળતા તાપમાન વચ્ચે પીવાના અને ઘરેલું ઉપયોગ માટેનું પાણી મળતું ન હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે.

આ પણ વાંચો: CCE ભરતીમાં CBRT પદ્ધતિનો વિરોધ : OMR આધારિત પરીક્ષા લેવાની માંગ

રહેવાસીઓનો વિરોધ

વીજ પુરવઠા બંધ થતાં જ રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને સફાઈ કામદારોના પરિવારો, જે આ સંકુલમાં રહે છે, તેઓએ બિલ્ડર સામે હોબાળો મચાવ્યો હતો. કોમન પ્લોટમાં એકત્રિત થઈને રહેવાસીઓએ સૂત્રોચ્ચાર કર્યા અને પોતાની મુશ્કેલીઓ અંગે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે બિલ્ડરની બેદરકારીનો ભોગ તેમને બનવું પડી રહ્યું છે, જ્યારે તેઓ નિયમિત રીતે પોતાના ભાગના ખર્ચા ચૂકવતા આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ગાર્લિક બ્રેડમાં જીવાત મળ્યાનો આક્ષેપ : ટેરાનોવા પિઝા સામે થઈ લેખિત ફરિયાદ

આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન જવાબદારીનો છે. રહેવાસીઓનો દાવો છે કે બિલ્ડરે સમયસર બિલ ચૂકવ્યું નથી, જેના કારણે તેમને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સંકુલોમાં કોમન સુવિધાઓ માટેની જવાબદારી સ્પષ્ટ હોવી જરૂરી છે. બિલ્ડર, રહેવાસીઓ અને મ્યુનિસિપલ તંત્ર વચ્ચે યોગ્ય સમન્વય ન હોય તો આવી પરિસ્થિતિ સર્જાય છે.

હાલમાં રહેવાસીઓ બિલ્ડર અને સંબંધિત તંત્ર પાસેથી તાત્કાલિક ઉકેલની માંગ કરી રહ્યા છે. જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વિરોધ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. આ ઘટના શહેરમાં શહેરી ગરીબ વસાહતોની પરિસ્થિતિ અને મૂળભૂત સુવિધાઓની અછતને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now